શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (13:45 IST)

અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેનાના સભ્યો નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા નીકળ્યા

ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઓએસએસ એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે 23મી ફેબ્રુઆરીના રોજ ટાટાના સાણંદ સ્થિત નેનો પ્લાન્ટને તાળાબંધીનું એલાન કર્યું છે. ઠાકોરનું કહેવું છે કે, 23એ હજારો બેરોજગાર યુવાનોને સાથે લઈને નેનો પ્લાન્ટની તાળાબંધીનો કાર્યક્રમ થશે. ઠાકોરે સાણંદ વિસ્તારના 50થી વધારે સરપંચોનું તાળાંબંધીમાં લેખિત સમર્થન હોવાનો દાવો કર્યો છે.

અલ્પેશ ઠાકોરે ચિમકી ઉચ્ચારી હતી કે, સરકારને તાકાત હોય તો મને રોકી બતાવે.ભાજપ સરકાર પર સરપંચોની આડમાં રાજકારણનો આરોપ કરતા તેણે જણાવ્યું કે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહે છે કે, તાળાબંધીના વિરોધમાં સાણંદ તાલુકાના 35 ગામના સરપંચો છે. જ્યારે હકીકત છે કે, તંત્ર દ્વારા સરપંચો પાસે કોરા કાગળો પર સહી કરાવી લેવામાં આવી છે. ઘણા સરપંચો એવા છે કે તેમને ખબર નથી કે સરકાર તેમના નામ લઈ રહી છે. ઊલટું તાળાંબંધીના સમર્થનમાં સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજના 50થી વધારે સરપંચોએ અમને લેખિતમાં સમર્થન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, મારી પાસે જે માહિતી છે તે મુજબ 22 તારીખની મોડી સાંજ સુધીમાં અનેક જિલ્લાઓની પોલીસનો કાફલો સાણંદ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. નેનોના પ્લાન્ટ સુધી તાળાબંધી કરવા માટે ન પહોંચી શકાય તેવું પણ સરકારનું આયોજન હોઈ શકે. પરંતુ સરકારની તાકાત હોય એટલું જોર લગાવે, નેનો પ્લાન્ટની તાળાબંધી થઈને રહેશે. બીજીતરફ નેનો પ્લાન્ટને તાળાબંધી કાર્યક્રમનો વિરોધ કરતા પોસ્ટર સ્થાનિક સરપંચો અને કન્સ્ટ્રકશન કંપનીઓએ લગાવ્યા હતા.