શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર - દાંતનો દુ:ખાવો કેવી રીતે દૂર કરશો ?

P.R
ઘણાં લોકોને તમે દાંતની પીડાનો સામનો કરતા જોયા હશે. દાંતનો દર્દ બહુ આકરો હોય છે. અનેક કારણો આ પીડા પાછળ જવાબદાર હોય છે. કોઇ ઇન્ફેક્શન કે ડાયાબીટિઝને કારણે કે પછી સારી રીતે દાંત સાફ નહીં કરવાથી દાંતમાં દુખાવો થવાની સમસ્યા સર્જાય છે. આમ તો દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. આવામાં ઘરેલું ઉપચાર તમારી મદદે આવી શકે છે.

દાંતના દર્દના ઉપચાર માટેના પ્રભાવી ઘરેલું ઉપાયો :


હિંગ : જ્યારે પણ દાંત દર્દના ઘરેલું ઉપચારની વાત આવે છે ત્યારે હીંગનું નામ સૌથી પહેલું આવે છે. એવું એટલા માટે કારણ કે હીંગ દાંતની પીડામાંથી તુરંત મુક્તિ અપાવે છે. આનો ઉપયોગ પણ બહુ સરળ છે. ચપટી હીંગને મોસંબીના રસમાં મિક્સ કરી તેને રૂમાં લઇ જે દાંતમાં પીડા થતી હોય તેની પાસે રાખો, પીડમાં રાહત મળશે.

લવિંગ : લવિંગમાં ઔષધિય ગુણો હોય છે જે બેક્ટેરિયા અને અન્ય કીટાણુંનો નાશ કરે છે. દાંતના દર્દનું મુખ્ય કારણ બેક્ટેરિયા કે કીટાણુંનો ફેલાવો હોય છે. લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને અન્ય કીટાણુંનો નાશ થાય છે જેનાથી દાંતની પીડા દૂર થવા લાગે છે. ઘરેલું ઉપચારમાં લવિંગને એ દાંતની પાસે રાખવામાં આવે છે જેમાં પીડા થતી હોય છે. પણ યાદ રાખો કે પીડા ઓછી થવાની પ્રક્રિયા થોડી ધીમી હોય છે માટે તેમાં ધીરજની જરૂર હોય છે.

ડુંગળી : ડુંગળી દાંતના દર્દ માટેનો ઉત્તમ ઘરેલું ઉપચાર છે. જે વ્યક્તિ દરરોજ કાચી ડુંગળી ખાય છે તેને દાંતના દર્દની ફરિયાદ રહેવાની સંભાવના બહુ ઓછી રહે છે. કારણ કે ડુંગળીમાં કેટલાંક એવા ઔષધિય ગુણો હોય છે જે મોઢાના જીવાણું, બેક્ટેરિયાનો નાશ કરે છે. જો તમારા દાંતમાં પીડા થતી હોય તો ડુંગળીના ટૂકડાને પીડા કરતા દાંતની પાસે રાખો અથવા ડુંગળી ચાવો. આમ કરવાથી થોડી જ વારમાં તમે રાહતનો અનુભવ કરશો.

લસણ : લસણ પણ દાંતના દર્દમાં રાહત પહોંચાડે છે. વાસ્તવમાં લસણમાં એન્ટીબાયોટિક ગુણો હોય છે જે અનેક પ્રકારના ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ધરાવે છે. જો તમારા દાંતનો દર્દ કોઇ ઇન્ફેક્શનને કારણે થયો હશે તો લસણ તે ઇન્ફેક્શનને દૂર કરી દેશે જેનાથી તનો દર્દ પણ છુમંતર થઇ જશે. આ માટે તમારે લસણની બે ત્રણ કળીઓ કાચી ચાવી જવી. તમે ઇચ્છો તો લસણને કાપીને કે તેના ટૂકડાં કરીને પીડા થતી હોય તે દાંત પાસે રાખી શકો છો. લસણમાં એલિસિન હોય છે જે દાંતની પાસેના જીવાણું, કીટાણુંનો નાશ કરે છે. પણ લસણનો ઉપયોગ તેને કાપ્યા કે પીસ્યા બાદ તુરંત કરવો. વધારે સમય સુધી તે ખુલ્લામાં રહેશો તો તેમાં રહેલું એલીસિન ઉડી જશે અને પછી તેનો તમને કોઇ ખાસ લાભ નહીં થાય.

કોગળા : સામાન્ય ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાંખી કોગળા કરો. આવા પાણીથી દિવસમાં ત્રણ-ચારવાર કોગળા કરવાનું રાખો. મીઠાના સંપર્કમાં આવ્યા બાદ મોઢામાં રહેલા કીટાણું, જીવાણુંનો નાશ થશે. આના કારણે તમને રાહત મળશે.

સલાહ :
- જ્યારે દાંતની પીડા થતી હોય ત્યારે સ્વીટ ખાવાનું ટાળો કારણ કે તે ખાવાથી બેક્ટેરિયાને પ્રોત્સાહન મળે છે જેનાથી તમારી તકલીફ વધશે.
- જો ઉપરના ઘરેલું ઉપચારોની મદદથી તમારી દાંતની પીડાનો નાશ ન થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો. ઉપરના ઉપચાર દાંતની અસ્થાયી પીડા કે સામાન્ય દાંત દર્દ માટે છે. જો તમને જિન્જિવાઇટીસ જેવી દાંતની કોઇ સમસ્યા હોય તો દવાઓ અથવા ડૉક્ટરી નિરીક્ષણની જરૂર છે.





સૌજન્ય - જીએનએસ