બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (16:33 IST)

કરોડપતિ ધનકુબેર મહેશ શાહના કેસમાં ભીનુ સંકેલી લેવાયુ હોવાની આશંકા

નોટબંધી બાદ ગુજરાતમાં કાળાઘનના કુબેરો એટલે કે મીસ્ટર નટવરલાલ તરીકે જાણીતા બનેલા સૌથી હોટ ફેવરીટ મહેશ શાહનો કિસ્સો ખાસ્સો ચગ્યો હતો. ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં રૃા. ૧૩૮૦૦ કરોડનું ડિસ્ક્લોઝર કરીને પછી ફરી ગયેલા મહેશ શાહ સામે પોલીસ ફરિયાદ કરવાની પત્રકાર પરિષદમાં કરેલી જાહેરાત એ ભૂલથી થઈ ગયેલી જાહેરાત હોવાનું આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે. આ સાથે જ આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાઈ રહ્યું હોવાની આશંકા બળવત્તર બની છે. આ સમગ્ર કૌભાંડમાં ભાજપ અને કોન્ગ્રેસ બંનેના રાજકારણીઓના અને તેમના ગોઠિયાઓના પૈસા સંડોવાયેલા હતા. પરંતુ મહેશ શાહ સામે પગલાં લઈ શકાય તેમ ન હોવાની લાચારી આવકવેરા ખાતાએ વ્યક્ત કરી છે.

આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે કાયદાકીય જોગવાઈ હેઠળ મહેશ શાહ સામે તેઓ કોઈ જ પગલાં લઈ શકે તેમ નથી. મહેશ શાહ સામે ટૂંકમાં જ પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનરે જોશમાં કરી દીધી હતી. આ જાહેરાત તેમની સ્લિપ ઑફ ટંગ હતી. કાયદાકીય જોગવાઈને આધીન રહીને આવકવેરા ખાતું પગલાં લઈ શકે તેમ નથી. મહેશ શાહ સામે કાયદાકીય જોગવાઈ મુજબ પગલાં લેવાનું શક્ય જણાતું નથી.
મહેશ શાહે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં રૃા. ૧૩૮૦૦ કરોડની રોકડ બિનહિસાબી હોવાની જાહેરાત કરતું ફોર્મ આઈડીએસ બંધ થવાના ત્રણ દિવસ અગાઉ જ કરી હતી. પરંતુ ત્યારબાદ તેણે ૨૦ ટકા રકમનો પહેલો હપ્તો ભરવાની નોબત આવી ત્યારે તે પૈસા જમા કરાવે તેવું ન લાગતા અને તેના બૅન્ક એકાઉન્ટમાં તે પ્રમાણેની ગતિવિધિઓ ન જણાતા આવકવેરા ખાતાને જાહેરાતમાં દમ ન જણાતા તેમને અરજી રદ કરી દીધી હતી.
મહેશ શાહના કેસમાં આવકવેરા ખાતાની ભૂમિકા પહેલાથી જ અવ્યવસ્થિત રહી છે. પહેલા તો મહેશ શાહના ડિસ્ક્લોઝરનું ફોર્મ પણ આવકવેરા કમિશનરની ઑફિસમાંથી જ અપલોડ કરાયું હતું. ડિસ્ક્લોઝર ફોર્મ અપલોડ કરતાં પહેલા કમિશનર અને પ્રિન્સિપાલ ચીફ કમિશનર સાથે બે-બે બેઠકો યોજાઈ હતી. ત્રીજું, મહેશ શાહ પહેલો હપ્તો ન ભરે તેવું લાગતા તેમણે તેની અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હોવાની લેખિત જાણ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમૂલ શેઠનાને કરી દેવામાં આવી હતી.
તેની પાછળનો તર્ક એ હતો કે આવકવેરા ખાતાને આગોતરી માહિતી મળી હતી કે તેહમૂલ શેઠનાની ઑફિસ અને મહેશ શાહના કનેક્શનોનો ઉપયોગ કરીને તેઓ રદ કરી દીધેલી ચલણી નોટ્સ એક્સચેન્જ કરી રહ્યા છે. આ સ્થિતિમાં આવકવેરા ખાતાને એક સામટા ૧૩૮૦૦ કરોડની રોકડ હાથ લાગી જવાની શક્યતા દેખાતી હતી. તેથી તેમણે અરજી રદ કરવાની નોટિસ મહેશ શાહના સી.એ. તેહમૂલ શેઠનાને આપી હતી. આ નોટિસ આપતાં વેંત જ દરોડા પાડવાને બદલે બાર કલાક બાદ આવકવેરા ખાતાએ દરોડા પાડયા તેથી આ દરોડામાં ખાસ કોઈ બિનહિસાબી આવકના નાણાં પકડાયા નહોતા. આઈડીએસની અરજી હોય તો દરોડા ન પાડી શકાય તેવી શરતથી મૂંઝાયેલા આવકવેરા અધિકારીઓએ આગોતરી બાતમીને આધારે અરજી રદ કરી દીધી હતી. અરજી રદ થઈ અને બિનહિસાબી આવક પણ ન મળી.