ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2015 (12:45 IST)

મોદી સરકાર લાવશે બજેટમાં અચ્છે દિન?

આ વખતે બજેટ રસપ્રદ અને બોલ્ડ રહેવાની આશા છે. સરકારે અચ્છે દિનની વાતો બહુ કરી છે. આ બજેટમાં અચ્છે દિન આવશે? અને કયારે આવશે તેનો દસ્તાવેજ બની રહેશે. સામાન્ય કરદાતાથી લઈ મોટા કોર્પોરેટસ સૌને આ બજેટ પાસે સહજ જ ઘણી આશા છે. બજેટ ભારતીય અર્થતંત્રનાં રિવાઈવલનું ટર્નિંગ પોઈન્ટ બની શકશે? એ સવાલનો જવાબ માત્ર આ બજેટ પાસે હશે... જો કે બજેટ પાસે આ વખતે વધુ પડતી આશા રખાઈ હોવાથી જોખમ એ જણાય છે કે જો બજેટ અપેક્ષાથી ઊણું રહયું તો શેરબજારને નિરાશ કરી શકે...

બચત અને રોકાણને પ્રોત્સાહિત કરાશે

બજેટનું લક્ષ્ય મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવવા માટેનો તખ્તો તૈયાર કરવાનું છે. રોકાણકારો માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કર્યા સિવાય આ સંભવ બની શકે નહીં. એટલું જ નહીં, બચતોને રોકાણ માર્ગે વાળવા માટે પણ પ્રોત્સાહન જરૂરી બનશે. મોદી સરકારે અત્યાર સુધીમાં જે -જે સૂત્રો આપ્યા છે તે દેશના આર્થિક-સામાજિક વિકાસ માટેના છે, આ સૂત્રોને કાર્યરત બનાવવા , તેના સફળ પરિણામ મેળવવા બજેટ પોતાનાથી બનતું બધું જ કરશે અને કરવું પડશે એ નકકી છે. કિલન ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા વગેરે સહિત દરેક તબકકે બજેટનો સપોર્ટ જોઈશે. ગયા બજેટમાં તો માત્ર દોઢ મહિનાનો સમય હતો તેથી લોકોની ઝાઝી અપેક્ષા નહોતી તેથી ચાલી ગયું હતું, કિંતુ આ વખતે સમય રહયો છે, પ્લાન્સ પણ છે, વિઝન, મિશન, દિશા ,લક્ષ્ય પણ અલમોસ્ટ નકકી છે. નાણાં પ્રધાન અરુણ જેટલી સામે બહુ મોટી જવાબદારી - પડકાર છે. આ વખતનું બજેટ આર્થિક સુધારાનું હશે એ તો નિશ્ર્ચિત છે જ , કિંતુ આ સાથે કેટલાંક કઠોર પગલાં પણ અપેક્ષિત છે. જો કે બજેટનું લક્ષ્ય બચત અને રોકાણને પ્રોત્સાહન આપવાનું રહેશે , જે માટે બજેટ અનેક પ્રોત્સાહક પગલાં પણ લેશે, જેના ભાગરૂપ આ વખતે નાણાં પ્રધાન વ્યકિતગત કરદાતાઓ તેમ જ કંપનીઓને કર રાહત ઓફર કરે એવી શકયતા વધી છે. અર્થાત બજેટમાં સરકાર વ્યકિતગત કરદાતાઓને બચત માટે અને કંપનીઓને ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહિત કરતા કદમ ભરશે.

કર માળખામાં ફેરફાર સંભવ

આ વિશે હજી માળખું તૈયાર થઈ રહયું છે, પણ વ્યકિતગત ટેકસ મર્યાદામાં ફેરફાર અને કોર્પોરેશન ટેકસમાં કયાંક ચોકકસ રાહત આપવાની દરખાસ્ત ઘડાઈ રહી છે. કોર્પોરેશન ટેકસ અત્યારે ૩૦ ટકા છે, જે સાત વરસથી બદલાયો નથી. સરચાર્જ અને સેસ સાથે આ દર ૩૩ ટકા જેવો થઈ જાય છે. ગયા વરસે આ સરચાર્જ દસ ટકાથી ઘટાડી ૫ાંચ ટકા કરાયો હતો. આ વરસે આ મામલે રાહત આવવાની સંભાવના ખરી. આ જ રીતે વ્યકિતગત ટેકસ પેયર માટે પણ રિલીફ વિચારાઈ રહી છે. જો કે આમાં વળી એક ભય એ ખરો કે આવકવેરા પાત્ર આવકની મર્યાદા વધારવા સાથે અનેક લોકો ટેકસ નેટમાંથી બહાર નીકળી જાય એમ બની શકે છે, જયારે કે હકીકતમાં સરકાર આ ટેકસ બેઝ વધે એવું ઈચ્છે છે અને તે જરૂરી પણ છે. કારણ કે સવાસો કરોડની વસ્તીમાંથી માત્ર ત્રણેક ટકા લોકો જ રિટર્ન ફાઈલ કરી રહયા છે.

