શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By વેબ દુનિયા|

આજની ફિલ્મી માતાઓ માત્ર ગાજરનો હલવો જ બનાવતી નથી તે ટેકનોસેવી છે

'મેરે પાસ મા હૈ' થી લઈ 'મા કે દૂધ કા કર્જ' સુધીના હીરોના ડાયલોગનો દર્શકો તાળીઓના ગડગડાટથી વધાવી લેતા

બાઁલીવૂડની મા વિશે કલ્પના કરવા બેસો તો સૌપ્રથમ નજર સામે નિરૂપા રાઁયનો જ ચહેરો તરી આવે. એક જમાનો એવો હતો જ્યારે માતાના રોલ માટે લોકપ્રિય રોલ માટે નિર્માતાઓની નજર નિરૂપા રાઁય પર જ આવીને અટકી જતી હતી.

સિલ્વર સ્ક્રીનના પડદા પર સતત ત્રણ કલાક સુધી રડતી માતાઓનો પણ એક જમાનો હતો. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી માતા, વિલનનો ત્રાસ સહન કરતી માતા, પતિનો જુલમ સહન કરતી સતિ-સાવિત્રી જેવી મા જેવી ઘણી ઘણી માતાઓની ભરમાર જોવા મળતી હતી. તેનો લાડકો પુત્ર તેને આ તકલીફોમાંથી મુકિત ન આપે ત્યાં સુધી ફિલ્મના આ ડ્રામાનો અંત આવતો નહીં. અને આ
અંત ન આવે ત્યાં સુધી ડિપરેષ્ટ મધરની આંખોનો શ્રાવણ-ભાદરવો પણ લૂકાતો નથી.

દીવાર, મુકદ્દર કા સિકંદર અને 'અમર અકબર એન્થની'માં નિરૂપા માતાના પાત્રમાં રળતા - કકળાતા જ નજર આવ્યા હતા. ત્રણે પુત્રો પથારીમાં લૂતા લૂતા માતાને બચાવવા લોહી આપે એવા દ્રશ્યો દર્શકોને ભાવ-વિભોર કરી મૂકતા.

ગેરમાર્ગે ચઢેલા પુત્રને સીધે માર્ગે લાવવાના બધા જ પ્રયાસ નિષ્ફળ જતા માતાએ તેના પ્રાણ પ્યારા પુત્રની હત્યા કરી હોય એવા દ્રશ્યો પણ કેમેરામાં કંડારવામાં આવ્યા છે. મધર ઈન્ડિયા'માં પ્રથમ વખત નરગિસે પોતાના કલેજાના ટુકડા બિરજૂની હત્યા કરી હતી. આ પછી નરગીસના લાડકા દીકરા સંજય દત્તે પણ 'વાસ્તવ'માં તેની મા રીમા લાગુની ગોળીના શિકાર બની પ્રાણ ત્યાગવા પડયા હતા જ્યારે ટચૂકડા પડદા પર તુલસીએ 'કયોંકિ...બહુ થી' માંતેના પુત્ર અંશનું ખૂન કરી નરગીસ અને રીમા લાગુનો વારસો આગળ વધાર્યો હતો.

જૂના વેરઝેરને કારણે બદલાની આગમાં સળગતી માતાઓ પોતાના પુત્રને હાથમાં હથિયાર આપતાં પણ અચકાતી નથી. 'કરણ અર્જુન' , 'રામ લખન' અને 'ખલનાયક', 'બાઝીગર'માં રાખીએ ગંભીર મુશ્કેલીમાં મૂકાતા અથવા છેલ્લે મૃત્યુ પામતા પુત્રોની માતાની ભૂમિકા ભજવી હતી. નિરૂપા રાઁય પછી રાખી નિરૂપા રાઁયનો વિકલ્પ બની ગઈ હતી.

