શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 8 ઑક્ટોબર 2013 (18:06 IST)

શુ તમે જાણો છો કે કાચંડા પાસેથી પણ કેટલું શીખવાનું છે!

શીખવા માટે કોઈ વ્યક્તિ નાની નથી હોતી

‘કાચંડા’ની ટકી રહેવાની ખૂબીની બહુ નોંધ નથી લેવાઈ

આપણે આ પ્રાણીને તેની, છળ કે વિશ્વાસઘાતની માનવીય નકારત્મક લાક્ષણિકતાઓથી જ ઓળખેલ છે. ‘કાચંડાની જેમ રંગ બદલતા રહેવું”માં હીનતાની ભાવના જણાય છે. પણ એક જાતિ તરીકે, ઉત્ક્રાંતિની ટકી રહેવાની દોડમાં, દરેક બદલતી પરિસ્થિતિઓમાં, આજના આવા વિષમ પર્યાવર્ણીય પરિપ્રેક્ષ્ય સુધ્ધાંમાં, ‘કાચંડા’ની ટકી રહેવાની ખૂબીની બહુ નોંધ નથી લેવાઈ.

મનુષ્ય તો જોકે દરેક પ્રકારના પ્રાણી પાસેથી, પોતાની કાબેલિયતમાં ઉમેરો કરવાનું શીખતો રહ્યો છે. લડાયક કૌશલ્યો જેનું એક બહુ જ ઉપયુકત ઉદાહરણ ગણાવી શકાય.

આપણે કાચંડાની સાનુકૂળતા વડે ટકી રહેવાંમાં શ્રેષ્ઠ પરવડતી એવી ખાસિયતોમાંથી છ ખાસિયતો અને તેમાંથી ફલિત થતા, આપણા અંગત કે વ્યાવસાયિક જીવનના સંચાલનના છ પાઠની વાત કરીશું.
P.R
૧. અલગ અલગ આકાર, કદ અને માપ તેમ જ અલગ અલગ જાતિઓ

કાંચંડાની, અલગ અલગ આકાર, કદ અને માપની૧૫૦૦થી પણ વધારે જાતિઓ નોંધાયેલી છે. અને તેમ છતાં જીવવિજ્ઞાનીઓને હજૂ પણ કોઈ નવી જાતિ મળી આવે તો અચંબો પામવા જેવું નથી. ખૂબીની વાત એ છે કે આ બધી જ જાતિઓમાં, ભલે રંગ, રૂપ, કદ અલગ અલગ જોવા મળશે, પણ આપણે જે ખાસ લાક્ષણિકતાઓની વાત કરવાનાં છીએ, તે તો, સર્વસામાન્યપણે, જોવા મળે જ છે. તે ઉપરાંત જુદી જુદી જાતિઓમાં જે તે સમયની પરિસ્થિતિની સાથે અનુકૂલન કરવાને કારણે કેટલીક આગવી ખાસિયતો પણ જોવા મળે છે.

સંચાલન શીખઃ સામાન્યત: આપણે એમ માનીએ છીએ કે જેમ જેમ આપણી ઉંમર વધશે અને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ જ કેટલીક ખાસિયતો કામ આવશે અથવા તો કામ આવવા લાયક બની રહેશે. હાલમાં આપણે એ ખાસિયત ધરાવીએ છીએ કે તે ઉપયુકત કક્ષાએ વિકસેલ છે, કે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ; નથી કરતાં તો કેમ નથી કરતાં, તે મહત્ત્વનું નથી. મિત્રો, સફળતાના સિદ્ધાંતો કદી પણ બદલતા નથી. આજે કે ભવિષ્યમાં, સફળ થવા માટે જરૂર છે યોગ્ય અભિગમ, યોગ્ય ખાસિયતો અને ક્ષમતાઓની; પછી સંસ્થામાં આપણું સ્થાન (કાચંડાનું કદ) ભલે ને કોઈ પણ હોય!

આગળ અનુકરણ


૨. અનુકરણ

P.R
જ્યારે જોખમભરી પરિસ્થિતિ આવી પડે છે ત્યારે કાંચંડો મરી જવાનો ઢોંગ કરી શકે છે, કે પછી આજુબાજુમાં આવેલ, પથ્થર કે ઝાડનાં પાંદડાં કે રેતી/માટીમાં ભળી જાય છે. આમ તે પોતાથી શક્તિશાળી શિકારી કે કોઈ અન્ય જોખમથી પોતાની જાતને બચાવી લે છે.

સંચાલન શીખઃ જોખમભરી સ્થિતિમાં સલામત રહેવા પૂરતું કરીને, કે બીજો કોઈ રસ્તો ન જ હોય તો કોઈ વાર કામ કઢાવી લેવા માટે કરીને પણ, આપણે અનુકરણની ક્ષમતા વિકસાવવી જોઈએ. આમ કરવાથી આજની ગળાકાપ સ્પર્ધાના યુગમાં આપણે આપણું સ્થાન જાળવી રાખી શકીએ છીએ અને સાથે સાથે, વ્યાવસાયિક કે અંગત જીવનમાં, પ્રતિકૂળ સંજોગોને પાર કરી શકવાની આવડત પણ મેળવતાં થઈએ છીએ.

આગળ . બે અલગ અલગ દિશાઓમાં જોઈ શકવાની આવડત


૩. બે અલગ અલગ દિશાઓમાં જોઈ શકવાની આવડત

P.R
પ્રાણી જગતમાં બહુ જવલ્લેજ આવું પ્રાણી જોવા મળશે, જે એક સાથે બે અલગ અલગ દિશાઓમાં જોઈ શકે છે અને બન્ને દિશાનાં દૃષ્યોનો આબેહૂબ ચિતાર પણ ઊભો કરી શકે છે.

