શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By
Last Modified: શનિવાર, 9 મે 2015 (15:40 IST)

મધર્સ ડે પણ, પ્રસૂતિની રજા મેળવવા જે હાયવોય કરવી પડે છે તે એક નોકરીયાત માતા જ જાણે

રવિવારે  મધર્સ ડે. માતાના આખા જીવનને સલામ કરતા ઉજવાતો દિવસ. પશ્ર્ચિમમાં માતાનું મૂલ્ય તો હતું જ પણ તેનો સ્વીકાર જાહેરમાં નહોતો જે હવે થવા લાગ્યો છે. પૂર્વમાં એટલે કે આપણે ત્યાં તો માતાને દેવ સ્વરૂપ જ કહી છે, કહોને સાક્ષાત ઈશ્ર્વર જ કહી છે, ‘માતૃદેવો ભવ’ એમ પુરાણો-ઋષિમુનિઓ, વિદ્વાનો કહી ગયા છે. આપણે માતાને નવજાત સંતાનની પ્રથમ ગુરુ માની છે. સ્ત્રી થોડો સમય માટે પુત્રી, બહેન કે પત્ની હોય છે, પણ કાયમ સ્વરૂપે તે માતા જ હોય છે. આપણે તો કહેવત પણ બોલીએ છીએ...‘મા તે મા, બીજા બધા વગડાના વા’. એ વાયરો માતા બનનારી આજની સ્ત્રી માટે તાપ ન બને એ જોવું આવશ્યક છે. કામ કરતી ગર્ભવતી મહિલાને, ભલે પછી તે ગામડાંની હોય કે શહેરની, પ્રસૂતિની રજા મેળવવામાં જે હાયવોય કરવી પડે છે અને વિકલ્પોની અછત વેઠવી પડે છે તેને આપણે સહેજ હળવી ન બનાવી શકીએ?

માતા બનનારી સ્ત્રીઓને પ્રસૂતિની રજા મેળવવામાં વેઠવી પડતી વેદના નાબૂદ કરી શકાશે તો એ મધર્સ ડેનું સાચું તર્પણ ગણાશે. હમણાં હમણાં બાળકના પાલનપોષણ અને ઉછેર સંબંધે બ્રિટને કેટલાક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જન્મેલાં બાળકના પાલન માટે મા અને પિતા બેઉ મળીને ૫૦ અઠવાડિયાની એટલે કે લગભગ એક વર્ષની રજા વહેંચીને લઈ શકે, ટૂંકમાં માતા અને પિતા બેઉએ બાળ ઉછેરની ફરજ બજાવવી એવી જોગવાઈ નવા કાયદામાં છે. આમ તો બાવન અઠવાડિયાની રજા છે, પણ માતાએ શરૂમાં બે સપ્તાહની રજા લેવાની ફરજિયાત હોઈને પછીના ૫૦ અઠવાડિયાની રજા વિભાગીને લેવાની રહે છે. કાયદામાં મહિલા ગર્ભવતી છે એટલા માટે તેને નોકરી પરથી હાંકી કાઢવાની બાબતને ગેરકાયદે ઠેરવવામાં આવી છે. આ બાબતે મતભેદો છે, પણ વર્ષે બે લાખ ૮૫ હજાર દંપતીને આ કાયદાનો ફાયદો થશે, એવો દાવો સરકાર કરે છે.

નવા જન્મેલાં બાળકને માનસિક તેમ જ શારીરિક રીતે સુદૃઢ અને સ્થિર થવા માટે તેને એક વર્ષ સુધી યોગ્ય ઉછેર-જતન-પાલનની જરૂર હોય છે. એટલે મહિલાને ઘણીવાર બાળકનું જતન-લાલનપોષણ કરવું’ કે ‘કરિયર’ સાચવી લેવી એ બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવી પડતી હોય છે. એમાં મહિલાને સહાયક બનવાના આશયથી બ્રિટિશ સરકારે કાયદાના હથિયારથી અવરોધ દૂર કર્યો છે. ભારતમાં જોકે પ્રસૂતિની હકની રજા માટે મહિલાએ સંઘર્ષ કરવો પડે છે.

ભારતમાં મહિલા કર્મચારીને બે બાળક સુધી ભરપગારે (પગાર સાથે) ૯૦ દિવસની રજા આપવી બંધનકારક છે, પણ આ રજા આપતી વખતે ઘણે સ્થળે મેનેજમેન્ટ દ્વારા છટકબારીઓ શોધવામાં આવે છે. રાજ્ય કે કેન્દ્ર સરકારનાં કમર્ચારીઓ માટે આવી સમસ્યા ઊભી થતી નથી. વળી ખાનગી કંપનીઓમાં મહિલાઓને તેમનો આ અધિકાર મળે જ એવું નહીં. આને પગલે મહિલા પાસે ઉપર સુધી લડત આપવી અથવા નોકરી છોડવી એ બે વિકલ્પ રહે છે.

આપણે ત્યાં અનેક મહિલાઓને પ્રસૂતિની રજાના નિયમની જાણકારી હોતી નથી એટલે અનેક મહિલા પોતાને રજા મળશે નહીં એવા ડરે ગર્ભધારણ કરવાનું ટાળે છે અથવા લંબાવે છે, વળી કેટલીક મહિલા ગર્ભવતી થાય તો રજાની અરજી કરતી નથી, પણ નોકરી છોડવાનો નિર્ણય કરે છે.

એક મોટા મીડિયા હાઉસમાં છ વર્ષથી કામ કરનારી એક મહિલા પત્રકાર ગર્ભવતી હોવાની જાણ થતા તેને સાવ નોખા કારણસર કામ પરથી હાંકી કાઢવામાં આવી હતી. આટલાં વર્ષો આ છોકરીની કામગીરી-પર્ફોર્મન્સ સબબ કંપનીને કોઈ સમસ્યા નહોતી, પણ હવે એ ગર્ભવતી તથા અચાનક ‘નન પર્ફોર્મન્સ’નું કારણ આપીને ઘરે બેસાડી દેવાઈ. સ્વાતિ જયસ્વાલ (નામ બદલ્યું છે) એક જાણીતી શાળામાં શિક્ષિકા છે. એની ત્રણ મહિનાની પ્રસૂતિની રજા મંજૂર કરાઈ પણ તેની અવેજીમાં કોઈ શિક્ષક આપવાની શરત કરવામાં આવી હતી. ગર્ભાવસ્થાની સ્થિતિમાં એણે દોડાદોડ કરી પર્યાયી શિક્ષિકા અપાવી પણ ખરી. એનો ત્રણ મહિનાની રજાનો પગાર પણ સંસ્થાએ આપ્યો નથી. રજા લંબાવવાની વિનંતી પણ નકારી કાઢવામાં આવી હતી.

એક નાની કંપનીમાં કામ કરનારી સંગીતા શાહ (નામ બદલ્યું છે.)નો પણ આવો જ અનુભવ છે. એને એમ કે નાની કંપની છે એટલે મેટરનિટી લીવ મળવાની જ નથી, એવા કિસ્સા એણે જોયા હતા, પણ છ વર્ષથી એ કંપનીમાં નોકરી કરતી હતી એટલે એને ત્રણ મહિનાની રજા મળી તો ખરી, પણ પગાર વિના. સંગીતા કટાક્ષમાં કહે છે કે, ‘અહીં વીકલી ઑફ મળવાના ફાંફાં છે ત્યાં વિના પગારે આટલી મોટી રજા મળવી એ જ બહુ મોટી વાત છે.’ પ્રસૂતિની રજા નહીં આપીને સંસ્થાએ અનેક સ્ત્રીઓને નોકરી છોડવાની ફરજ પાડ્યાનાં ઉદાહરણો એણે જોયાં છે. જોકે ગર્ભાવસ્થાની સ્થિતિમાં અધિકાર માટે લડવાની પણ માનસિક તૈયારી કોઈની હોતી નથી.

કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓ-કંપનીઓમાં ત્રણથી છ મહિનાની પ્રસૂતિની રજા આપવામાં આવે છે. બૅંકોમાં આ મામલે સંતોષજનક સ્થિતિ છે, પરંતુ આપણે ત્યાં નિષ્ણાતોને મેટરનિટી લીવનો આટલો સમયગાળો બહુ ઓછો લાગે છે. ખરેખર તો બાળકને એક વર્ષ સુધી માતાની જરૂર હોય છે, એમાં સ્તનપાન એ મહત્ત્વનું કારણ છે. પહેલા છ મહિના બાળકને પૂર્ણપણે સ્તનપાન અને પછીના છ મહિના પૂરક આહાર તરીકે સ્તનપાન કરાવવાની જરૂર હોય છે. આ કારણસર અને બાળકને એક વર્ષ પોતાને હાથે ઉછેરી શકાય એવા આશયથી જ રેવતી નામની એક છોકરીએ એક દૈનિકની નોકરી છોડી હતી.

