શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (14:15 IST)

વડોદરામાં જનરલ મોટર્સનો પ્લાન્ટ બંધ, કર્મચારીઓને બદલીના ઓર્ડર અપાયા

હાલોલ ખાતે આવેલ જી.એમ.મોટર્સ પ્લાન્ટને આજે સત્તાવાર જીએમ ઇન્ડિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેકટરની હાજરીમાં બંધ કરી દેવાયો હતો. પ્લાન્ટને બંધ કરતાં પૂર્વે કંપનીએ 35 કર્મચારીઓ કે જેઓ વીઆરએસ લેવા માંગતા હતા તેમને વીઆરએસ આપ્યું હતું. બાકીના 510 જેટલા કર્મચારીઓને તાલેગાંવ પ્લાન્ટમાં બદલીના ઓર્ડર આપતાં કર્મચારીઓએ બદલીના ઓર્ડર સ્વીકાર્યા હતા.  હાલોલના જી.એમ.મોટર્સ કંપનીને બંધ કરવા માટે કંપનીના સંચાલકોએ એક વર્ષ પહેલાં જાહેરાત કરીને પ્લાન્ટને મહારાષ્ટ્રના તાલેગાંવ ખાતે શરૂ કરવાની જાહેરાત કરી હતી. પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરતાં હાલોલ ખાતે ફરજ બજાવતા 550 જેટલા કર્મચારીઓ તથા કોન્ટ્રાકટ કામ કરતા 1 હજાર જેટલા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. કર્મચારીઓને પ્લાન્ટને બંધ કરતો અટકાવવા તેમજ કર્મચારીઓની તાલેગાંવ ખાતે કરાયેલી બદલીના ઓર્ડરને રોકવા માટે છેલ્લા મહિનાથી લડત ચલાવીને હાઇકોર્ટમાં કેસ કર્યો હતો.  અગાઉ જનરલ મોટર્સના કર્મચારીઓ દ્વારા વડોદરા શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરી કંકનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની જાગૃતિ માટે સંદેશો પાઠવ્યો હતો. બાદમાં લેબર કમિશ્નરને લેખિત રજૂઆત પણ કરી હતી. કંપનીએ 28મીએ સત્તાવાર રીતે પ્લાન્ટને બંધ કરી દીધો હતો. પ્લાન્ટને બંધ કરતાં પૂર્વે કર્મચારી યુનિયન સાથે સંકળાયેલા 35 કર્મચારીઓએ વીઆરએસ લેવાની જાહેરાત કરતાં તેમની માંગ સ્વીકારાઇ હતી. જ્યારે બાકીના 510 જેટલા કર્મચારીઓની તાલેગાંવ પ્લાન્ટ ખાતે બદલી કરીને તેના ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.