અલગ દિશાઓમાં જોઇ શકવાની આવડત

સંચાલન શીખઃ આપણે પણ દરેક પરિસ્થિતિને, ભિન્ન ભિન્ન પાસાંઓથી, બારીક નજરે જોતાં શીખવા જેવું છે. તે સમયે જે કંઈ જોવા મળે તે માહિતિના આધારે ત્યાંની પરિસ્થિતિનો ચિતાર પણ આપણી નજર સામે ખડો થઈ જવો જોઈએ, જેથી પરિસ્થિતિનો શક્ય તેટલો સાચો અંદાજ આવી શકે.

આગળ એક અદ્ભુજત શિકાર-યંત્ર


૪. એક અદ્ભુજત શિકાર-યંત્ર

P.R
ઘણા અભ્યાસોથી એવું સિદ્ધ થયું છે કે કાચીંડો પોતાની લંબાઈથી આશરે ત્રણ ગણા અંતર સુધી પણ શિકાર કરીને પોતાનું ભક્ષ મેળવી લે છે. તેની લાંબી, ચિક્કટ અને માંસલ જીભના લાં….બા લબકારા વડે તે પોતાના શિકારને ફટાક દઈને ઝડપી લે છે.

સંચાલન શીખઃ આપણા માટે, કે આપણી ટીમ માટે, કે આપણી સંસ્થા માટે નિર્ધારિત લક્ષ સિદ્ધ કરવા સારુ જેટલું પણ તણાવું પડે, તેટલું તણાઈને પણ હાથમાં લીધેલું કામ છોડવું નહીં. જો વિજેતા બની રહેવું હશે તો ‘હાથની પહોંચ’ વધારવી જ રહી.

આગળ દરેક પ્રકારની સપાટી કે જમીન પર સંતુલન અને પકડ બનાવી રાખવાની કળા.

૫. દરેક પ્રકારની સપાટી કે જમીન પર સંતુલન અને પકડ બનાવી રાખવાની કળા.

P.R
કાચંડાના પગની રચના બહુ જ આગવી હોય છે. પોતાના પગ અને પૂંછડીની મદદથી તે બહુ જ મજબૂત પકડ લઈ શકે છે.અહીં સાથેનાં ચિત્રોમાં પોતાનાં આ બન્ને અંગોની મદદથી તે કેવી કેવી જગ્યા પર પોતાની પકડ જમાવી શકે છે તે જોઈ શકાય છે. તે જ રીતે પાતળામાં પાતળી ડાળીથી માંડીને કાચની લીસી બારી કે ખરબચડા પથ્થર પર હલનચલન કરતી વખતે તે પોતાનું સંતુલન પણ બનાવી રાખે છે.

સંચાલન શીખઃ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોઇઈ, કે વિકાસ કરી રહ્યાં હોઈએ, તે પરિસ્થિતિમાં આપણું(માનસિક કે વૈચારિક કે લાગણીઓનું કે પછી ભૌતિક પણ) સંતુલન બનાવ્યે રાખવું જોઈએ. એક વાર તે પરિસ્થિતિમાંની આપણી ભૂમિકા જોડે તાલમેલ સાધી લેવાય, એટલે પછી , જરા પણ વધારે સમય વ્યતિત કર્યા વગર જ, પરિસ્થિતિ પર આપણી ‘પકડ’ આવી જવી જોઇએ.

આગળ આસપાસના વાતાવરણમાં ‘ઢાંકપિછોડો’ કરીને ભળી જવાની કળા

૬. આસપાસના વાતાવરણમાં ‘ઢાંકપિછોડો’ કરીને ભળી જવાની કળા

બીજા શબ્દોમાં કહેવું હોય તો, આસપાસના વાતાવરણ જેવાં બની જવું અને તેમાં ભળી જવું એમ પણ કહી શકાય. વાતાવરણની સાથે ભળી જવાની કળા, કાંચંડો એટલી હદ સુધી આત્મસાત કરી ચૂકેલ છે કે પહેલી નજરે, કે નરી આંખે તો તેની હાજરીની નોંધ લેવામાં થાપ ખવાઈ જ જાય.

સંચાલન શીખઃ આસપાસના વ્યાવસાયિક (કે અંગત પણ) વાતાવરણમાં એટલી હદે ભળી જઈને આપણે તેના એટલી હદે ભાગ બની રહીએ કે આપણે તેમાંથી જુદા તરી ન આવીએ. આજના યુગમાં તો તે સ્થિતિએ પહોંચવામાં જરા પણ સમય વેડફવો પોષાય તેમ જ નથી. અને યાદ રહે કે તે પરિસ્થિતિ પણ બહુ ઝડપથી રંગ બદલતી જ રહેવાની છે. પરિસ્થિતિની ચાલ જોડે જો આપણે કદમ તાલ ન મેળવી શક્યાં, તો ન તો કોઈ આપણી રાહ જોશે કે ન તો કોઈ મદદ કરી શક્શે.

આપણે જેને નગણ્ય ગણીએ છીએ, ઉતારી પાડવાની નજરે જોઈએ છીએ, તે કાચંડા પાસેથી પણ કેટલું શીખવાનું છે!

આજની આપણી મૅનેજમૅન્ટ શીખ એ જ રહેશે કે શીખવા માટે કોઈ વ્યક્તિ નાની નથી હોતી. જો આપણામાં પરખ શક્તિ હશે, તો દરેક પથ્થરમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરીશું, અને નહીં તો સામે આવીને ઊભેલા ઈશ્વરને પણ ‘નકામો પથ્થર’ ‘સમજી’ને ફેકી દઈશું. સામાં માણસની ખોટ કે ખૂબી સમાયેલી તો આપણી જ નજરમાં છે!