ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : મંગળવાર, 20 ઑક્ટોબર 2015 (10:57 IST)

ગુજરાતનો ગરબો 'અવિનાશી' છે, જાણો ગરબા વિશે અવનવુ

મોહેંજો-દડો- હડપ્પા, શ્રીમદૂ ભાગવદ'' થી માંડીને આમીરખાનની ''લગાન'' સુધી જીવંત રહેલો...ગરબો...

ગુજરાતની અસ્મિતા સમો ગરબો, ગુજરાતની આગવી ઓળખ છે ગુજરાતની યુવતીઓ અને ગૃહિણીઓને ગરબાએ ઉર્મિથી ધબકતા રાખ્યા છે કારણ કે ગરબો ગુજરાતણનો છે...

ગુરૂદેવ રવિન્દ્રનાથે કહ્યું છે કે જયાં શબ્દનું સામર્થ્ય સમાપ્ત થાય છે ત્યાંથી સંગીત શરૂ થાય છે. તેને જરા આગળ ખેંચીએ તો સંગીત સાથે તાળી, ચપટી અને સ્ત્રીનું લાલિત્ય ભળે છે ત્યારે ગરબો શરૂ થાય છે. ગુજરાતની અસ્મિતા, સમો ગરબો, ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતની શહેરીગૃહિણીઓ, યુવતીઓ અને ગ્રામ્ય ગૃહિણીઓને ગરબા એ ઊર્મિથી ધબકતા રાખ્યા છે કારણ કે ગરબો ગુજરાતણનો છે. તારલા મઢેલી રઢિયાળી નવરાતરની રાતોમાં નાની છોકરીઓથી માંડી વૃદ્ધાઓ સુધી સૌ પોત પોતાની રીતે ગરબામાં ખોવાઇ જાય છે અને એક જબજસ્ત ભકિત અને આનંદનું માહોલ રચાય છે તે જ નવરાત્રીના પર્વોનું સાતત્ય ગણી શકાય. ગરબો અને સ્ત્રી એકબીજા સાથે અભેઘ રીતે જોડાયેલા રહ્યા છે.

ગરબાની સાદી વ્યાખ્યા કરીએ તો ગાગર કે કોરેલો ઘડો જેમાં દીવો મૂકીને ફરતે ગોળ વર્તુળાકારે સ્ત્રીઓ લયબદ્ધ રીતે ફરે. ગરબાનું સ્થાપન એટલે આઘશકિતનું સ્થાપન. તે અંગે અનેક દંતકથાઓ છે. આસુરી તત્વો સામેનું મારણ એટલે આઘશકિત. જયારે જયારે શકિતની પરાકાષ્ટા મેળવવી હોય ત્યારે ત્યારે સ્ત્રી શકિતનો ઉપયોગ થાય છે. ગરબાની વ્યાખ્યા ગુઢાર્થમાં જોઇએ તો આ ઉપાસના પાછળ સંતાન પ્રાપ્તિનો હેતુ છે. ગર્ભદીપમાં ગર્ભ, ગર્ભાશયનું પ્રતીક છે અને દીવો ગર્ભમાં ઉછરતા સંતાનનું પ્રતીક છે. આ કારણસર લગભગ દરેક જગ્યાએ ગરબા સાથે સ્ત્રી સંકળાયેલી જોવા મળે છે.

ગરબાની ઉત્પત્તિનો ઉલ્લેખ હડપ્પા અને સીંધ સંસ્કૃતિથી જોવા મળે છે. તે દરમ્યાન ખોદકામમાંથી મળી આવેલા નળાકાર ઘડા ગરબાની હયાતિ હતી તેની સાક્ષી પૂરે છે. લોથલ ગામમાંથી પણ તે અવશેષ મળી આવ્યા છે. કાલીદાસના માલવીકાઅગ્નિ મિત્રમૂ નાટકમાં અને મહાભારતમાં કૃષ્ણની રાસલીલા ગરબો આદિકાળની ઉત્પત્તિ હોવાની સાક્ષી પૂરે છે.

શ્રાદ્ધના દિવસોમાં પિતૃ- પૂર્વજોનું તર્પણ કર્યા પછી મૃત્યુનું સાતત્ય સમજ્યા પછી નવરાત્રીનો તહેવાર આવે છે. નવરાત્રીના તહેવારોનું હાર્દ છે આનંદ અને ઉલ્લાસ. સ્ત્રી પોતાના સઘળા દુ:ખો ભૂલીને સૈયરો સાથે ગરબે ઘૂમવા લાગી જાય છે. આ ગરબો એટલે ગોરીની તાળી, ચપટી ઠેશ, લચક, કાવ્ય અને સંગીતનો સંગમ.

