શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2017 (12:48 IST)

જાન્યુઆરીમાં ગરમીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો: અમદાવાદમાં ૩૪.૮ ડિગ્રી

અમદાવાદ સહિત રાજ્યભરમાં પોષ માસમાં ભાદરવા જેવી અકળવાનારી ગરમીનો દોર જારી રહ્યો છે. આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના કેટલાક શહેરમાં જાન્યુઆરી માસમાં પડેલી ગરમીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડતા ૩૪.૮ ડિગ્રીથી વધુ  સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન જાન્યુઆરીમાં પડેલી સૌથી વધુ ગરમીનો અગાઉનો રેકોર્ડ ગત વર્ષે નોંધાયો હતો જ્યારે ૩૪ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. તો બીજી તરફ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં નવેસરથી શરૃ થયેલી બરફ વર્ષા અને વરસાદથી ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે.  અમદાવાદ ઉપરાંત રાજ્યના મોટાભાગના શહેરમાં પણ ગરમીનો પારો ૩૪ ડિગ્રીથી વધારે નોંધાયો હતો. સુરતમાં સૌથી વધુ ૩૬ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર બીજી વાર જાન્યુઆરીમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો છે. સુરતમાં ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ના ૩૬.૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ છે.  આ ઉપરાંત અમરેલી, વડોડરા, સુરેન્દ્રનગરમાં પણ સરેરાશ મહતમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીથી વધારે નોંધાતા લોકોને જાન્યુઆરીમાં એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થયો હતો. હવામાનમાં આ રીતે અચાનક આવેલા પરિવર્તન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 'દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના લીધે ત્યાંથી આવતા પવનની દિશામાં ફેરફાર થતાં ગરમીમાં વધારો નોંધાયો છે. જોકે, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે હિમ વર્ષા પડે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આ સપ્તાહના અંત સુધીમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ગુરુવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડે તેવી પણ સંભાવના છે. 
 
અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી વધુ ગરમી

વર્ષ       સરેરાશ મહતમ તાપમાન
૨૪ જાન્યુઆરી ૨૦૧૭    ૩૪.૮
૩૦ જાન્યુઆરી ૨૦૧૬    ૩૪.૦
૩૦ જાન્યુઆરી ૨૦૦૭    ૩૨.૭
૮ જાન્યુઆરી ૨૦૦૮    ૩૨.૨
૧૭ જાન્યુઆરી ૨૦૦૯    ૩૨.૨
૩૧ જાન્યુઆરી ૨૦૧૦    ૩૨.૨
૨૩ જાન્યુઆરી ૨૦૧૧    ૩૧.૭    

રાજ્યમાં ક્યાં વધારે ગરમી?

શહેર    ગરમી
સુરત    ૩૬.૦
અમરેલી    ૩૫.૮
વડોદરા    ૩૫.૧
સુરેન્દ્રનગર    ૩૫.૦
અમદાવાદ    ૩૪.૮
રાજકોટ    ૩૪.૬
ગાંધીનગર    ૩૪.૫
વલ્લભવિદ્યાનગર    ૩૪.૪
ભૂજ    ૩૪.૦