સમય જતાં ફિલ્મોની માતાના પાત્રમાં ફેરફાર થવા માંડયો અને આંખમાંથી અશ્રુ બની વહેતા ગ્લિસરીનનો વપરાશ ઘટવા લાગ્યો. માતા મિત્ર બની નવા યુગની માતા પોતાના સંતાનોની મિત્ર બની ગઈ

'મૈંને પ્યાર કિયા'માં તેમ જ 'સાજન'માં રીમા લાગુ અને સલમાનની માતા -પુત્રની જોડીને ઘણી સફળતા મળી હતી. આ ઉપરાંત 'હમ સાથ સાથ હૈ'માં રીમા લાગુએ કૈકેયી ટાઈપની માતાની ભૂમિકા ભજવી હતી. 'કલ હો ના હો'ની જયા બચ્ચન તેની પુત્રીને સાથ આપે છે તો એ જ ફિલ્મમાં રીમા લાગુ તેના પુત્ર શાહરૂખ ખાનની લાગણીઓને સમજી તેને સાથ આપે છે.

'હમ તુમ'માં રતિ અગ્નિહોત્રી અને તેનો પતિ ૠષિ કપૂર અલગ થઈ ગયા હોવા છતાં પણ બંને તેમના સંતાન સૈફ અલી ખાનને કોઈ મુશ્કેલી ન પડે એ વાતનો ખ્યાલ રાખે છે.

હાલતની મારી લાચાર માતાઓ

'કભી ખુશી કભી ગમ'ની જયા બચ્ચનું પાત્ર એક લાચાર માતાનું પ્રતિનિધિત્વ કરે છે. પતિના વર્ચસ્વ હેઠળ દબાઈ ગયેલી માતા તેના પતિના અન્યાય સામે હરફ પણ ઉચ્ચારી શકતી નથી અને પુત્ર પ્રત્યેનો પોતાનો પ્રેમ પોતાના હૃદયમાં છૂપાવી રાખે છે.

'કલ હો ના હો'માં જયા પોતાના પતિની અવૈધ પુત્રી જીયા માટે તેની સાસુ સાથે લડતી હોય છે. 'માલૂમ'ની શબાના આઝમી પણ માતાની લાચારી જ વ્યકત કરતી હતી.

'રંગ દે બસંતી'ની માતા પોતાના પુત્રના મૃત્યુ બાદ ન્યાય માટે થતી રાજ્યક્રાંતિમાં પણ સહયોગ આપે છે.

હવેની ફિલ્મી માતા સંતાનોની આંખો પોતાના પાલવથી લૂછવા ઉપરાંત પણ બીજું ઘણું કરે છે. ૨૧મી સદીની ફિલ્મી માતા ગાજરનો હલવો બનાવી માત્ર રસોડામાં બેસી રહેતી નથી. તે ટેકનોસેવી છે.

'કોઈ મિલગયા' માં રેખા પોતાના વિકલાંગ પુત્રને સામાન્ય પુત્રની માફક જ ઉછેરે છે અને તેનો ઉત્સાહ વધારે છે. 'ઈકબાલ'ની માતા તેના મૂંગા-બહેરા પુત્રની પ્રેરણા બની છે. પતિની મરજી વિરુધ્ધ તે છાનામાના તેના પુત્રને તેનો ધ્યેય પૂરો કરવા પોતાથી બનતી સહાય કરે છે.

સુસ્મિતા અંગત જીવનમાં પણ કુંવારી માતા તરીકે જ જીવે છે. તેણે 'સમય'માં તેણે પોતાના અંગત જીવનને વત્તેઓછે અંશે પડદા પર રજૂ કર્યું હતું. તેની પુત્રી રેનીના જ શબ્દોમાં - બાયોલોજિકલ માતા તો બોરિંગ હોય છે, દરેક જણનો પેટમાં જ ઉછેર થતો હોય છે. દત્તક સંતાનનો વિશેષ કહેવાય છે. કારણ તેનો સંબંધ પેટથી નહોતા હૃદયથી હોય છે. હું દત્તક લીધેલી વિશેષ પુત્રી છું.