ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા પર્વ
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (14:57 IST)

મહાગુજરાત આંદોલનના નેતા ઇન્દુચાચાના મકાન-સ્મારકો-સ્ટેચ્યું ઉપેક્ષિત દશામાં

મહાગુજરાત ચળવળના પ્રણેતા લોકસેવક ઈન્દુચાચાના બાપદાદાનું મકાન તેમના વતન નડીઆદમાં બિસ્માર હાલતમાં છે જે આજે વેચાઈ ગયું છે.નડીઆદમાં તેમનું એકમાત્ર સ્ટેચ્યું ઉપેક્ષિત દશામાં શાકમાર્કેટ વચ્ચે ધકેલાઈ ગયું છે.જ્યારે તેઓ જ્યાં ભણ્યા હતા તે શાળા સરકારી ગ્રાન્ટની રાહ જોતી ડચકાં ખાઈ રહી છે.ગુજરાતને આઝાદી અપાવનાર આ લડવૈયાના સ્મારકોને એમના જ વતનમાં જાળવવા માટે રાજકીય આગેવાનો, સંસ્થાઓ કે કાર્યકરોએ કદી રસ દાખવ્યો નથી તેમજ ગુજરાતનો કોઇ નેતા ઉપરાંત સ્થાનિક નેતા પણ ઇન્દુચાચાના મકાનની મુલાકાત માટે કદી ફરક્યો સુધ્ધાં નથી.

મહાગુજરાત ચળવળના ફાયરબ્રાન્ડ નેતા ઈન્દુચાચાનું મૂળ વતન ગુજરાતની સાક્ષરનગરી ગણાતું નડીઆદ શહેર છે.આ શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ ઝઘડીયા પાડાની જમણી તરફની ગલીમાં તેમની બાપદાદાના વખતની મિલ્કતનું બે માળનું અને છ ઓરડાનું મકાન આવેલું છે. જ્યાં તેમનો ઉછેર થયો હતો. પરંતુ ૧૯૧૮માં તેઓ જ્યારે ગાંધીજી સાથે ચળવળમાં જોડાયા ત્યારે બાપ-દાદાની મિલ્કત સમા ઘરમાંથી તેમનો હિસ્સો તેમના નાનાભાઇ રમણલાલ યાજ્ઞિાકને લખી આપ્યો હતો. ત્યારપછી તેમણે કદી પોતાના મકાનમાં હક્ક દાવો કર્યો નહોતો. પરંતુ તેમના ભાઇ આચાર્ય રમણલાલ યાજ્ઞિાક ૧૯૬૦માં ગુજરી ગયા બાદ થોડાક જ વર્ષોમાં તેમના ત્રણ દિકરા અને ત્રણ દિકરીના પરિવારે આ મકાન ૧૯૬૭-૬૮માં એક વેપારીને વેચાણ આપી દીધું હતું.

જેણે ગુજરાતને આઝાદ કરાવ્યું તે જ સપૂતનું મકાન આજે  સાવ બિસ્માર હાલતમાં એક મધ્યમ વર્ગના નાગરિક પાસે અંગત મિલ્કત રૃપે મરવાના વાંકે ટક્યું છે. નડિયાદ શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કેટલાય રાજનેતાઓ મંત્રીપદે રહી ચૂક્યા છે. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી સમયે કે પછી મુખ્યમંત્રી પદેથી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગષ્ટની ઉજવણી નડિયાદમાં કરી તે વખતે પણ ઇન્દુચાચાને જાહેર વંદનાના તાયફા મોટા મોટા હોર્ડીંગ્સમાં થયા હતા, પરંતુ તેમના મકાનને જાળવવાના કોઇ ઠોસ પગલાં ભરાયા નથી.

આ ઉપરાંત નડિયાદ શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલી ગવર્નમેન્ટ હાઇસ્કુલ કે જે આજે સરદાર પટેલ હાઇસ્કુલથી જાણીતી છે. એ સ્કુલમાં ઇન્દુચાચાએ પોતાનું સેકન્ડરી શિક્ષણ મેળવ્યું હતું. એટલે કે જૂના અંગ્રેજી પ્રથમ વર્ગથી મેટ્રિક સુધી (આજના ધો.પ થી ધો.૧૧)નો અભ્યાસ કર્યો હતો, અને આખા જિલ્લામાં પ્રથમ આવીને ગર્વમેન્ટ સ્કોલરશીપ પણ મેળવી હતી. એ સ્કુલમાં આજે પણ એમનું ઐતિહાસિક રજીસ્ટર છે જેમાં નંબર ૩૮૬૩થી ઇન્દુલાલ યાજ્ઞિાકની એન્ટ્રી થયેલી છે. પરંતુ આજે તેમની આ શાળા પણ સરકારી સહાય વગર, માત્ર દાતાઓની સખાવતથી ચાલી રહી છે, અને સરકાર તરફથી તથા સ્થાનિક સ્વરાજ સંસ્થા તરફથી તેની ઘોર ઉપેક્ષા થઇ રહી છે.ઉપરાંત નડિયાદમાં ઇન્દુચાચાનું એકમાત્ર ફૂલલેન્થ સ્ટેચ્યુ આવેલું છે. જે અગાઉ શહેરના જાહેરમાર્ગ ઉપર હતું. પરંતુ છેલ્લાં કેટલાય વર્ષોથી આ સ્ટેચ્યુ પણ અત્યંત અપમાનજનક રીતે એક ખૂણામાં ખસેડી દેવામાં આવ્યું છે.

આજે આ સ્ટેચ્યુ સંતરામ મંદિર બહાર આવેલા શાકમાર્કટમાં ઝુપડીઓ વચ્ચે અપમાનિત થઇ રહ્યું છે.  આમ, ઇન્દુચાચાને તેમના વતનમાં જ કોઇ યાદ કરતું નથી કે  ગુજરાત સરકાર પણ એમના મકાન કે શાળાને સ્મારક તરીકે જાળવવાના કોઇ પ્રયત્ન પણ કરતી નથી.