બાળક માતા પાસે હોય ત્યારે તેને સૌથી વધારે સલામતી લાગે છે. બાળકનો માનસિક અને શારીરિક વિકાસ માતા પાસે રહીને ઉત્તમ થાય છે અને માતાના શારીરિક અને માનસિક આરોગ્ય માટે પણ બાળક પાસે હોવું એ ઉત્તમ સ્થિતિ છે. માતા અને બાળક સતત સાથે-પાસે હોય તો બૉન્ંિડગ બહુ ઉત્તમ થાય છે. આથી ઓછામાં ઓછું એક વર્ષ તો બાળક સાથે સતત રહેવી જોઈએ, એમ નિષ્ણાત ડૉક્ટરો કહે છે.

આજકાલ કરિયર, પૈસા, ફાયનાન્સિયલ સ્થિતિ વગેરે અનેક કારણોસર લગ્ન લંબાઈ જતા હોય છે ત્યારે ત્રીસ-બત્રીસ વર્ષ બાદ મહિલા ગર્ભવતી થાય છે. વધતી વયમાં મહિલા ગર્ભવતી થતા તેને આરામની વધારે જરૂર રહે છે. આઈવીએફના આજના સમયમાં ગર્ભાવસ્થામાં જાત જાતનાં કોમ્પ્લીકેશન હોય છે. એવા સમયમાં પણ તબીબો બૅડરેસ્ટની સલાહ આપે છે ત્યારે રજાની જરૂર પડે છે. અનેક મહિલાને છેક નવમા મહિના સુધી નોકરીએ જવું શક્ય હોતું નથી ત્યારે ફક્ત ત્રણ મહિનાની રજા હોય કે એની સાથે જોડીને અન્ય રજાઓ લેવાની પરવાનગી મળે નહીં ત્યારે નોકરી છોડવી એ એકમાત્ર વિકલ્પ જ બચે છે.

એલઆઈસીની મહિલા કર્મચારીઓએ પ્રસૂતિની રજાઓ માટે ૧૯૮૯માં આપેલી લડત એ વખતે બહુ ગાજી હતી ખરી પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એવું નથી. અનેક મહિલાએ સંઘર્ષ કરવો પડે છે, મહિલાએ તો એમ પણ શિક્ષણ, નોકરી, લગ્ન, કરિયર, બાળઉછેર એમ ડગલે અને પગલે સંઘર્ષ કરવો પડે છે, પણ માતૃત્વ એ એના અંતરમાં રહેલો એક સુંદર, સરળ અને પ્રેમથી તરબતર એક ખૂણો છે. જો એ પોતાના સંતાનના ઉછેરમાં સરખો સમય નહીં આપી શકી હોય તો એને એ વાત, ‘બાળકને જરૂર હતી ત્યારે હું નહોતી’, એ વાત આખી જિંદગી ખટક્યા કરશે. આવું ન થાય એટલે અનેક મહિલા નોકરીને જ રામરામ કરી દે છે તો કેટલીક મહિલાઓ માતૃત્વને નકારે છે.

ખરેખર તો માતૃત્વ અને કરિયર વચ્ચેની લડાઈ ક્યારે ખતમ થશે, એ સવાલ આજે પણ ખાસ્સો ગહન તો છે જ, પણ અનુત્તરિત પણ છે. બ્રિટન જેવો દેશ એ માટે ઉપાય-યોજના કરે છે ત્યારે આપણે માત્ર એ દિશામાં વિચાર કરીશુંને તો ય ગર્ભવતી મહિલાના સંઘર્ષને બળ મળશે અને ખરેખર એ વિચારને કૃતિમાં લાવીશું તો માતાને માટે ઉજવાતા દિવસનું સાચા અર્થમાં તર્પણ થયું ગણાશે... ‘હે માતા તું જ છે સાક્ષાત ઈશ્ર્વર.’