શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By જનકસિંહ ઝાલા|

નવરાત્રિ અને અવાજ પ્રદુષણ

ક્યારેય તમે ખુદને એ પ્રશ્ન પુછ્યો છે કે, તમારો કાન કેટલી હદ સુધીનો અવાજ સાંભળી શકે છે ? જાણકારોનું કહેવું છે કે, 130 ડેસીબલ સુધીનો અવાજ સાંભળવા માટે મનુષ્યનો કાન સક્ષમ છે
W.D
W.D
પરંતુ તેનાથી વધુ ડેસીબલનો અવાજ સાંભળવામાં આવે તો ?


હવે પછીના જેટલા પણ પર્વો આવી રહ્યાં છે તે તમામ પર્વો તમારા કાનના પડદા પર આક્રમણ કરનારા પર્વો છે. નવરાત્રિ અને દુર્ગાપૂજાને તો હવે માત્ર આંગળીના વેઠે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યાં છે અને દીવાળીને પણ હવે વધુ વાર નથી.

કલ્પના કરો એ નવ રાત્રિની જેની દરેક રાત્રે આપના કાન જોર-શોરથી વાગનારા લાઉડ સ્પિકરોના અવાજ સાથે લડતા-ઝઝૂમતા હશે. જો તમે એ તરફ ધ્યાન ન આપ્યું તો તમારા બહેરા થવાની સો ટકા સંભાવના છે એટલું જ નહીં પરંતુ આ અવાજનું પ્રદુષણ આપને હાઈ બ્લડ પ્રેશરનો પણ ભોગ બનાવી શકે છે. આપના સ્ટ્રેસ (તણાવ) અને ડિપ્રેશનના ગ્રાફને પણ ઊંચો કરી શકે છે. પુરૂષોને તો વધુ સાવચેત રહેવાની જરૂરિયાત છે કારણ કે, અવાજનું પ્રદુષણ તેમના કામ પર પણ અસર પાડી શકે છે. તેમનો સ્વભાવ ચિડિયો બનાવી શકે છે.

જો તમે આ અંગે બેજવાબદાર રહ્યાં તો એ સમય પણ દૂર નથી જ્યારે વિરોધીઓ તમારી પીઠ પાછળ વાતો કરવાને બદલે તમારી સામે જ વાતો કરતા હશે. કારણ કે, તેઓ જાણતા હશે કે, તેઓ જે પણ બોલી રહ્યાં છે તેમાનો એક પણ શબ્દ સાંભળવા માટે તમે સક્ષમ નથી અર્થાત વધુ પડતા અવાજના કારણે તમે બહેરા થઈ ચૂક્યાં છો.

માટે આજે જ ચેતી જાવો ? ઘોંઘાટિયા પર્વોથી આપના કાનોને બચાવો ? અહીં હું અમુક મુદ્દાઓ ટાંકી રહ્યો છે જે તમામ ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે ધ્યાનમાં લેવા છે. આ એ જ મુદ્દાઓ છે જે આપના કાનોને વધુ પડતા ઘોંઘાટ સામે રક્ષણ આપશે.

(1) ગરબા સંચાલકોની એ પ્રથમ જવાબદારી છે કે, તે નિયમાનુસાર રાત્રિના 12 વાગ્યા સુધીમાં પોતાના કાર્યક્રમ બંધ કરી દે.
(2) સામાન્ય રીતે એક ચોકમાં અથવા એક જ શેરીમાં બે ત્રણ સ્થળોએ ગરબીના આયોજન કરવાના બદલે સાથે મળીને એક આયોજન કરવામાં આવે તો અવાજ પણ નિયંત્રણ લાવી શકાય છે.
(3) નિયમાનુસાર ગરબાના આયોજકોને રહેણાક વિસ્તારમાં 80થી 90 ડેસીબલ સુધીના અવાજની મંજૂરી આપવામાં આવે છે. તેઓએ એ મુજબ જ અનુસરવું જોઈએ.
(4) જો કોઈ સ્થળે વધુ પડતો ઘોંઘાટ થતો હોય તો આપની એ પ્રથમ ફરજ બને છે કે, કંઈ પણ ન કરી શકો તો કોઈ વાંધો નહીં પરંતુ અડધી કલાકની અંદર એ સ્થળ જરૂર છોડી દો.
(5) ઈકો સાઉન્ડ કાનને વધુ નુકસાન પહોંચાડે છે માટે જરૂર હોય તો જ ઈકોનો ઉપયોગ ટાળો અને એવા સાધનો વિકસાવો જેનાથી ઘોંઘાટ ઓછો થાય.
(6) લાઉડ સ્પીકરો જેમ બને ઉંચા રાખો જેથી આસપાસના લત્તાવાસીઓને પરેશાની ન વેઠવી પડે.
(7) એજ્યુકેશન ઈંસ્ટીસ્ટ્યૂટ, કોર્ટ, વૃદ્ધાક્ષમ અને હોસ્પિટલના 100 મીટરના એરિયામાં આવા કોઈ પણ પ્રકારના મોટા આયોજનો ન કરો.
(8) જ્યાં વૃક્ષો હોય ત્યાં આ પ્રકારના આયોજન કરવાથી ફાયદો રહે છે કારણ કે, વૃક્ષો અવાજ પ્રદુષણને શોષી લે છે.
(9) શક્ય હોય તો ગરબા રમવા અથવા જોવા જતી વેળાએ રૂ ના પુંભડા કાનમાં અવશ્ય ભરાવીને રાખો.
(10) રાજ્ય સરકાર અમુક વિસ્તારોમાં એક નિયત ડેસીબલના અવાજમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપે છે. તેનું હમેશા પાલન કરો. તેનાથી વધુ ડેસીબલ અવાજમાં લાઉડ સ્પીકર વગાડવાનું દુ:સાહસ કદી પણ ન કરો.