શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2017 (16:37 IST)

આગામી વર્ષ સુધીમાં ભારતનું એક પણ ગામ વીજળી વિનાનું નહીં હોય : મોદી

મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બાવનમી એન્યુઅલ જનરલ મિટીંગનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. ૮૧ સભ્ય દેશોના ૩૦૦થી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત આફ્રિકાની બહાર યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠકને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, ભારત ભલે રમતના ક્ષેત્રમાં લાંબી રેસમાં આફ્રિકાની બરોબરી ના કરી શકે, પરંતુ આફ્રિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબા સમયગાળા સુધી ખભેખભા મિલાવીને જરૂર દોડી શકશે. તેમણે બેઠક સફળ અને ફળદાયી રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી. ‘કૃષિ રૂપાંતરણથી આફ્રિકન દેશોમાં સમૃદ્ધિ નિર્માણ’ની થીમ પર આયોજિત આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠકના શુભારંભ સમારોહમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતે રેલવે, હાઈ-વે, પાવર અને ગેસ પાઈપલાઈન જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં, મૂડીરોકાણમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. આગામી વર્ષ સુધીમાં ભારતનું એક પણ ગામડું વીજળીકરણ વિનાનું નહીં હોય. ‘ક્લીન ગંગા’, પુન:પ્રાપ્ય ઊર્જા, ડીજીટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટી, દરેક માટે ઘર અને સ્કીલ ઈન્ડિયા ઝુંબેશથી સ્વચ્છ, સમૃદ્ધ અને વિકાસશીલ ‘નૂતન ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે. આવનારા સમયમાં ભારત ક્લાઈમેન્ટ ફ્રેન્ડલી વિકાસ માટે ઉદાહરણરૂપ ‘ગ્રોથ એન્જિન’ બને એવું અમારું લક્ષ્ય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વ્યાપાર પ્રવૃત્તિ માટે વિખ્યાત ગુજરાતીઓ આફ્રિકા પ્રત્યેના પ્રેમ માટે પણ પ્રખ્યાત છે. એક ભારતીય તરીકે અને વિશેષ કરીને એક ગુજરાતી તરીકે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની બેઠક ભારતમાં-ગુજરાતમાં યોજાઈ રહી છે. તેમણે પૂર્વીય આફ્રિકા સાથે ગુજરાત અને ભારતના ઐતિહાસિક અનુસંધાનો અને સામ્યતાઓ વર્ણવીને કહ્યું હતું કે, આ બેઠક આબિદજન અમદાવાદ સાથે જોડશે. બામકો અને બેંગ્લોર વચ્ચે બિઝનેસ લિન્ક સ્થપાશે. ચેન્નાઈ અને કેપટાઉન ક્રિકેટીંગ લિન્કથી કનેક્ટ થશે. દિલ્હી અને દાકર ડેવલપમેન્ટ લિન્કથી જોડાશે. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આફ્રિકા સાથેની ભારતની પાર્ટનરશીપ શ્રેષ્ઠ વિકાસ સહયોગના પાયા પર રચાયેલી છે, જે આફ્રિકન દેશોની જરૂરિયાતોની પરિપૂર્તિ કરશે. આ સહયોગ આફ્રિકન દેશોની આવશ્યકતા અનુસાર અપેક્ષા રહિત રહેશે.  છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છ આફ્રિકન દેશોની મુલાકાત લીધી છે. ભારતના રાષ્ટ્રપતિએ ત્રણ આફ્રિકન દેશો અને ઉપરાષ્ટ્રપતિએ સાત આફ્રિકન દેશોની મુલાકાત લીધી છે. આ બાબતે ગર્વ અનુભવતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતના મંત્રીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં આફ્રિકાના એક-એક દેશની મુલાકાત લીધી છે. વર્ષોથી મોમ્બાસા અને મુંબઈ વચ્ચે વ્યાપારિક અને સામુદ્રીક વ્‍યાપારના સંબંધો રહ્યાં છે, પરંતુ આ એન્યુઅલ મિટીંગથી ભારત અને આફ્રિકાના સંબંધો વધુ પ્રગાઢ બનશે.  આફ્રિકાના વિકાસ માટે ભારત દેશ અમેરિકા અને જાપાન સાથે પણ કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, જાપાનની મુલાકાત દરમિયાન તેમણે આ અંગે વડાપ્રધાન શ્રી આબે સાથે વાત કરી હતી અને સંયુક્ત નિવેદનમાં એશિયા-આફ્રિકા ગ્રોથ કોરિડોરની હિમાયત કરી હતી. તેમણે ભારતીય અને જાપાનીઝ સંસ્થાઓ દ્વારા તૈયાર થયેલા વિઝન ડોક્યુમેન્ટની પણ નોંધ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની પેરિસમાં યોજાયેલી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં જાહેર કરાયેલી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે આફ્રિકન દેશોના પ્રોત્સાહક પ્રતિભાવની પણ નોંધ લીધી હતી. કેન્દ્રીય મંત્રી  અરુણ જેટલી જણાવ્યું હતું કે ભારત અને આફ્રિકા વચ્ચે ડેમોગ્રાફિક સામ્યતા તો છે જ પરંતુ સાથે સાથે સામાજિક અને આર્થિક વિકાસ માટેના પડકારો પણ સરખા છે. ત્યારે ભારત અને આફ્રિકા વચ્ચેનો વ્યાપાર વિકાસ અને આર્થિક સંબંધો નવા આયામો પ્રસ્થાપિત કરશે.  જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત આજે મોટા રોકાણકાર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ભારત અને આફ્રિકા વચ્ચેનો દ્વિપક્ષીય સંબંધો વિશેષ તકો નિર્માણ કરશે. વિશ્વમાં ‘‘બ્રાઈટ સ્પોટ’’ તરીકે ભારત પ્રસ્થાપિત થયું છે. વર્ષ-૨૦૧૭માં ભારતનો વિકાસદર ૭.૨ ટકા છે અને વર્ષ-૨૦૧૮માં તે ૭.૭ ટકા સુધી વધવાની આશા છે. જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને આફ્રિકા વચ્ચે અનેક સામ્યતાઓ છે ત્યારે ભારત અને આફ્રિકા વિકાસ માટે પોતાનું ભવિષ્ય ઘડી શકવા સમર્થ છે. આફ્રિકાનો ઉલ્લેખ કરી શ્રી જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, આફ્રિકામાં મોટા રોકાણકાર એવા પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે સાથે સાથે આફ્રિકન શહેરોના વિકાસની નવી તકો ઉભી થઈ છે. ૨૧મી સદી એશિયા અને આફ્રિકાની સદી છે એમ તેમણે ઉમેર્યું હતું.  જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે દેશમાં કરદાતાઓની સંખ્યા વધારી જી.એસ.ટી. બીલ, એન.પી.એ. ઘટાડાથી કાળા નાણાંને ડામવા જેવા અનેક સુધારાઓ અપનાવ્યા છે. ભારતમાં કૃષિક્ષેત્રે વધુ વિકાસની વિશાળ તકો છે ત્યારે ભારત અને આફ્રિકા વચ્ચે સિંચાઈ, જળ વ્યવસ્થાપન, ફૂડ પ્રોસેસિંગ, કઠોળની ખેતી જેવાં ક્ષેત્રોમાં વધુ આદાન પ્રદાન થઈ શકે તેમજ બંને દેશો એકબીજા પાસેથી આ બાબતે વધુ વિકાસની પદ્ધતિઓ અપનાવી શકે છે.