મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (14:49 IST)

પાસના કન્વિનર હાર્દિકને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનવું હોવાનો ઘટસ્ફોટ

પાટીદાર અનામત આંદોલનમાં એક નવો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ હાલ ઉદયપુરમાં નજરકેદ છે. તેની ઉપર પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું તે ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે તેને સાઈકિક પણ કહ્યો હતો. હવે તેની ઉપર એક નવા આક્ષેપનો ખુલાસો થયો છે.

અભિવાદન કાર્યક્રમના આયોજક ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પટેલના મનસૂબા શું હતા તે જાહેર કરતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ડેપ્યુટી સીએમ બનવું હતું. બંને ઉદ્યોગપતિ દ્વારા હાર્દિકે સરકાર સાથે સોદાબાજી કરી હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. પાટીદાર અનામત આંદોલનના સમાધાન માટે એક સમયે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પટેલને અવારનવાર જેલમાં મળી મળી ચૂક્યા છે. હાર્દિકેની શરતો બાબતે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે જેલમાં તેને મળવા ગયા ત્યારે તેણે કહ્યું હતું કે, હાર્દિકે ઇબીસી (ઈકોનોમિક બેકવર્ડ કેટેગરી) માટે પણ તૈયારી દર્શાવી હતી. આ અંગે લેખિતમાં સમર્થન પણ આપ્યું હતું. એટલું જ નહીં હાર્દિકની રાજકીય મહેચ્છા રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનવાની છે. આ વાત તેને અમારી સમક્ષ જેલમાં કરી હતી. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે તેની તાજપોશી થાય એ માટે પણ દાવ ખેલ્યો હતો.

જેલમાં ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિકને રોજ ફળફળાદી આપવામાં આવતાં. રોજબરોજ ફળો ખાઇ ધરાઇ ચૂકેલા હાર્દિકે બે નંબરમાં ટિફિનની વ્યવસ્થા કરી આપવા પણ માંગણી કરી હતી. એટલું જ નહીં, ફંડના નામે આડકતરી રીતે રૂપિયાની માંગણી પણ હાર્દિક તરફથી થઈ ચૂકી છે. આ ઉપરાંત મહેશ સવાણીએ કહ્યું કે, હાર્દિક પટેલે આંદોલનના નામે અત્યાર સુધી કોની પાસે કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે, તેની પાઇ-પાઇનો હિસાબ અમારી પાસે છે. આ મુદ્દે સમાજ સામે ડિબેટ કરવા પણ તૈયાર છીએ. જો હાર્દિકમાં હિંમત હોય તો ડિબેટનો સામનો કરી બતાવે.