ગરબામાં સ્ત્રીઓ જે તાળી મારી લયબદ્ધ રીતે ઘૂમે છે તેના પર જ તેની રમઝટ ઝામે છે. તેનાથી ગરબાની લય જળવાય છે. ગરબો એકતાલીનો, બેતાલીનો ત્રણતાલીનો હોય છે. તાળીની લય સાથે અંગનું ડોલન થાય છે આથી સ્ત્રીઓનું લાલિત્ય પણ જળવાય છે. તાળી સાથે ખાલી સમને જાળવા ને વિવિધતા ઉમેરવા ચપટીનો ઉપયોગ પણ થાય છે. ઘણીવાર ચપટીની જગ્યાએ મંજીરા પણ વપરાય છે. ગોરીના ગરબે ઘૂમતા ઘૂમતા લચક અને ઠમકા પરતો સાહિત્યો રચાયા છે. પગથી મરાતી ઠેશ અને લચક લેતી વખતે આખું શરીર ડોલે છે. ત્યારે ગરબાની પરાકાષ્ઠા આવે છે.

ગરબામાં આ ઉપરાંત કાવ્ય અને સંગીતનું મહત્વ પણ તેટલું જ છે. પહેલ વહેલા ગરબાના રચઇતા વલ્લભ મેવાડા તેમની કૃતિમાં આઘશકિતની સાથે ગરબાનો વૈભવ પણ જળવાય છે.

માથે કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી,

માંહે રત્નો દીવને કીધો રે, રંગમાં રંગતાળી

આ પછી દયારામ, દલપતરામ, ભાણ, પ્રીતમદાસ, જેવા આઘકવિઓ, નરસિંહ-મીરા જેવા મધ્યકાલીન કવિઓના ગરબામાં સાહિત્ય ખાસ જળાઇ રહ્યું છે. આ ઉપરાંત આઘ કવિ નાન્હાલાલ. જેવા કવિઓનાં પ્રિય વિષયોમાં પ્રિયમતમ, દેરાણી-જેઠાણી, સાસુનણંદી જેવા કૌટુમ્બિક પાત્રો અને કૃષ્ણરાધા જેવા પ્રેમી ઐત્યાસિક પાત્રોની આસપાસ ગરબાના વિષયો ગૂંથાયેલા રહ્યા છે. ગરબો પ્રાચીન હોય કે અર્વાચીન શબ્દો સાંભળતા અને ઢોલીનો થડકાર સાંભળતા જ ગરબે ઘૂમવાનું મન થઇ આવે છે.

 

આગળ જાણૉ ગરબા વિશે વધુ


P.R


સ્ત્રીઓ મોટેભાગે નવરાત્રી અથવા કોઇ ધાર્મિક પ્રસંગે ગરબાનું સ્થાપન જુદી જુદી રીતે કરે છે તેમાં ઘડો જેને 'ગરબો' કહેવાય છે તે ખૂબ પ્રચલીત છે. બેવાર સ્નાન કરી તેની પૂજા કરી સ્ત્રીઓ તેની આસપાસ અથવા બેઠા ગરબા ગાય છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને કચ્છની બહેનો ઝાગ તે માંડવીની સ્થાપના કરે છે. જેમાં બેઠકની ફરતે ઊંચી કમાનો કરી ઉપર કોડીયું કે ગરબો મુકાય છે. મઢની સ્થાપનામાં બેઠક પર ચારે ખૂણે કેળના લાંબા પાંદડા અથવા વાંસની પટ્ટીઓ બાંધી તેની ઉપર રેશમી સાડી બાંધી માતાજીનું સ્થાપન કરે છે. રોજ તેની આસપાસ હીંચ, દમચી, ઝુલીયા પ્રકારના ગરબા કરે છે. આ ઉપરાંત ગરબીનું સ્થાપન થાય છે અને કોઇ જગ્યાએ જવારા વવાય છે.

ગરબામાં વેશભૂષા મહત્વનો ભાગ ભજવે છે. જૂના સમયમાં નવરાત્રીમાં 'અમર' એટલે ભારે સાડી પહેરી ગરબા ગવાતા. ત્યારપછી કોર ચોડેલા 'સાળુ' અથવા જરીની બુટ્ટી વાળી ચંદેરીની ફેશન આવી. આજે યુવતીઓ રંગબેરંગી ચણીયાચોળી પહેરે છે. નવરાત્રી ને ખાસ કલરફૂલ ઉત્સવ કહેવાય છે. યુવતીઓના પહેરવેશને કારણે આજે એક સાથે હજાર યુવતીઓ ગરબા ગાતી ફરે છે. પણ દરેકની ચણીયાચોળીના પેટર્ન જુદી જુદી હોય છે.

