શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

અને બાપુ વેચાઇ ગયા....

લીકરકિંગે બાપુની લાજ રાખી !

N.D

9 કરોડ એક વાર,
9 કરોડ બે વાર
અને 9 કરોડ ત્રણ વાર....

વિશ્વ આખું જોતું રહ્યું અને...
વિશ્વને શાંતિ સંદેશો આપનાર
બાપુ છેવટે વેચાઇ ગયા.....

ખુદ ભારત સરકાર પણ કંઇ કરી ના શકી, પરંતુ બાપુ જેનો સદાય વિરોધ કરતા હતા એવા દારૂનો વેપાર કરતો એક અદનો માણસ આગળ આવ્યો અને બાપુની આબરૂ બચાવી લીધી. રૂપિયા ભૂખ્યાને મોં માંગી કિંમત આપી બાપુની યાદોને માનભેર સ્વદેશ પાછા લાવ્યા.

વિશ્વ આખે નવો રાહ ચીંથનાર એવા શાંતિના યુગ પુરૂષની જાહેરમા હરાજી થઇ. ખાદીવાળા બાપુના સેવકો ખુણામાં મોં છુપાવી રહ્યા હતા તો કેટલાક કાયદાનો સહારો લેવા મથી રહ્યા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે આ લોકો અંગ્રેજો કરતાં પણ બે પગલાં આગળ છે....

આ આખો તમાશો છેલ્લા કેટલાય દિવસોથી ચાલતો હતો છતાં વિશ્વમાંથી કોઇ તાકાત આગળ ના આવી કે આ હરાજી રોકી શકે. અમેરિકી પ્રમુખ બરાક ઓબામા કે જે બાપુને પોતાના આદર્શ માને એ પણ આગળ ના આવ્યા. ખુદ ભારત સરકાર પણ હરાજી રોકવા અપીલ ઉપર અપીલ કરતી રહી પરંતુ કંઇ ના વળ્યું. આખરે બાપુની યાદગીરી રૂપ તેમના ચશ્મા, થાળી વાટકી, ચશ્માનું કવર, તેમના ચંપલની બોલી લાગી
N.D

18 લાખ ડોલર એટલે 9 કરોડ રૂપિયામાં બોલી અટકી. બાપુ દારૂના વિરોધી હતા. જ્યારે બાપુને બચાવવા દારૂના હિમાયતી વિજય માલ્યા આગળ આવ્યા. વિશ્વના 362મા તથા દેશના 7મા નંબરના ધનવાન અને લિકર કિંગ તરીકે ઓળખાતા વિજય માલ્યાએ લાજ રાખી. યુનાઇટેડ બેવરેઝીસ ગ્રુપના ચેરમેન એવા વિજય માલ્યા એ વિદેશમાં જતી બાપુની વસ્તુઓને હરાજીમાંથી ખરીદી અનોખી ગાંધીગીરી તેમજ રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરી. આનાથી પણ આગળ 9 કરોડ ખર્ચી ખરીદેલી આ વસ્તુઓ દેશને દાનમાં આપવાનું કહી તેમણે દેશના કપાતા નાકને વધુ ગૌરવ અપાવ્યું. અગાઉ પણ તેમણે ટીપુ સુલતાનની ઐતિહાસિક તલવાર ખરીદીને પણ દેશને ગૌરવ અપાવ્યું હતું.

જો વિજય માલ્યા આગળ આવ્યા ન હોત તો ચિત્ર કંઇ અલગ જ હોત ! અંગ્રેજોને પણ સારા કહેડાવે એવી આ ઘટના જગ જાહેર બની છતાં કોઇ મહાસત્તા કે શાંતિદૂતો કંઇ કરી ના શક્યા. આ ઘટના હજુ ઘણુંબધુ કહી જાય છે.

બાપુની તુલના અન્ય કોઇ વિદેશી નેતા સાથે થઇ શકે એમ નથી છતાં અબ્રાહમ લિંકન કે પછી કોઇ અન્ય વિદેશી નેતાની યાદગીરી સમાન ચીજ વસ્તુઓની શુ હરાજી થઇ હોત? આ ઘટના પછી એવું નથી લાગતું કે, શાંતિનો સંદેશો આપનારા બાપુની આબરૂ નીલામ થતી રોકવા ક્યાં સુધી આપણે શાંતિ દાખવવી જોઇએ એ વિચાર કરવા જેવો છે?