શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Modified: સોમવાર, 14 જુલાઈ 2014 (14:13 IST)

૨૭ જુલાઈએ પુષ્યનક્ષત્રો અદ્વિતીય યોગઃ વિદ્યાર્થીઓએ સરસ્વતી દેવીની આરાધના કરવી જોઈએ

જ્યોતિષ 2014

વિક્રમ સંવત ૨૦૭૦, શ્રાવણ સુદ પ્રથમ એકમ, રવિવાર તા. ૨૭ જુલાઈ ૨૦૧૪ના દિવસે રવિવાર અને પુષ્ય નક્ષત્ર છે એટલે કે તે દિવસે ચંદ્ર કર્ક રાશિમાં છે. કર્ક રાશિ ચંદ્રની પોતાની રાશિ છે અર્થાત્ ચંદ્ર કર્ક રાશિનો માલિક છે તેથી તે સ્વગૃહી બને છે. એ સાથે તે પુષ્ય નક્ષત્રમાં પણ છે. વળી તે દિવસે શ્રાવણ સુદ એકમ હોવાથી ગુજરાતી પંચાંગ અનુસાર બેસતો મહિનો એટલે કે મહિનાનો પ્રથમ દિવસ છે, જેને સૌ શુભ દિવસ તરીકે સ્વીકારે છે.

આ દિવસે શ્રાવણ માસ હોવાથી સૂર્ય પણ કર્ક રાશિમાં છે એટલું જ નહીં સૂર્ય પણ પુષ્ય નક્ષત્રમાં છે. ખગોળવિજ્ઞાન અનુસાર સામાન્ય રીતે અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં અને એક અંશ ઉપર ભેગા થતા હોય છે અને તે સમયે અમાસની સમાપ્તિ થતી હોય છે ને એકમની શરૃઆત થાય છે. સૂર્યથી ચંદ્ર ૧૩ અંશ ૨૦ કળા દૂર જાય ત્યારે એકમની તિથિની સમાપ્તિ થાય છે. આ રીતે સૂર્ય પણ ચંદ્રની સાથે પુષ્ય નક્ષત્રમાં છે.

બીજી તરફ ગુરૃ ગ્રહ પણ આ વર્ષે તા. ૧૯ જૂનના દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેથી શ્રાવણ સુદ પ્રથમ એકમના દિવસે તે પણ કર્ક રાશિમાં છે અને કર્ક રાશિ ગુરૃના ગ્રહ માટે ઉચ્ચની રાશિ છે એટલે ગુરૃ કર્ક રાશિમાં ઉચ્ચનો ગણાય છે. એટલું જ નહીં ગુરૃ પણ તે દિવસે પુષ્ય નક્ષત્રમાં આવે છે. તેથી આ દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર, ગુરૃ અને સૂર્ય એમ કુલ ત્રણ ગ્રહોની યુતિ થાય છે. ચંદ્ર મનનો કારક છે એટલે કે તે મનનું પ્રતિનિધિત્વ કરે છે. તો સૂર્ય આત્માનો કારક છે એટલે તે આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરૃ ગ્રહ વિદ્યાપ્રાપ્તિનો ગ્રહ છે. વળી તે શિષ્ય અથવા સંતાનનો કારક છે તે કર્ક રાશિમાં ઉચ્ચનો બનતો હોવાથી સંતાન- શિષ્ય અંગે શુભ ફળ આપનાર બને છે.

