શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

જો પડદો ખુલી જશે તો...

શું સમલૈંગિકતા છે સમજદારી ?

ભારત દેશની આઝાદી પૂર્વે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મુખેથી એક નારો સાંભળવા મળતો કે ''અંગ્રેજો ભારત છોડો.'' સમયાંતરે આપણને આઝાદી મળી અને બાપુનો આ નારો આપણા સ્વતંત્રા સંગ્રામની લડત માટે કરવામાં આવેલા તેમના અથાક પ્રયાસો પૈકીના એક અવિસ્મણીય સંભારણાના રૂપમાં ઈતિહાસના ચોપડે નોંધાઈ ગયો.

W.DW.D
તાજેતરમાં આવો જ એક નારો સાંભળવા મળેલો પરંતુ ત્યાં અંગ્રેજોને બદલે ''377 ભારત છોડો'' તેમ કહેવામાં આવ્યું હતું. આ નારો બોલનારા લોકો કોઈ સ્વતંત્રતા સૈનાની ન હતાં પરંતુ સમલૈંગિકો હતાં. સમાજનો એક અલગ વર્ગ કહેવાતા આ વ્યક્તિઓએ ધારા-377 ને સમાપ્ત કરવાની માગણી સાથે રવિવારે દિલ્લીના બારાખંભા રોડ અને ટોલસ્ટોય માર્ગથી જંતર મંતર સુધી વિરોધ પ્રદર્શન કર્યું.

ધારા-377, બંધારણની એક એવી કલમ જે સમલૈંગિકતાને અપરાધ માને છે અને આ પ્રકારના સંબંધોને જાહેરમાં માન્યતા આપતી નથી. કાલ સુધી કદાચ દેશના ક્રિમિનલ લોયરો પણ આ કલમ વિષે જાણતાં ન હતાં પરંતુ આજે દેશનો દરેક યુવા આ કલમથી સારી રીતે પરિચીત થઈ ગયો છે.

આ કલમની માન્યતાને લઈને કાલ સુધી નનૈયો કુટનારી આપણી સરકાર પણ કદાચ હવે તેને મંજૂરી આપવા માટે રાજીના રેડ થતી હોય તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે. જો એવું ન હોત તો જ્યાં સત્તાના સુકાનીઓ બેસે છે તેવી દેશની રાજધાની દિલ્લીમાં બીજો ''ક્વીયર પ્રાઈડ ઉત્સવ'' મનાવવા માટે હજારો સમલૈંગિક, લેસ્બિયન, બાયોસેક્સુઅલ, ટ્રાંસજેંડર અને ઈંટરસેક્સ લોકોનો જમાવડો જોવા ન મળત. તેમના હાથોમાં 'હોમો હેટ્રો ભાઈ ભાઈ'', ''377 પ્યાર કા દુશ્મન'', ''મુજે પ્યાર કરને કા અધિકાર હૈ'', ''પ્યાર કિયા તો ડરના કયા'' જેવા બેનરો પણ નજરે ન ચડત. નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે આ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોમાં આજના યુવાનોની સંખ્યા વધુ જોવા મળે છે.

ઢોલ-નગારાના ગુંજારવમાં પોત-પોતાના મોઢાઓ પર નિતનવા કલરોના લપેડાઓ કરીને નીકળેલા હજારો સમલૈંગિકો આ વિરોધ પ્રદર્શનમાં જાહેરમાં એક બીજાના મુખમાં મુખ પરોવી પોતાનો પ્રેમ પ્રગટ કરી રહ્યાં હતાં. જાહેરમાં ચેનચાડા કરતા આવા લોકોને રોકવા માટે પોલીસકર્મીઓ પણ લાચાર બની મોઢામા આંગળી દબાઈ ઉભેલા હતાં. જંતર-મંતરનું દૃશ્ય 'દોસ્તાના-અફસાના'' માં ફેરવાયું હતું.

ખૈર કેન્દ્ર સરકારે તો ભારતીય દંડ સહિતાની આ વિવાદાસ્પદ જોગવાઈને ખતમ કરવા માટે વિચાર કરવાનો સંકેત આપ્યો છે.પરંતુ આવા સમયે પ્રશ્ન એ થાય છે કે જો આ કલમ (377)ને મંજૂરી આપી દેવામાં આવશે તો કાલ સુધી પડદા પાછળ રહેલો આ વર્ગ જાહેરમાં સામે આવીને પોતાના અધિકારો માટે લડતો ઝઘડતો નજરે ચડવા લાગશે. જે ભારત જેવા રાષ્ટ્રની સંસ્કૃતિ, ગરીમા અને સંરચના માટે ઘાતક સિદ્ધ થશે.

કદાચ એવો પણ સમય આવે કે, સદીઓથી જે આપણા સામાજિક માપદંડો નિર્મિત થયાં છે તેનું છડે ચોક ઉલ્લંઘન થવાં લાગે.

તમે આ વિષે શું વિચારો છો ? શું આ પ્રકારના સંબંધોની જાહેરમાં સ્વીકૃતિ આપવી યોગ્ય છે ? શું પડદા પાછળની વસ્તુઓને પડદામાંથી બહાર કાઢવી જોઈએ અને જો પડદો ખુલી જશે તો...