શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By વેબ દુનિયા|

કૃષ્ણ જન્મ અષ્ટમી બની બુધાષ્ટમીઃ અતિ વિશિષ્ટ શુભ સંયોગ

વર્ષો પછી તિથિ અને વાર એક જ દિવસે

દ્વારકા-શામળાજી-ડાકોર-જગન્નાથજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

 
P.R
તા.૨૮મી ઓગસ્ટનાં રોજ શ્રાવણ વદ આઠમ છે અને આ દિવસને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કહેવાય છે અને દર વર્ષે આવે છે પરંતુ આ વર્ષ એટલે કે વર્ષ-૨૦૧૩, વિક્રમ સંવત-૨૦૬૯માં આવતી શ્રાવણ વદ આઠમની તિથિ મહત્વની અને વિશિષ્ટ છે. કેમ કે તે બુધવારે આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ જે તિથિ શ્રાવણ વદ આઠમનાં રોજ થયો ત્યારે બુધવાર હતો અને આ વર્ષે પણ બુધવાર આવ્યો છે. જેને કારણે પર્વમાં બુધાષ્ટમીનો પણ યોગ થાય છે, જે અતિ વિશિષ્ટ દિવસ બની રહેશે.

આ અંગે વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહોદયે જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં શ્રાવણ વદ આઠમની તિથિએ થયો ત્યારે પણ બુધવાર હતો અને આ વર્ષે વિક્રમ સંવત-૨૦૬૯માં પણ એ જ તિથિ અને વાર સાથે આવી રહ્યાં છે, જેને કારણએ સોનામાં સુગંધ ભળી છે. આવા વિશિષ્ટ યોગને કારણે પ્રભુ શ્રીકૃષ્ણ પરમાત્માનાં જન્મનો ઉત્સવ મનાવવો તે ખૂબ જ મંગલકારી અને સિદ્ધ બનશે. કેમકે અચાનક જ આવતો આવા અવસરને આપણી પરંપરામાં ભગવદ્ પ્રાપ્તિનો અવસર માનવામાં આવે છે.

તેઓએ જણાવ્યું કે લોકો અગાઉ કહેતા કે ડિસેમ્બર-૨૦૧૨માં પૃથ્વીનો અંત આવશે. પરંતુ એવું માનવામાં આવે છે કે પૃથ્વીએ ડિસેમ્બર-૨૦૧૨થી જ ચોથા પરિમાણ(ફોર્થ ડાઇમેન્સન)માં પ્રવેશ કર્યો છે. જેની વિશેષતા એ છે કે આ સમયગાળા દરમિયાન જે વ્યક્તિ-શ્રદ્ધાળુ આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધશે તેને માટે સૌથી શ્રેષ્ઠ સમયગાળો આવી રહ્યો છે અને તેમાં પણ આવી તિથિ અને વારનો સુંદર યોગ થયો છે, ત્યારે આ દિવસ અતિ વિશિષ્ટ બની રહેશે.

પૃથ્વીનાં આ ચોથા પરિમાણનાં પ્રવેશને પગલે જીવોને ભગવદ્ સાક્ષાત્કાર પણ થઇ શકે એવો કાળ કહી શકાય.

તેમણે કહ્યું કે આ યોગની વિશેષતા એટલા માટે પણ છે કે આપણો જન્મતારીખ કે તિથિ આવે ત્યારે આપણે જન્મદિન મનાવીએ છીએ પરંતુ આપણી પરંપરામાં આપણે પ્રભુ આ જ દિવસે પ્રગટયા છે તેવો ઉત્સવ મનાવીએ છીએ અને તેને કારણે જ આપણો બર્થ-ડે(જન્મદિન) હોય તે પૂર્વે ષષ્ઠી પૂજા થતી નથી પરંતુ ભગવાનનો જન્મ થાય તે પૂર્વે આપણે ષષ્ઠી પૂજન પણ કરતાં હોઇએ છીએ. માટે જ આ વર્ષે આવેલી જન્માષ્ટમી ઉત્તમ ફળદાયી કહી શકાય.

તેમણે કહ્યું કે જન્માષ્ટમીની ઉજવણી માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં ૧૦૦થી વધુ દેશોમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. આ સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી-નાં જયઘોષ પણ થશે. જ્યારે ગુજરાતમાં દ્વારકા, શામળાજી, ડાકોર, જગન્નાથજી મંદિર વગેરે સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે અને ભક્તોની ભીડ જામશે.