શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

હેલ્થ કેર : રેફ્રિજરેટરમાં મૂકેલી ઘણી વસ્‍તુઓ ફર્સ્‍ટ-એઇડ બોક્‍સની ગરજ સારે છે

તમે ઘરમાં એકલા હો અને અચાનક કોઇ કટોકટી સર્જાય, તમારી પાસે કોઇ દવા ન હોય ત્‍યારે શું કરવું? ચિંતા ન કરો તમારા રેફ્રિજરેટરમાં મૂકેલી ઘણી વસ્‍તુઓ ઔષધિની ગરજ સારશે. જેમ કે....

આંખોની નીચેના ભાગમાં સોજા ચડે ત્‍યારે

ફ્રીઝમાથી ઠંડુ પાણી કાઢી તેમાં ટી-બેગ ડૂબાડો. હવે તેને આંખો પર મૂકો. તમારા નેણ પર હળવાશ અનુભવાશે અને સોજા પણ ઓછા થઈ જશે. ટામેટાં કે કાકડીના રસના પણ બરફ જેવા ક્‍યુબ બનાવી રાખવા અને જરૂર પડયે તેનો ઉપયોગ કરવો. આ ક્‍યુબ આંખો પર હળવે હળવે ઘસવાથી નેત્ર પાસે આવેલા સોજા દૂર થાય છે અને તડકાને કારણે આંખો બળતી હોય તેમાં પણ રાહત મળે છે.


માથું દુખતું હોય ત્‍યારે

ફ્રીઝરમાં સંગ્રહી રાખેલા લીલા વટાણા પાંચથી ૧૦ મિનિટ સુધી માથા પર મૂકો. આ વટાણા ફરીથી ફ્રીઝરમાં મૂકીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી માનસિક તાણને કારણે ફૂલી ગયેલી રક્‍તવાહિનીઓ સંકોચાય છે અને પીડામાં રાહત મળે છે. તેથી વધારે પડતા થાક કે ચિંતાને કારણે માથું દુઃખે ત્‍યારે આ પ્રયોગ અજમાવી શકાય.

આલ્‍કોહોલનું હેંગઓવર દૂર કરવા

રાત્રે પાર્ટીમાં મિત્રોના આગ્રહથી વધારે પડતા આલ્‍કોહોલનું સેવન થઈ જાય અને સવારના તેનું હેંગઓવર દૂર ન થાય તો એક ચમચી મધ લેવાથી ફાયદો થાય છે. જો મધ ન હોય તો કોઈપણ ફળનો રસ પીઓ. તેમાં રહેલું ફ્રુક્‍ટોઝ શરીરમાં રહેલા આલ્‍કોહોલની અસરને દૂર કરવામાં મદદ કરે છે.

મધમાખીના ડંખમાંથી રાહત મેળવવ

ઘરમાં મધમાખી કે અન્‍ય કોઈ કીડા-મકોડાનો ડંખ લાગે તો વિનેગાર અને લીંબુના રસનું મિશ્રણ બનાવી તેમાં રૂનું પુમડું ડૂબાડી, ડંખ પર લગાવો. તેવી જ રીતે ખાવાના સોડામાં થોડું પાણી નાખી પેસ્‍ટ બનાવી આ પેસ્‍ટ ડંખ પર ધીમે ધીમે ઘસો. થોડીવારમાં પીડામાંથી રાહત મળી જશે.


તડકાને કારણે ત્‍વચા દાઝી જાય ત્‍યારે

તડકાને કારણે દાઝેલી ત્‍વચા પર દહીં અથવા કાચું દૂધ લગાવો. ત્‍વચા પર પડેલા ડાઘ-ધાબા-લાલાશ દૂર થઈ જશે. પપૈયાનો ગર લગાવવાથી પણ લાભ થાય છે.

અચાનક હાથ દાઝી જાય ત્‍યારે

ઘરમાં એકલા હો અને રાંધતી વખતે અચાનક હાથ દાઝી જાય ત્‍યારે ફ્રીઝમાં મૂકેલો રોટલીનો લોટ અથવા દહીં લગાવો. આ ઉપરાંત કાંદાને વચ્‍ચેથી કાપીને દાઝેલા ભાગ પર હળવેથી ઘસવાથી પણ રાહત મળે છે. ડુંગળીમાં રહેલા સલ્‍ફર ઘટકો, ક્‍વેરસેટિન અને દ્યણાં પ્રાકૃતિક રસાયણો બળતરામાં રાહત આપતી ઔષધિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.