શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

ઢોળાયેલો દારૂ બાટલીમાં કોણ ભરશે !

P.R

ગાંધી બાપુએ આપણને આઝાદી અપાવતાં ગોરાઓ આપણા દેશમાંથી ચાલ્યા ગયા, પરંતુ હવે રાજ ધોળાઓના હાથમાં આવ્યું છે. પહેલા વિદેશીઓ આપણને ચુસતા હતા હવે આપણા જ આપણને ઉધઇની જેમ ફોલી રહ્યા છે.

બાપુના ગુજરાતમાં દારૂ બંધી છે. પરંતુ આ કહેવા પુરતું જ છે. દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાય છે. રાજ્યમાં એવું કોઇ ગામ, તાલુકો કે જિલ્લો નહીં હોય કે જ્યાં કોથળી કે બોટલ ના વેચાતા હોય. બધું જ સિસ્ટેમેટીક ગોઠવાયેલું છે. રોજ સાંજ પડે ને માલ ગોઠવાઇ જાય છે. રોજ લાખો રૂપિયાનો દારૂ પીવાય છે. પીનાર અને વેચનાર બંનેને જગ્યા અને બ્રાન્ડ બધું જ સરળતાથી મળી રહે છે. કારણ, તંત્રની રહેમનજર.

ગામ, નગર કે શહેરના કોઇ યુવાનને પુછો તો એ પણ કહી બતાવશે કે, બાબુ બાટલી કે સુરેશ કાણીયાનો અડ્ડે ક્યાં છે? સોડાના ગ્લાસમાં દારૂ મિક્સ કરી આપતી મોહમ્મદની લારી ક્યાં ઉભી રહે છે. તો પછી આપણા ઉપર દંડો પછાડતા તંત્રને આ બધું કેમ દેખાતું નથી. આ જ રસ્તેથી રોજ પેટ્રોલિંગ કરતી આપણી પોલીસને દારૂ કેમ મેંકાતો નથી ? અહીં શંકા કરવાનો કોઇ મતબલ નથી કારણ કે અહીં આખે આખી દાળ જ કાળી છે !!!

નીચેથી લઇને ઉપર સુધી બધે જ ગોઠવાયેલું છે. મોટા અડ્ડાઓ પરથી રોજે રોજ અને નાના અડ્ડાઓથી અઠવાડિયે કે મહિને મલાઇ પહોંચી જાય છે. ચલો આપણે માની લઇએ કે મલાઇ જેવું કંઇ નથી તો પછી એકાદ બે જણને દારૂના અડ્ડાના દેખાય પણ આ તો આખે આખું કોળું શાકમાં છે. રોજેરોજ વિદેશી દારૂના કાર્ટુનના કાર્ટુન પડોશી રાજ્યોની સીમાએથી રાજ્યમાં ઘુસાડાવામાં આવે છે.

ગામના છેવાડે કે નદીના કોતરોમાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ઉકળી રહી છે. પરંતુ કેમ કોઇને દેખાતું નથી. નીચેથી લઇ ઉચ્ચાસને બેઠેલાઓએ કાળા ચશ્મા પહેર્યા છે. પરંતું આપણા મોદી સાહેબને કેમ આ દેખાતું નથી !!! મોદી સાહેબ આંખો ખોલો, નહીંતો જનતા આંખો ઉઘાડશે ત્યારે ક્યાંક મોડું ના થઇ જાય !!! ક્યાં સુધી મજૂર ગામ જેવી કરૂણાંતિકાઓ બનતી રહેશે, ક્યાં સુધી છોકરાઓ બાપ વગરના થતા રહેશે, ક્યાં સુધી કુંટુંબો બરબાદ થતા રહેશે, ક્યાં સુધી પરિણીતાઓ વિધવા થતી રહેશે !!! છે કોઇ આનો જવાબ......રાજ્યમાં ઢોળાયેલો દારૂ બાટલીમાં કોણ ભરશે !!!