ગુજરાતી વાર્તા - સસ્સારાણા સાકરિયા...

શનિવાર, 31 માર્ચ 2018 (16:27 IST)

Widgets Magazine
kids story

એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને વચ્ચે ભાઈબંધી થઇ. એક દિવસ બંને જણા જંગલમાં ચાલતાં ને વાતો કરતાં જતા હતાં.. થોડી વારે બંને ને ભૂખ લાગી. બંને ખોરાકની શોધમાં ચાલ્યાં. ચાલતાં ચાલતાં જંગલમાં બે ફાંટા આવ્યા. એક હતો કાચો અને ધુળીઓ રસ્તો. બીજો હતો પાકો અને ચોખ્ખો રસ્તો. બંને મૂંઝાયા કે કાચા રસ્તે જવું કે પાકા રસ્તે? સસલાને થયું, ‘પાકા રસ્તે જાઉં ત્યાં ખાવાનું મળશે’ અને શિયાળ ને થયું, ‘કાચા રસ્તે ખાવાનું મળશે.’ એટલે બંનેએ નક્કી કર્યું કે બંને જુદા જુદા રસ્તે જાય, જેને ખાવાનું પહેલાં મળે તે પાછો અહીં જ આવે અને બીજાની રાહ જુએ અને જયારે બીજો પાછો આવે ત્યારે બીજાને પણ ત્યાં ખાવા લઇ જાય.
 
એમ નક્કી કરીને બંને જણા ખોરાકની શોધમાં આગળ ચાલ્યાં. સસલું પાકે રસ્તે અને શિયાળ કાચે રસ્તે. હવે સસલાને તો ચાલતાં ચાલતાં આગળ એક ઝૂંપડી દેખાઈ. સસલાને થયું, “હમ મ્ મ્ મ્, અહીં નક્કી ખાવાનું મળશે. એટલે સસલાભાઈ તો ગયા ઝૂપડીની પાસે. ધીરે રહીને ઝૂપડીનો દરવાજો ખોલ્યો, ચારે તરફ જોયું તો કોઈ નહી. સસલો તો ખૂશ થઇ ગયો. એણે ઝૂપડી અંદરથી બંધ કરી દીધી. અને એક ખૂણામાં જોયું તો સમોસા ને કચોરી ને ગુલાબજાંબુ ને પૂરી ને શાક ને જલેબી ને જુદા જુદા પકવાન પડ્યાં હતાં. હવે આ ઝૂંપડી હતી એક બાવાની. બાવા આજે એક મોટા પ્રસંગમાં ભીખ માંગવા ગયા હતા એટલે આ બધા ફરસાણ ઝૂંપડીમાં હતાં. બાવાને થયું કે પહેલા નદીએ જઈને સ્નાન કરી લઉં, એટલે બરાબર ભૂખ લાગે એટલે પછી જમી લઉં. એટલે બાવા નદીએ સ્નાન કરવા ગયા હતા એ દરમ્યાનમાં જ સસલાભાઈ ઝૂંપડીમાં ઘુસી ગયા હતા અને સાંકળ પણ વાસી દીધી હતી. સસલાભાઈ દોડીને ખાવાના સુધી પહોંચ્યા, ત્યાં તો બહાર બાવો નદીએથી સ્નાન પતાવીને પાછો આવી ગયો હતો. બાવો વિચારે, “આ હું બહારથી સાકળ મારી ને ગયો હતો તો પછી આ બારણું અંદરથી કેવી રીતે બંધ થયું? નક્કી કોઈ મારી ઝૂપડીમાં ભરાયું છે!” જ્યાં સસલો ગાંઠિયા મ્હોંમાં મુકવા ગયો કે, બાવાએ ઝુંપડીનો દરવાજો ખખડાવ્યો, “બાવાની મઢીમાં કોણ છે?” સસલો તો એક ક્ષણ ગભરાઈ ગયો. પણ પછી હિંમત ભેગી કરીને બોલ્યો, “સસ્સારાણા સાકરિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નહીતો તારી તુંબડી તોડી નાખું.” બાવાને તો થયું, “બાપ રે! મારી ઝૂપડીમાં તો કોઈ ભારે જબરું ભરાયું લાગે છે.” બાવો તો બી ને નાઠો.
 
