ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (09:52 IST)

28મીથી રેશનની દુકાનો બંધ કરી દેવા પીએમ મોદીના ભાઈની ચેતવણી

ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ સંદર્ભમાં 28 મેથી અચોક્કસ મુદ્દત માટે જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ કરી દેવા ગુજરાત સરકારને ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના પ્રમુખપદે ચાલી રહેલાં ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિએશને આ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને પુરવઠા વિભાગના સચિવને અલટીમેટમ આપતો પત્ર સોંપ્યો હતો. 

એસોશિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાયસન્સ હોલ્ડરને ઓછા કમિશનને કારણે આવકનો માધ્યમ જણવાઇ રહે તે માટે વ્યવસ્થા કરવા વારંવાર સરકારના પ્રતિનિધિઓએ જણાવ્યું છે. પરંતુ આજ સુધી આ અંગે કોઇ ઉકેલ આવ્યો નથી. નેશનલ ફૂડ સિક્યોરિટીનો અમલ થવા છતાં સરકાર અમારી આવકની બાબતમાં સરકાર આંખ આડા કાન કરી રહી છે. ત્યારે ન છૂટકે આ પત્ર દ્વારા જણાવીએ છીએ કે, તાત્કાલિક અસરથી અમારી રોજી-રોટીના પ્રશ્નને ઉકેલવામાં આવે. પ્રહલાદ મોદીએ પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ એક કરોડ 20 લાખ રેશનકાર્ડ સરકારના ચોપડે નોંધાયેલા છે. જેમાં બીપીએલ અને અંતોદયનો સમાવેશ થાય છે. નેશનલ ફૂડ સિક્યોરિટી કાયદાના કારણે 55 લાખ કાર્ડને મૃતપાય કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાયસન્સ હોદ્દેદારો આજ તારીખ 8મીથી 20 દિવસ પછી પુરવઠાનું વિતરણ બંધ કરશે. એટલે કે 28 મે પછી ગુજરાતની સસ્તા અનાજની દુકાનો પર પુરવઠો મળી શકશે નહીં. આ દરમિયાન જે કંઇ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી સરકારની રહેશે. જરૂર પડે સામૂહિક રાજીનામું પણ આપવામાં આવશે.