ભારતને ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવાનું લક્ષ્ય

નાણાં પ્રધાન અરુણ જેટલી આ બજેટમાં ભારતને વિશ્ર્વમાં સૌથી આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બનાવી શકે એવી દરખાસ્ત લાવવાનું લક્ષ્ય પણ રાખે છે. સરકાર મેક ઈન ઈન્ડિયા માટે ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ રિવાઈવ કરવા મકકમ છે અને મેન્યુફેકચરિંગ સેકટરમાં આ માટે ઘણાં સુધારા-પ્રોત્સાહન આપવામાં આવવાની ઊંચી સંભાવના છે. હવે પછી કરમાળખું એવું બનાવવાનું લક્ષ્ય છે કે ઈન્વેસ્ટરો માટે રિલીફ ઉપરાંત નિશ્ર્ચિંતતા રહે અને રોકાણ માહોલ મૈત્રીપૂર્ણ બની રહે. વિદેશી રોકાણનો પ્રવાહ આ બજેટ બાદ સતત ભારતમાં વહેતો રહે એવા વિઝન સાથે બજેટ પેશ કરાશે. મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવવા ચોકકસ ચીજો પર આયાત જકાત વધારવી, જેથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળે તેમ જ વિદેશી રોકાણકારો માટે મિનિમમ ઓલ્ટરનેટ ટેકસ (મેટ) માં ફેરફાર કરવા ઉપરાંત જનરલ એન્ટી અવોઈડન્સ રૂલ (જીએએઆર) ને ૨૦૧૬ સુધી મુલતવી રાખવા જેવા પગલાં આ બજેટના મુખ્ય અંશો હશે. આ બધાંનો ઉદેશ રોકાણ માટેનું મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો રહેશે. સરકાર આ બજેટ મારફત પાછલી તારીખથી કરવેરા લાગુ નહીં કરવાની પણ ખાતરી આપશે, જેમાં અગાઉ અનેક વિવાદ થયા હતા અને અનિશ્ર્ચિતતા ઊભી થતી હતી. બજેટ વિદેશી રોકાણકારો માટેની ટેકસ પોલિસી પણ પારદર્શક અને ફ્રેન્ડલી બનાવવા ધારે છે. દેશમાં રોકાણ લાવવા-વધારવા આ તમામ પગલાં અનિવાર્ય હોવાથી બજેટમાં તેની દરખાસ્તો જરૂરી હોવાનું જણાય છે.

બજેટમાં મેક ઈન ઈન્ડિયા પર મજબૂત જોર

મેક ઈન ઈન્ડિયાને કેન્દ્રમાં રાખી બજેટની તૈયારી શરૂ થઈ ગઈ છે. સરકારી અધિકારીઓ રાત-દિન આ વિષયમાં કામે લાગી ગયા છે. સરકારી અધિકારીઓએ ૨૫ સેકટર માટે જરૂરી બાબતોની યાદી બનાવી છે અને તેમાં કેવા સુધારા કે પ્રોત્સાહન આપવા જોઈએ તેની બ્લુ પ્રિન્ટ પણ બનાવી છે. ચીનની ઈકોનોમી હાલ જયારે ધીમી પડી છે ત્યારે ભારત માટે આ ક્ષેત્રે વધુ તક હોવાનું કહેવાય છે.જેના ભાગરૂપ સરકાર તરફથી ઉદ્યોગોને વેગ આપવા , ઉત્પાદન વધારવા અને તે મારફત મોટેપાયે રોજગાર ઊભા કરવા માટે અનેકવિધ કર રાહતો આપવાની તૈયારી થઈ રહી છે. . આ વખતે બજેટમાં મેક ઈન ઈન્ડિયા પર ભરપૂર ભાર મુકાશે એ નકકી છે. જેથી માઈક્રો, સ્મોલ, મિડિયમ સાઈઝના એકમો માટે પ્રથમ ત્રણ વરસ સીધા વેરામાંથી મુકિત અપાય એવું બની શકે છે. ગોલ્ડ અને સિલ્વર પરની કસ્ટમ ડયુટી દસ ટકાથી ઘટાડી ૨ ટકા કરાવાની સંભાવના છેે. ડિફેન્સ અને એરોસ્પેસ પ્રોડકટસ માટે ટેકસ હોલિડે અપાય એમ બની શકે છે. ઈલેકટ્રોનિકસ અને ટેલિકોમ સાધનોના ઉત્પાદનને કરલાભ અપાય એવી શકયતા પણ છે. આ સેકટર્સમાં ડિફેન્સ, ઈલેકટ્રોનિકસ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, એસએમઈ સેકટર, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રકચર, એજયુકેશન , ટેલિકોમ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને સરકાર ઉત્પાદન વધારવા માટે નાના અને મધ્યમ કદના સાહસોને પ્રથમ ત્રણ વરસ કર મુકિત આપવા વિચારે છે. આ ઉપરાંત સોના -ચાંદી પરની કસ્ટમ ડયુટી દસ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની ભલામણ પણ છે તો સાથે -સાથે ડિફેન્સ અને એરોસ્પેસ પ્રોડકટસના સ્થાનિક ઉત્પાદકોને ટેકસ હોલીડે ઓફર કરવાની વાત પણ છે. ટેલીકોમ અને ઈલેકટ્રોનિક ઉત્પાદકોને આકર્ષવા સરકાર ટેકસ બેનિફીટ આપવા તૈયાર છે. સરકાર જેમાં ફિનિશ્ડ -તૈયાર માલો પર કરબોજ ઘટે એ માટે ડયુટી સ્ટ્રકચર સુધારવા પણ સજજ થઈ રહી છે. સરકાર એરલાઈન્સ અને રેલ્વે તેમ જ શિપીંગ ઉધોગ માટે પણ એક યા બીજા પ્રોત્સાહન વિચારી રહી છે. બજેટમાં સરકાર ક્રુડ ઓઈલ પરની કસ્ટમ ડયુટી ફરી લાગુ કરે એવી સંભાવના છે.આ માર્ગે સરકાર આશરે ૧૪૦૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ મેળવવાનો અંદાજ રાખે છે.