ભાગતા ભાગતા રસ્તામાં રીંછભાઈ મળ્યા. રીંછભાઈ બાવાને પૂછે, “બાવા, આમ ક્યાં ભાગો છો?” બાવા કહે, “મારી ઝૂપડીમાં કોઈ ભારે જબરું ભરાયું છે, એટલે ભાગું છું.” રીંછભાઈ કહે, “અરે બાવા, આમ તો કંઈ ગભરાઈ જવાતું હશે! ચાલો ચાલો હું આવું છું તમારી સાથે અને ભગાડું છું એને.” બાવો અને રીંછભાઈ આવી પહોંચ્યા ઝૂંપડી પાસે. આ બાજુ સસલાભાઈ તો સરસ મઝાથી બધા મિષ્ટાન્ન ખાતા હતા. બાવાએ પાછો દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું, , “બાવાની મઢીમાં કોણ છે?” સસલાને તો એમને ભગાડતા આવડતું હતું એટલે વટ સાથે બોલ્યો, “સસ્સારાણા સાકરિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નહીતો તારી તુંબડી તોડી નાખું.” રીંછભાઈ પણ ગભરાયા, “ઓ બાપરે, ભારે કોઈ ભરાયું છે. આ કંઈ આપણું કામ નથી. ભાગો! ભાગો અહીંથી!” એમ કહેતા બંને જણા નાઠા.
 
ભાગતા ભાગતા રસ્તામાં એમને વાઘભાઈ મળ્યા. વાઘભાઈ બંનેને પૂછે, “અરે, આમ ક્યાં ભાગો છો બંને જણા?” રીંછભાઈ કહે, “અરે! આ બાવાની મઢીમાં કોઈ જબરું ભરાયું છે, અને બાવાની તુંબડી તોડવાની વાત કરે છે. એટલે અમે તો ડરીને ભાગીએ છીએ.” વાઘભાઈ કહે, “આવું કશું હોતું હશે? એમ કંઈ ન ડરાય. ચાલો મારી સાથે, હું આવું છું તમારી સાથે અને ભગાડું છું એને.” બાવો, રીંછભાઈ અને વાઘભાઈ આવી પહોંચ્યા ઝૂંપડી પાસે. સસલાભાઈ તો મસ્ત ખાઈ પીને જરા આરામ કરતા હતા. બાવાએ પાછો દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું, , “બાવાની મઢીમાં કોણ છે?” સસલાએ તો પાછું લલકાર્યું, “સસ્સારાણા સાકરિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નહીતો તારી તુંબડી તોડી નાખું.” આ સંભાળીને તો વાઘભાઈ પણ ગભરાયા, “ઓ બાપરે, કોઈ ભારે ભરાયું છે, જે બાવાની તુંબડી તોડવાની વાત કરે છે. આ કંઈ આપણું કામ નથી. ભાગો! ભાગો અહીંથી!” એમ કહેતાં ત્રણે જણાએ તો દોટ મૂકી.
 
હવે જેવા આ ત્રણે જણા ભાગ્યા, કે સસલાએ ધીમેથી દરવાજો ખોલ્યો અને એ તો શિયાળ ને બોલાવવા ચાલ્યો, પેલી જગ્યા નક્કી કરી હતી ને, ત્યાં! આ બાજુ શિયાળ તો સસલાની રાહ જોતો બેઠો હતો, પેલા ધૂળિયા રસ્તે એને કંઈ ખાવાનું નહોતું મળ્યું. ખૂબ ભૂખ પણ લાગી હતી. ત્યાં તો સસલાભાઈ હસતા મોઢે આવ્યા. શિયાળનું મ્હોં જોઈને એ સમજી ગયા કે એને કંઈ ખાવાનું મળ્યું લાગતું નથી. સસલો કહે, “ચિંતા ન કર, મને સરસ જગ્યા મળી છે. એક બાવાની મઢી છે, એમાં ખૂબ મિષ્ટાન ભર્યા છે. પણ એક વાતનું તારે ખાસ ધ્યાન રાખવું પડશે.” શિયાળ કહે, “કઈ વાતનું?” સસલો કહે, “કહું છું, કહું છું, જો તું જલ્દી ત્યાં પહોંચી જજે અને ઝૂંપડી અંદરથી બંધ કરી દેજે. અને જો કોઈ બહારથી પૂછે કે, ‘બાવાની મઢીમાં કોણ છે?’ તો સહેજ પણ ગભરાયા વીના જવાબ આપજે કે, ‘શિયાળભાઈ સાકરીયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નહીં તો તારી તુંબડી તોડી નાખું!’, બરાબર.”
 
