શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 10 ઑગસ્ટ 2015 (12:06 IST)

જવના ફાયદા - વજન ઘટાડવા ઉપરાંત અનેક રોગોમાં લાભકારી છે જવ

જવ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીઝ જાડાપણું અને દિલની બીમારીઓથી બચાવે છે. આવો જાણીએ આના ફાયદા વિશે. 
 
રોટલી
 
જવ, ઘઉં અને ચણાને મિક્સ કરીને બનાવેલ લોટની રોટલી ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, જાડાપણું, કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગોમાં ખૂબ ફાયદાકારી હોય છે. આ મિક્સ લોટમાં ઘઉં 60 ટકા, જવ 30 ટકા અને ચણા 10 ટકા હોવા જોઈએ. રોટલી ઉપરાંત જવથી બનેલ શીરો પણ સ્વાદિષ્ટ અને શરીર માટે પૌષ્ટિક હોય છે. 
 
ત્વચા 
 
જવના લોટમાં બેસન, સંતરાના છાલટાનો પાવડર, હળદર, ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ બનાવવામાં આવેલ ઉબટન ત્વચાની ચમક બનાવી રાખે છે. 
 
સત્તુ પણ ફાયદાકારી 
 
શેકેલા જવને વાટીને પાણી અને આખી સાકર મિક્સ કરી બનાવેલ સત્તુ ગરમીમાં અમૃત સમાન છે. જવથી બનાવેલ આયુર્વેદની દવા યવક્ષારને આયુર્વેદની અન્ય દવાઓની સાથે લેવાથી ગુર્દાની પથરી નીકળી જાય છે અને પેશાબની બળતરા પણ દૂર થાય છે.  જો યવક્ષારને 1-2 ગ્રામની માત્રામાં મધની સાથે થોડા દિવસ લેવામાં આવે તો ખાંસીથી આરામ મળે છે. 

કફનાશક અને ઉત્તમ ઔષધિ 

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ,  વાયુ અને મળને ખૂબ જ વધારનાર છે. તે કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં હિતકારી છે. જવ પથરી, કિડની અને મેદજન્ય રોગોનું ઉત્તમ ઔષધ છે.
 
રાસાયણિક દૃષ્ટિએ જવમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોહ વગેરે ખનિજદ્રવ્યો તથા વિટામિન બી-૧, બી-૨ અને વિટામિન એ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.
 
જવનો આહારમાં ઉપયોગ કરવા માટે જવને ખાંડી, ફોતરાં દૂર કરી, એક કલાક ગૌમૂત્રમાં પલાળી, સૂકવી લેવા. આ રીતે સાત દિવસ કરવું. એ જ રીતે ત્રિફળાના ઉકાળામાં સાત દિવસ જવને ઉપર મુજબ પલાળવા અને સૂકવવા. પછી આ જવને શેકીને તેના લોટમાંથી બનાવેલી રોટલી, ભાખરી વગેરેનો આહારમાં ઉપયોગ કરવો. ડાયાબિટીસના દર્ર્દી અને મેદસ્વી સ્ત્રી-પુરુષો માટે આ ઉપચાર આહાર અને ઔષધ બંનેની ગરજ સારે છે. બેડોળ શરીરની વધારાની ચરબી ધીમે ધીમે દૂર થઈને શરીર સુંદર અને ઘાટીલું બને છે. આ ઉપચારમાં ગૌમૂત્રનો ઉપયોગ જો સુગમ્ય ન હોય તો માત્ર ત્રિફળાના ઉકાળાનો ઉપયોગ કરવો.
 
આશરે બે ચમચી જવને એક ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવા. ત્રણ-ચાર ઊભરા આવે એટલે ગાળીને એ પાણી ઠંડું પાડવું. આયુર્વેદમાં આ જવના પાણીને ‘યવમંડ’ અને ઇંગ્લિશમાં ‘બાર્લીવોટર’ કહે છે. બાર્લીવોટર કિડની, પથરી અને મૂત્રમાર્ગની તકલીફો માટે ઉત્તમ ઔષધ છે. દિવસમાં થોડું થોડું બાર્લીવોટર પીતા રહેવાથી તરસ, ઝાડા, ઊલટી, મૂત્રની બળતરા, મૂત્રમાર્ગની પથરી, મૂત્રનો અવરોધ-દુખાવો વગેરે સર્વ વિકારોમાં લાભ થાય છે.
 
જવને બાળીને તેમાંથી યવક્ષાર (જવખાર) મેળવવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જો નાનાં બાળકોને વારંવાર શરદી,  છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે.