શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી-દેશના લોકલાડીલા વડાપ્રધાન
Written By
Last Modified: શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (15:31 IST)

નરેન્‍દ્ર મોદીજી તરી ગયા, પણ...તેમના પુસ્તકો ડુબી ગયા

મુંબઈમાં બે અઠવાડિયા અગાઉ એક ભપકાદાર સમારંભમાં માનવસંસાધન પ્રધાન સ્‍મૃતિ ઇરાનીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર એક પિક્‍ચર બુકનું વિમોચન કર્યું હતું, જેમાં નરેન્‍દ્ર મોદીની વડનગરથી ૭, રેસ કોર્સ, નવી દિલ્‍હી સુધીની સફરની અત્‍યાર સુધીની દુર્લભ તસવીરો હતી. લગભગ ૧૫ દિવસ અગાઉ નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ નવી દિલ્‍હીમાં મોદી પર ‘બીઇંગ મોદી' નામના કોફી-ટેબલ પુસ્‍તકનું વિમોચન કર્યું હતું. મોદી વડાપ્રધાન બન્‍યા પછી લગભગ સાડા ત્રણ મહિનામાં તેમના વિવિધ ભાષામાં આશરે ૮૦ પુસ્‍તકો પ્રકાશિત થયાં છે, જેમાં મોટા ભાગના પુસ્‍તકો ભૂતપૂર્વ પત્રકારો, વકીલો, રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર્તાઓ દ્વારા લખાયાં છે. પણ સૌથી મોટી વાત એ છે કે મોટા ભાગના પુસ્‍તકોનું વેચાણ રિટેલ બજારમાં લગભગ નહીંવત્‌ છે.

   અત્‍યારે બજારમાં રૂ. ૪૫થી રૂ. ૫૦૦ સુધીની કિંમતમાં મોદીના જીવનના વિવિધ પાસાં ઉજાગર કરતા આશરે ૮૦ પુસ્‍તકો ઉપલબ્‍ધ છે. તેમાં હિંદી ભાષામાં ‘દૂરદૃષ્ટા નરેન્‍દ્ર મોદી', ‘ઘર ઘર મોદી', ‘ભવિષ્‍ય કી આશા - નરેન્‍દ્ર મોદી કા રાજનીતિક સફર', ‘નરેન્‍દ્ર મોદી - સંઘર્ષ સે શિખર તક', ગુજરાતી ભાષામાં ‘સ્‍વર્ણિમ ગુજરાતના મોદી, મહાનાયક નરેન્‍દ્ર મોદી'અને ‘પ્રેરણામૂર્તિ નરેન્‍દ્ગ મોદી'જેવા પુસ્‍તકો સામેલ છે. અંગ્રેજીમાં ‘નરેન્‍દ્ર મોદી, યસ હી કેન', ‘મોદી - મેન ઓફ ડેવલપિંગ ઇન્‍ડિયા', ‘મોદી ડીમિસ્‍ટિફાઇડ'વગેરે શીર્ષક સાથેના પુસ્‍તકો ઉપલબ્‍ધ છે. તેમની જીવનકથાઓનો ચાઇનીઝ અને ફ્રેન્‍ચ ભાષામાં પણ અનુવાદ થઈ રહ્યો છે.

   જે જનતાએ ચૂંટણીમાં નરેન્‍દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્‍યા તેમને જ તેમના પરના પુસ્‍તકોમાં રસ નથી અને ઇ-કોમર્સ કંપનીઓ નરેન્‍દ્ર મોદી પરનાં પુસ્‍તકો પર ૪૦ ટકા સુધીનું ડિસ્‍કાઉન્‍ટ આપી રહી છે, જેથી આ પુસ્‍તકોના વેચાણને વેગ મળે. દિલ્‍હી સ્‍થિત બુકસેલર અને વિતરક ફકિર ચંદ એન્‍ડ સન્‍સના માલિક અનુપ કુમારે કહ્યું હતું કે, ‘મોદી પર જેટલાં નવાં પુસ્‍તકો પ્રકાશિત થયાં તે બધાં કરતાં એકમાત્ર ‘ધ એક્‍સિડન્‍ટલ પ્રાઇમ મિનિસ્‍ટર'(મનમોહન સિંઘ પર સંજય બારુ દ્વારા લિખિત)ની નકલો વધુ વેચાઈ છે. અમે મોદી પરના પુસ્‍તકોની મોટા ભાગની નકલો પ્રકાશકોને પરત મોકલી દીધી છે, કારણ કે મોદી પરના પુસ્‍તકોની માગ અત્‍યંત ઓછી છે.' તેમના જણાવ્‍યા મુજબ, મોદી પર ફક્‍ત ત્રણ પુસ્‍તકો - નિલાંજન મુખોપાધ્‍યાય લિખિત નરેન્‍દ્ર મોદી : ધ મેન, ધ ટાઇમ્‍સ, કિંગશુક નાગ દ્વારા લિખિત ધ નમો સ્‍ટોરી, અ પોલિટિકલ લાઇફ અને મેરિનોની મોદી પરની બાયોગ્રાફી- ઠીકઠીક વેચાય છે.

   નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્‍યા છે તેમના પરના પુસ્‍તકો બજારમાં મોટા પાયે ઠલવાઈ રહ્યાં છે. નવાઈની વાત એ છે કે, મોદીના બોડીગાર્ડ પ્રબીર મહંતીએ પણ વહેતી ગંગામાં હાથ ધોયા છે અને ‘મોદી ઔર મેં'શીર્ષક સાથે એક પુસ્‍તક લખી નાંખ્‍યું છે. મહંતી એનએસજીમાં આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડન્‍ટ હતા અને વર્ષ ૨૦૦૬થી ૨૦૦૭માં મોદીના સુરક્ષા કાફલામાં સામેલ હતા. તેમણે મોદીની કાર્યશૈલી અને અન્‍ય લોકો પ્રત્‍યે તેમના અભિગમનું મૂલ્‍યાંકન પોતાની આગવી દૃષ્ટિએ કર્યું છે.