શિયાળ તો તરત ચાલી નીકળ્યું સસલાએ બતાવેલા રસ્તે. ઝૂંપડી પાસે પહોંચી. ઝૂંપડી જોઈને ખૂશ ખૂશ થઇ ગયું. ધીરે રહીને દરવાજો ખોલ્યો, અંદર કોઈ નહોતું એટલે જલ્દી થી અંદર જઈને સાંકળ મારી દીધી અને ખાવાનું ઝાપટવા લાગ્યો. આ બાજુ પેલા ત્રણને ભાગતા ભાગતા રસ્તામાં સિંહભાઈ મળ્યા. સિંહભાઈ ત્રણેયને પૂછે, “ઉભા રહો ‘લ્યા! ભાગો છો ત્રણેય જણા?” વાઘભાઈ કહે, “અરે! આ બાવાની મઢીમાં કોઈ જબરું ભરાયું છે, અને બાવાની તુંબડી તોડવાની વાત કરે છે. એટલે અમે તો ત્યાંથી જીવ બચાવીને નાઠા ભઈશા’બ !.” સિંહભાઈ કહે, “આવું તો  કશું હોતું હશે? એમ કંઈ ડરી ન જવાય! ચાલો મારી સાથે, હું આવું છું તમારી સાથે અને ભગાડું છું એને.” બાવો, રીંછભાઈ, વાઘભાઈ અને સિંહભાઈ એમ ચારેય આવી પહોંચ્યા ઝૂંપડી પાસે.સિંહભાઈ કહે, “આ વખતે મને પૂછવા દો કે કોણ છે અંદર?” અને સિંહભાઈ ઈ તો દસે દિશા ધ્રુજી ઉઠે એવી ત્રાડ નાખીને પૂછ્યું, “બાવાની મઢી માં કોણ છે?” સિંહની તગર્જના સાંભળીને તો બિચારા શિયાળના હોશકોશ ઉડી ગયા. પણ એણે સસલાભાઈની સલાહ યાદ કરી અને ધ્રુજતા અવાજે બીતાં બીતાં કહ્યું, “શિયાળરાણા સા….ક…રી…યા….. ડા..બ બ બે પગે ડા….મ્. ભાગ બાવા નહીં તો ત.ત ત તા રી તુંબડી તોડી નાખું.” આ સાંભળીને સિંહભાઈ તો જે હસી પડ્યા. બાકીના ચાર તરફ ફરીને એ બોલ્યા, “અલ્યા! આ તો શિયાળિયું છે! તમે આનાથી ડરી ગયા?હમણાં ખોલાવું છું બારણું.” એમણે બારણા તરફ ફરીને કહ્યું, “એય! મને ખબર છે કે તું શિયાળ છે. ચાલ દરવાજો ખોલ!” આ સાંભળીને શિયાળે તો ડરના માર્યા ખોલ્યું બારણું અને ચારેયે મળીને શિયાળને ખૂબ મેથીપાક ચખાડ્યો. શિયાળ તો બિચારું સરખું જમી પણ ન શક્યું અને ઉપરથી ખૂબ માર ખાઈને ભાગ્યું.
 
 
વાર્તાકાર – ગિજુભાઈ બધેકાWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી વાર્તા સસ્સારાણા સાકરિયા... ગુજરાતી સ્ટોરી બાળકોની વાર્તા બાળકોના જોક્સ બાળ સ્ટોરી બાળ જગત જનરલ નોલેજ

Loading comments ...

બાળ જગત

news

GOOD FRIDAY - જાણો કેમ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે, તેની સાથે જોડાયેલ કેટલીક વાતો...

ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ ...

news

ગુજરાતી બાળવાર્તા - પટ્ટુ પોપટ

પટ્ટુ પોપટ બહુ ઉદાસ બેઠો હતો. માંએ પુછ્યુ, ‘બેટા કેમ ઉદાસ બેઠો છો?’ ‘હું મારી આ ...

news

World Water Day: પાણીનુ દરેક ટીપું છે કિમતી.... આ રીતે કરો બચાવ

પાણી આપણા જીવનમાં ખૂબ મહત્વનુ છે. સવારે દિવસની શરૂઆતથી લઈને રાત્રે સૂતા સુધી આપણે પાણીનો ...

news

Gujarati Short Stories -કીડી અને સિંહની મિત્રતા(VIdeo)

એક જંગલમાં બે મિત્ર રહેતા હતા - એક સિંહ અને એક કીડી. બંને કદ-કાઠી રંગ-રૂપમાં એકબીજાથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine