ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

રોક ઓન : સંગીત વગર અધુરી છે જીંદગી

IFM
નિર્માતા : ફરહાન અખ્તર-રિતેશ સિંધવાની
નિર્દેશક : અભિષેક કપૂર
ગીતકાર : જાવેદ અખ્તર
સંગીત : શંકર-અહેસાન-લોય
કલાકાર : ફરહાન અખ્તર, પ્રાંચી દેસાઈ, અર્જુન રામપાલ, પૂરબ કોહલી, ન્યૂક કેની, શબાના ગોસ્વામી, કોયલ પુરી.

રેટિંગ 3.5/5

દરેક માણસ કિશોર હોય કે યુવાવસ્થામાં કાંઈક બનવાના સપના જુએ છે, પરંતુ પછી સંસારની ભાગદોડમાં એવો અટવાય છે કે કમાવવાના ચક્કરમાં તેણે પોતાના સપનાને રગદોળી નાખવા પડે છે. કાંઈક આવુ જ બને છે 'રોક ઓન'ના ચાર મિત્રો - જો(અર્જુન રામપાલ), કેડી(પૂરબ કોહલી), આદિત્ય શ્રોફ (ફરહાન અખ્તર) અને રોબ નેસી (ન્યૂક કેની)ની સાથે.

IFM
ચારેયનુ સપનું હતુ કે તેઓ દેશનો સૌથી મોટો બેંડ બનાવે. યુવા અવસ્થા દરમિયાન તેઓ આવુ સપનું જુએ છે. તેઓ એક પ્રતિસ્પર્ધા જીતે છે અને એક કંપની તેમને આલબમ બનાવવા માટે સાઈન પણ કરે છે. આલબમના શૂટિંગ દરમિયાન આદિત્ય અને જો વચ્ચે બોલાચાલી થઈ જાય છે અને તેમનો આલબમ અધૂરો રહી રહી જાય છે.

આ વાર્તા દસ વર્ષ આગળ દોડી જાય છે. આદિત્ય ને કેડી વ્યવસાયમાં લાગી જાય છે રૉબ સંગીતકારોનો સહાયક બની જાય છે અને જો પાસે કશુ કામ નથી હોતુ. ચારેયના મનમાં પોતાના શોખ માટેની અગ્નિ સળગતી રહે છે.

આદિત્યની પત્ની સાક્ષી(પ્રાચી દેસાઈ)ને આદિત્યના ભૂતકાળ વિશે કાંઈ જ ખબર નથી રહેતુ. એક દિવસ જૂની સૂટકેસ ખોલતા તેની સામે આદિત્યના બેંડનું રહસ્ય ખુલી જાય છે. તે એક વાર ફરી બધા મિત્રોને એકત્ર કરે છે અને તેમનું બેંડ મેજિક પ્રથમ વાર પરફોર્મ કરે છે.

આ મુખ્ય વાર્તા સાથે થોડી બીજી નાની-નાની વાર્તાઓ પણ ચાલે છે. સંગીતથી દૂર રહેવાને કારણે આદિત્ય દુનિયાથી નારાજ છે અને તેની અસર તેની પત્ની સાક્ષી પર પણ પડે છે. બંનેના તણાવપૂર્ણ જીવનની વાર્તા પણ સાથે ચાલે છે.

જો, નવરો બેસીને પત્નીની કમાઈ પર જીવે છે. તેને હોટલમાં જઈને ગિટાર વગાડવું પસંદ નથી. તેની પત્ની ફેશન ડિઝાઈનર બનવાના સપના છોડી માછલીઓનો ધંધો કરે છે કારણ કે ઘર ચલાવવાની મજબૂરી છે.

રોબની અંદર પ્રતિભા છે, પણ સંગીતકારોના સહાયક બનીને તેમને પોતાની પ્રતિભાને દબાવવી પડે છે, જેનું દુ:ખ તે એકલો સહી રહ્યો છે.

ફિલ્મની મુખ્ય થીમ 'જીતવાના જજ્બા' પર છે, જેમાં મિત્ર, સંગીત, ઈગો અને પરસ્પર સંબંધોને ભેળવીને નિર્દેશક અભિષેક કપૂરે ખૂબ જ સુંદરતાથી પડદાં પર રજૂ કર્યુ છે. તેમનો વાર્તા કહેવાનો અંદાજ સરસ છે. ફિલ્મ વર્તમાન અને અતીતની સાથે ચાલે છે અને ફ્લેશ બેકનો ઉપયોગ તેમણે પરફેક્શન સાથે કર્યો છે.

અભિષેક દ્વારા નિર્દેશિત થોડાક દ્રશ્યો છાપ છોડે છે. વર્ષો પછી જ્યારે આદિત્યને મળવા રોબ અને કેડી આવે છે તો તેઓ આદિત્ય સાથે હાથ મેળવે છે. ત્યારબાદ તરત જ આદિત્ય પોતાના હાથ ધુએ છે. તેને બીક લાગે છે કે હાથ મેળવવાથી તેની અંદર મરી ચૂકેલા સંગીતના કીટાણુંઓ ફરી જીવતા ન થઈ જાય.

આદિત્યના ચરિત્રમાં આવેલો ફેરફાર નિર્દેશકે બે દ્રશ્યો દ્વારા ખૂબ જ સુંદરતા સાથે રજૂ કર્યો છે. આદિત્ય ઓફિસના ગાર્ડના અભિવાદનનો કદી જવાબ નહોતો આપતો, પરંતુ જ્યારે બેંડ શરૂ કરવામાં આવે છે તો તે જાતે આગળ આવીને તેમનુ અભિવાદન કરે છે. નિર્દેશકે આ બે દ્રશ્યો દ્વારા બતાવ્યુ છે કે સંગીત વગર આદિત્ય કેટલો અધૂરો હતો.

આ ફિલ્મ રોક કલાકારો વિશે હોવાથી તેણે થોડી સ્ટાઈલિશ રૂપે રજૂ કરવામાં આવી છે. નિહારિકા ખાનનું કોસ્ટ્યૂમ સિલેક્શન નોંધણીય છે. કલાકારોના લુક પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે.

ફિલ્મમાં થોડીક ઊણપો પણ છે. નિર્દેશક એ યોગ્ય રીતે બતાવી શક્યા નથી કે આદિત્ય પોતાની પત્ની સાક્ષીથી નારાજ કેમ રહે છે ? રોંબને બીમાર ન બતાવ્યો હોત તો પણ વાર્તામાં કોઈ વધુ ફરક ન પડ્યો હોત. ઈંટરવલ પછી ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે. કેટલાક લોકોને આ ફિલ્મ જોઈને 'દિલ ચાહતા હૈ' અને 'ઝંકાર બીટ્સ'ની પણ યાદ અપાવે છે.

IFM
આ પ્રકારની ફિલ્મોમાં સંગીતકારોની ભૂમિકા મુખ્ય રહે છે. શંકર-અહેસાન-લોયનુ સંગીત થોડુ નબળું છે. પરંતુ ફિલ્મ જોતી વખતે સારું લાગે છે. ફિલ્મના હિટ થયા પછી તેનુ સંગીત પણ લોકપ્રિય થશે. જેસન વેસ્ટનુ કેમેરા વર્ક અને દીપા ભાટિયાના સંપાદને ફિલ્મને સ્ટાઈલીશ લુક આપ્યુ છે.

નિર્દેશકના રૂપમાં છાપ છોડી ચૂકેલા ફરહાન અખ્તર સારા અભિનેતા પણ છે. તેમના ચરિત્રના ઘણા શેડ્સ લેવામાં આવ્યા છે અને તેમણે દરેક શેડ્સને ખૂબ જ સરસ રીતે નિભાવ્યુ છે. અભિનયની સાથે સાથે તેમને ગીતોમાં પણ ભાગ લીધો છે. સંગીત ભારે હોય ત્યાં અવાજનુ ખાસ મહત્વ નથી હોતુ તેથી તેમની નબળી અવાજને સહન કરી શકાય છે.

અર્જુન રામપાલ સાચે જ એક રોક સ્ટાર છે અને તેમણે પોતાનુ ચરિત્ર ખૂબ જ સરસ રીતે ભજવ્યુ છે. તેમની પત્નીની ભૂમિકા શબાના ગોસ્વામીએ સરસ રીતે નિભાવી છે. પ્રાચી દેસાઈ, પુરબ કોહલી, કોયલ પુરી અને ન્યૂક કેની પણ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે.

ફાલતુ મસાલા ફિલ્મોની વચ્ચે 'રોક ઓન' એક તાજી હવાની લહેર જેવી છે.