બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 14 જૂન 2016 (11:35 IST)

કોર્ટ જામીન આપશે તો હું 6 મહિના બહાર રહીશ - હાર્દીક પટેલ

હાર્દિક પટેલ સામે સુરત અને અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોના કેસમાં હાર્દિકે કરેલી જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં બંને પક્ષે દલીલો પૂર્ણ થતા કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો છે. હાર્દિક પટેલને જામીન અપાય તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તેવી દલીલ સરકારી વકીલ મિતેષ અમીને કરી હતી. જેની સામે હાર્દિકના વકીલ ઝુબીન ભારડાએ મૌખીક બાંહેધરી આપી હતી કે જો કોર્ટ હાર્દિકને જામીન આપે તો હાર્દિક રાજ્ય બહાર પણ રહેવા તૈયાર છે.

જામીન પર છુટ્યા પછી હાર્દિક ફરીથી વોટ્સએપ ગ્રુપ મારફત રાજ્યમાં તોફાનો કરાવશે તેવી દલીલ સરકારી વકીલે કરી હતી. સરકારી વકીલે 1952ના કેદારનાથના કેસનો દાખલો ટાંકીને કોર્ટને જણાવ્યું કે આ જજમેન્ટ મુજબ રાજદ્રોનો ગુનો એ સમાજ સામેનો ગુનો છે અને તેમાં હાર્દિકને સજા થવી જોઈએ. જેની સામે કોર્ટે હાર્દિકને વળતો સવાલ કર્યો હતો કે સરકારને હાર્દિકથી આટલો બધો ડર કેમ લાગે છે? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી સરકારની છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.

25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાટીદાર રેલી યોજાયા બાદ રાજ્યભરમાં જે તોફાનો ફાટી નીકળ્યા તે સમયે તેમજ ત્યારપછીના તોફાનો વખતે હાર્દિક વોટ્સએપ ગ્રુપ મારફત પાસના કન્વીનરોના સતત સંપર્કમાં હતો. તેથી રાજ્યભરમાં હિંસા ફેલાવવા અંગેના મેસેજથી હાર્દિક જાણતો હોવા છતાં તેણે લીડર તરીકે હિંસાને રોકવાનો પ્રયાસ કર્યો નહી. જે દર્શાવે છે તેનો ઈરાદો મલીન હતો. સરકારી વકીલે આ માટે હાર્દિક પટેલ અને અમરીષ પટેલ વચ્ચેની વાતચીતના કોલ રેકોર્ડ પણ રજૂ કર્યા હતા. હાર્દિકે પોલીસ પર હુમલો કરવા તેમજ હથિયારોની ખરીદી કરવા આદેશ કર્યો હોવાની વાતચીતના અંશો પણ રજૂ કર્યા હતા.

સરકારી વકીલે જણાવ્યું કે 25 ઓગસ્ટની પાટીદાર રેલી બાદ કલેક્ટર ખુદ આવેદનપત્ર સ્વિકારવા માટે જીએસડીસી ગ્રાઉન્ડ ખાતે ગયા હોવા છતાં હાર્દિકે તેમને આવેદનપત્ર આપવાની ના પાડી દીધી હતી અને ભાષણના અંતે તેણે વિવાદાસ્પદ ઉચ્ચારણો કર્યા હતા.

તેણે લાખોની પાટીદાર મેદનીને પુછયું હતુ કે જેલ ભરની હૈ, આઓગે ? રાજધાની રોકની હૈ, આઓગે ? આ પ્રકારનો સવાલ જ સૂચવે છે કે હાર્દિક પહેલેથી જ હિંસાની તૈયારી સાથે આવ્યો હતો. જોકે લાંબા સમયથી આ કેસમાં ચાલી રહેલી દલીલો પૂર્ણ થઈ છે અને કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો છે ત્યારે હવે કોર્ટ હાર્દિકને જામીન આપશે કે કેમ? તે તરફ સૌની મીટ મંડાયેલી છે.