બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (16:55 IST)

‘પાસ’ના અગ્રણીઓનું અમદાવાદમાં આમરણ ઉપવાસ

હાર્દિક પટેલ સહિતના પાસના અગ્રણીઓ તથા આંદોલનકારીઓને જેલમાંથી મુક્ત કરાવવાની માગણી સાથે બે પાટીદાર સરકાર ઉપર પ્રેશર ઊભું કરવા આમરણ ઉપવાસ પર બેઠા છે. પાટીદાર અનામત આંદોલન આજથી ફરી ઉપવાસ કાર્યક્રમ સાથે શરૂ થયું છે. નિકોલ અને વસ્ત્રાલ ખાતે પાસના દિનેશ પટેલ અને આશિષ પટેલ અનશન ઉપર ઊતર્યા છે. સરકાર તમામ પાટીદારોને જેલમુક્ત નહીં કરે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે તેમ પાસના આગેવાન અતુલ પટેલે જણાવ્યું હતું.
અનામતની માગણીને હાલ પૂરતી એક બાજુ રાખી પાટીદારો હાર્દિક સહિતના આંદોલનકારીઓને છોડાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આંદોલનકારીઓને છોડાવવા એક તબક્કે ઉપવાસ અને પ્રતીક ધરણાંનું આયોજન કરાયું હતું, પરંતુ સરકાર સાથે વાટાઘાટો શરૂ થતાં પારણાં કરી લીધાં હતાં.

હવે સરકાર સાથેની વાટાઘાટો પછી આંદોલનકારીઓને છોડવા અંગેનો કોઇ નિર્ણય નહીં લેવાતાં પાટીદારોએ ફરીથી રાજ્યવ્યાપી કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. જ્યાં સુધી હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત નહીં કરાય ત્યાં સુધી બંને પાટીદારો આજથી આમરણ ઉપવાસ ચાલુ રાખશે તેવી જાહેરાત પાસના સહકન્વીનર નિખિલ સવાણીએ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યભરની એક લાખથી વધુ પાટીદાર મહિલાઓ પણ અનામત અને આંદોલનકારીઓને જેલમાંથી છોડી મૂકવાની માગ સાથે મહેસાણા ખાતે એકત્રિત થશે, જેમાં ૧પ૦૦થી વધુ મહિલાઓ આગલા દિવસે રાત્રે રપ બસ દ્વારા સુરતથી મહેસાણા આવશે. પાટીદારોની વસ્તી જ્યાં વધુ હોય ત્યાં હાલમાં મહિલા મંડળોની મિટિંગ ર૮ ફેબ્રુઆરીના મહિલા સંમેલન માટે થઇ રહી છે.
પાટણ જિલ્લામાં કુલ ૩૪ કેસ અનામત આંદોલનના નોંધાયા હતા. તેમાંથી ૧૭ ગુનાનો નિકાલ કરી દેવાયો છે. આમ, નવરાત્રિમાં થાળી-વેલ વગાડીને આંદોલનને ટેકો આપનારી મહિલાઓ હવે હાર્દિક સહિતના આંદોલનકારીઓને છોડાવવાની માગને બુલંદ કરવા ર૮ ફેબ્રુઆરીએ મહેસાણામાં મહાસંમેલન કરશે.