શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑક્ટોબર 2020 (15:34 IST)

ગુજરાત સરકારે નવરાત્રીની ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, હવે મંદિરોમાં પેકેટમાં વહેંચી શકાશે પ્રસાદ

કોરોનાના વધતા જતા કેસ પર નિયંત્રણ કરવા પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોની સિઝનમાં સરકાર દ્વારા પ્રસાદ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.
 
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 7 જૂન 2020થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે રાજ્યનાં તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. નવરાત્રિના સમયે કેટલીક જગ્યાએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમજ કેટલાંક મંદિર પર્વતની ટોચ પર આવેલાં હોવાથી જો લાખો દર્શનાર્થીઓ દર્શને જાય તો સંક્રમણ ફેલાય શકે છે  જે-તે ટ્રસ્ટોએ પોતાની સગવડ અને પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લીધા છે. આ નિર્ણય સ્થળ પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે નિર્ણયો કર્યા છે.
 
સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે  નવરાત્રિમાં માતાજીના નૈવેદ્ય અને પ્રસાદ વિના અધૂરી છે, તેથી  પ્રસાદને વ્યક્તિદીઠ પેકેટમાં બાંધીને એક ટેબલ પર મૂકી દેવામાં આવે જેથી જેને જોઈએ તે ઉઠાવી લે તો એનાથી કોરોના ફેલાય તેવું કોઇ જોખમ નથી. બીજા બધા ફૂડ કે ધંધામાં જેમ ગ્લોવ્ઝ પહેરીને વિતરણ થાય છે તેમ પ્રસાદનું વિતરણ પણ થઇ શકે છે.  મીઠાઇ ઉદ્યોગ પર લાખો લોકો નભે છે. હાલમાં ધંધો માંડ 15થી 20 ટકા રહી ગયો છે. સરકારે નવરાત્રિ અને દશેરા નિમિત્તે ધંધાના મહત્વને સમજતા વેપારીઓના હિતમાં નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે. સરકારે પેકેટ બનાવીને પ્રસાદ વેચવાની મંજૂરી આપી હોવાથી તેનો બગાડ પણ નહીં થાય અને કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ પણ થઇ શકશે. વેપારીઓ પાસે એક પેંડો પણ પેક કરવાની વ્યવસ્થા છે.
 
ગુજરાતમાં કોરોનાને પગલે મીઠાઇ અને ફરસાણ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મીઠાઇના વેપારીઓનાં અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં ધંધો માત્ર 20 ટકા જેટલો જ રહી જતાં આશરે 700 કરોડનું નુકસાન થયું છે. સરકારે પડતા પર પાટું મારી નવરાત્રિમાં પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી 700 કરોડનું નુકસાન થતું અટકી જશે.