ગરબાના બહુધા પ્રકારો છે. ગરબી તેમાં સૌથી લોકપ્રિય છે. તેમાં પુરૂષો પણ સ્ત્રીઓ સાથે ભાગ લે છે. પુરૂષો અને સ્ત્રીઓ સામસામી અથવા ચારચારના ગોળમાં તાળીઓ પાડતા હોય છે. બીજો પ્રકાર છે હમચી. આ પ્રકાર શઠ અને હુણોના વખતથી શરૂ થયેલો જણાય છે. શઠ લોકોનું વાહન ઘોડો હતું તેના પરથી સ્ત્રીઓ હમચી ખૂંદતી રાંદલ તેડે ત્યારે હમચી પ્રકારના ગરબા થાય છે. હીંચ એ બહુ જાણીતો પ્રકાર છે. જેમાં સ્ત્રી એક પગ ડાબી બાજુ અને જમણી બાજુ પર લંગડી કરતા હોય તેમ પગના તાલે અને ઠેકે નર્તન કરે છે. ભાલ અને પાંચલ પ્રદેશની બહેનો ટીટોડો પ્રકારનો ગરબો કરે છે. ટીટોડા પંખીની હલનચલન પરથી આ ગરબો આવ્યો છે. આ ઉપરાંત કચ્છની આહીર બહેનોનો તાડી ગરબો ખૂબ પ્રખ્યાત છે. ગરબા સાથે રાસને હંમેશા જોડવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બહેનો જે રાસ રમે છે તેને રાસડો કહેવાય છે. કાઠીયાવાડી સ્ત્રીઓ મોટા અવાજે રાસડાઓ ગાઇને એક તાલે તાલીઓ સાથે રાસડા લે છે. તેમાં ફરતા ફરતા ગાવાના રાસડા અને ઊભા ઊભા ગાવાના રાસડા એમ બે પ્રકાર છે. ઘણીવાર કોળી કોમની સ્ત્રીઓ રાસ રમતી વખતે હાથમાં રૂમાલ, ભરેલી છત્રીઓ રાખે છે. ભરવાડોના નેસડામાં રબારણોના ગરબા જેવા લાયક હોય છે. શીસ્તબદ્ધ રીતે ગવાતા ગરબામાં ગીતનું મહત્વ હોતું નથી. ઠેસ, તાળી અથવા બોઘરણા સાથે ગરબા ગવાય છે. તાલ, અંગડોલન, હાથના હીલોળા મુખ્ય હોય છે. આ ઉપરાંત ટીપ્પણી, મટીકનો ગરબો, દીવાનો ગરબો, ચંગનો ગરબો વગેરે વિવિધ પ્રકારના ગરબા શેરીથી માંડી સ્ટેજ અને પાર્ટીપ્લોટો કે કલબમાં ગવાય છે. આજકાલ યુવાન વર્ગમાં હૂડો, પોપટીયું અને દોઢીયું પ્રકારના ગરબા પ્રખ્યાત છે.

ગુજરાતના ગરબાને અનુરૂપ દરેક રાજ્યોમાં તાળી સાથે નૃત્યો થતા હોય છે જેને જુદા જુદા નામે ઓળખાય છે. કેરાલામાં તેને કૈકોટીકલી કહે છે જેમાં સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રો પહેરી, જાસ્મીનના ફૂલો વાળમાં નાખી વર્તુળાકારે તાલબદ્ધ રીતે તાળીઓ પાડીને ગાય છે. ડાંગરનો પાક તૈયાર થાય છે ત્યારે ત્રણ દિવસના ઉત્સવમાં કર્ણાટકમાં સ્ત્રીઓ વિષ્ણુ અને ગણપતી વર્તુળાકારે ઘૂમે છે. તેને કુમ્મી કહે છે. તામીલનાડુમાં દોરી, દોરડા કે રીબીનો બાંધી ગોળગોળ ફરીને સ્ત્રીઓ જોડીમાં ગૂંથણી કરે છે તેને કોલોટ્ટમ કહે છે. આંધ્રમાં ગરબા માથે મુકીને સ્ત્રીઓની જેમ બોઘરણા મૂકીને સ્ત્રીઓ વર્તુળાકારે ફરે છે જેને લેબારડી નૃત્ય કહે છે. ગરબાની ખૂબ નજીકનું રાજસ્થાનનો ઘુમ્મર છે. રંગીન ચણીયાચોળી પહેરી, આભૂષણોથી સજ્જ સ્ત્રીઓ તાલબદ્ધ, લયબદ્ધ રીતે ગોળગોળ ફરે છે કાશ્મીરમાં 'રોફ', પંજાબમાં 'ગીધા', મણિપુરમાં 'ખૂબાઇસઇ' તરીકે ઓળખાય છે.

ગુજરાતનો ગરબો વિવિધ સ્વરૂપો બદલતો રહે છે. વીસમી સદીના પહેલા બે દાયકા સુધી નવરાત્રી ઉત્સવ હતો હવે મનોરંજન બન્યો છે. પરંતુ તેનો ઉમંગ અને ઉત્સાહ એના એજ જળવાઇ રહ્યા છે. ગુજરાતનો ગરબો 'અવિનાશી' છે.