ચંદ્ર એક મહિનામાં એક સંપૂર્ણ રાશિચક્ર પૂરું કરે છે એટલે કે એક મહિનામાં બારે રાશિ અને ૨૭ નક્ષત્રમાં પરિભ્રમણ કરે છે તેથી એક રાશિ પસાર કરતાં સવા બે દિવસ લાગે છે અને એક નક્ષત્રમાં તે લગભગ એક દિવસ રહે છે માટે ચંદ્ર એક મહિનામાં એક વખત પુષ્ય નક્ષત્રમાં આવે છે. સૂર્ય ૧૨ મહિનામાં બારે રાશિ અને ૨૭ નક્ષત્રમાં પરિભ્રમણ કરે છે તેથી એક મહિનામાં એક રાશિમાં પરિભ્રમણ કરે છે તો એક નક્ષત્રમાં લગભગ ૧૩ દિવસ રહે છે. એટલે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં ૧૨ મહિનામાં ફક્ત એક જ વખત આવે છે જ્યારે ગુરૃના ગ્રહને એક રાશિચક્ર અર્થાત્ ૨૭ નક્ષત્ર પુરા કરતાં લગભગ ૧૩ વર્ષ લાગે છે. તેથી ગુરૃ પુષ્ય નક્ષત્રમાં ૧૩ વર્ષે ફક્ત એક જ વખત આવે છે અને તે એક નક્ષત્રમાં ફક્ત બે મહિના રહે છે. આ બે મહિના દરમિયાન ચંદ્ર તો બે વખત પુષ્ય નક્ષત્રમાં આવે છે પરંતુ, સૂર્ય કદાચ પુષ્ય નક્ષત્રમાં ન પણ આવે. તો ૧૩ વર્ષે પણ આવો યોગ પ્રાપ્ત ન થાય.

સૂર્ય પુષ્ય નક્ષત્રમાં ફક્ત ૧૩ જ દિવસ રહેતો હોવાથી ચંદ્ર અને સૂર્ય બંને એક સાથે પુષ્યનક્ષત્રમાં સાથે હોય તેવું ભાગ્યે જ બને છે કારણ કે, ચંદ્ર પુષ્યનક્ષત્રમાં આવે ત્યારે કદાચ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં હજુ આવવાનો બાકી હોય અથવા તો તેને પુષ્યનક્ષત્ર કદાચ પસાર કરી દીધું હોય તો ૧૩ વર્ષે પણ આવો યોગ શકાય બને નહીં.

ટૂંકમાં ગુરૃનો ગ્રહ, સૂર્ય અને ચંદ્ર ત્રણે પુષ્યનક્ષત્રમાં એક સાથે આવે તેવો યોગ ક્યારેક જ પ્રાપ્ત થાય છે. આ વર્ષે કુદરતી જ સૂર્ય, ચંદ્ર અને ગુરૃ ત્રણે એક સાથે પુષ્ય નક્ષત્રમાં આવે છે અતિશ્રેષ્ઠ યોગ છે.

તેમાં પણ રવિવાર કે ગુરૃવાર તો ભાગ્યે જ મળે. આ વર્ષે તા. ૨૭ જુલાઈ ૨૦૧૪, રવિવારે આવો અદ્વિતીય યોગ પ્રાપ્ત થાય છે જે આપણા સૌ માટે ખગોળવિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખુબ જ મહત્વની ઘટના છે. સૂર્યની સાથે આ બંને ગ્રહો હોવાથી નરી આંખે તે જોઈ શકાય તેમ નથી. તો પણ સ્માર્ટ ફોનની મદદથી સ્કાય મેપ નામના સોફ્ટવેર દ્વારા આ ત્રણે ગ્રહોની યુતિ સ્પષ્ટ જોઈ શકાશે.

વિદ્યાપ્રાપ્તિ અને મંત્રવિદ્યાની સિદ્ધિ માટે સામાન્ય રીતે ગુરૃવાર અને રવિવાર મહત્ત્વના વાર ગણાય છે. તો આ દિવસે વિદ્યાર્થીઓએ ખાસ કરીને સરસ્વતી દેવીની આરાધના કરવી જોઈએ અને તે સિવાય સૌએ પોતાને જે યોગ્ય લાગે તેવી આરાધના- સાધના કરવી જોઈએ. આ દિવસે કરેલી આરાધના કે મંત્રજાપ અત્યુત્તમ ફળ આપનાર બની રહેશે એ વાતમાં શંકા નથી.