શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 10 ઑક્ટોબર 2015 (17:01 IST)

હાર્દિક પટેલે અનામતની માગણી સાથે ફરી રણશિંગું ફૂંકતા રાજકીય ક્ષેત્રે ગરમાવો

અનામતની માગણી સાથે પાટીદારોની સરકાર સામે ચાલી રહેલી લડતના બીજા દોરમાં આજે અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરી અનામતની માગણી સાથે રાજ્ય સરકાર સામે ફરી રણશિંગું ફૂંકતા રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવ્યો છે.

આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પાટીદારોનું મહાસંમેલન યોજવામાં આવશે તેમજ સરકાર દ્વારા સ્વતંત્ર રીતે પાટીદાર અાયોગની રચના કરવામાં આવે તેમજ પોલીસ દમનની તપાસ માટે પણ સમિતિની રચના કરવામાં આવે તેવી માગણી કરાઇ હતી. ઉપરાંત તેણે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા કે છેલ્લા ૧૧૦ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે છતાં પણ સરકાર અમારી માગણી કેમ નથી સ્વીકારતી તેનો ખુલાસો લેખિતમાં કરે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના અાદેશ છતાં પાટીદારો પર દમન ગુજારનાર પોલીસ સામે કેમ પગલા લેવાતા નથી.

હાર્દિક પટેલે રાજ્યના મુખ્યપ્રધાન તેમજ વડા પ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર ગુજરાત મોડલનો દેશમાં ખોટો પ્રચાર કરે છે અને ખેડૂતનાં હિતની ખોટી વાતો કરવામાં આવી રહી છે. મહિલા મુખ્યપ્રધાનના રાજમાં મહિલાઓ પર ખોટા કેસ કરવામાં આવે છે. આગામી ચૂંટણીઓમાં પાટીદારોનું સ્ટેન્ડ સમાજ નક્કી કરશે. પટેલ મહિલાઓને ગોંધી રાખનાર સરકાર સરમુખત્યાર છે. ૧૧ ઓક્ટોબરે રતલામમાં પાટીદારોની મહાપંચાયત યોજાશે. ૨૨ ઓક્ટોબરે મહેસાણામાં શસ્ત્ર પૂજન કરાશે.
યાકુબ મેમણની અંતિમ યાત્રા વખતે કલમ ૧૪૪ લાગુ નહોતી કરાઇ ત્યારે શ્વેતાંગની અંતિમ યાત્રામાં શા માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી તેના પર સવાલો ઉઠાવ્યા હતા. ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ૧૮ ઓક્ટોબરે રાજકોટમાં રમાનારી ભારત દ.આફ્રિકાની વન ડે મેચમાં પાટીદારો જય સરદાર અને જય પાટીદારના નારા સાથે પ્રદર્શન કરશે. પાટીદારો દ્વારા ૨૫ હજાર ટિકિટ ખરીદવામાં આવી છે અને મેચમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર મેચ રમવામાં આવશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.

કોંગ્રેસ પક્ષ પર પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ભલે પાટીદાર અનામત આંદોલનને ટેકો જાહેર કરતો હોય, પરંતુ તેમના વિશે કોઇ વાત કરવી નથી, કારણ કે ૬૦ વર્ષ સુધી કોંગ્રેસ પક્ષ શાસન કરતો હતો. તેમણે પણ કંઇ કર્યું નથી. વધુમાં તેણે જણાવ્યું કે હાલમાં ૩૨૬ જેટલા પાટીદાર જેલમાં છે.