મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

અત્ર, તત્ર, સર્વત્ર બ્લાસ્ટ...ક્યાં જઇશું ?

PTIPTI

દેશમાં ધાણીની જેમ બોમ્બ વિસ્ફોટ થઇ રહ્યા છે. આતંકી દિમાગોને જાણે કે જધન્ય કામનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોય તેમ એક પછી એક દેશના વિવિધ શહેરોમાં લોહીના ધબ્બા લગાવે છે. કેટલીય માતાઓની કુખ સુની કરે છે તો કેટલીય મહિલાઓનું કપાળ લુટાય છે તો કેટલાય બાળકો અનાથ બને છે. એક પછી એક દિવસ વધુ ભારેખમ બનતો જાય છે ત્યારે સોમવતી અમાસ દેશવાસીઓ માટે ભારે સાબિત થઇ છે.

દેશના રાષ્ટ્રપતિની છત્તીસગઢની મુલાકાત વેળાએ તેમના કાફલાથી કેટલાક કિ.મી દુર નકસલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ધમાકામાં ચાર જવાનોના મોત થયા હતા. સદભાગ્યે વધુ જાનહાનિ થતાં બચી હતી. આ ઘટના બાદ જાણે કે સાંજ પણ અનહોની માટે તૈયાર થઇ રહી હતી. માલેગાવમાં થયેલા એક બ્લાસ્ટમાં પાંચથી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને કેટલાય ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કેવી રીતે થયો એ હજુ નક્કી થઇ રહ્યું ન હતું ત્યાં ટોળાએ આ ઘટનાની તપાસ માટે આવેલી પોલીસ ઉપર હુમલો કરતાં પોલીસને લાઠીચાર્જ તથા ફાયરીંગ કરવું પડ્યું હતું.

માલેગાવ બાદ ગુજરાતનું મોડાસા ઘણઘણી ઉઠ્યું હતું. અહીના સુકા બજારમાં રાતે સાડા નવ વાગ્યાના અરસામાં થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં બેના મોત થયા છે જ્યારે 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે લઇ જવાયા છે. આ ઘટનાના ગણત્રીના કલાકો અગાઉ અમદાવાદના કાલુપુરમાંથી જીવતા 17 દેશી બોમ્બ મળી આવ્યા હતા. જેને પોલીસે ઠારી દેતાં કેટલાય લોકોનું લોહી વહી જતાં અટક્યું છે.

રાજ્યના યુવા હૈયાઓ જેના માટે ધનગની રહ્યા હોય છે એ નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે એની પૂર્વ સંધ્યાએ થયેલ આ બ્લાસ્ટ શુ કહેવા માગે છે ? શુ હવે ઘરમાંથી પણ બહાર નીકળવાનું નહી ? પૂર્વ સંધ્યાએ થયેલ આ બ્લાસ્ટ બાદ નવરાત્રિની મજા રહેશે ખરી ? ક્યારે અટકશે આ લોહીની નદીઓ ? લોકોએ સ્વયં જાગ્યા સિવાય હવે કોઇ આરો બચ્યો હોય તેમ દેખાતું નથી...દેશમાં છાશવારે બોમ્બ વિસ્ફોટ થઇ રહ્યા છે તો સલામતી શોધવા ક્યાં જઇશુ હવે ? દેશવાસીઓ હવે તો જાગો....