શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જૂન 2018 (13:29 IST)

૩૧ જિલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની ચૂંટણી : ભાજપ-કોંગ્રેસ મરણિયા થયાં

અઢી વર્ષનુ શાસન પૂર્ણ થતાં બુધવારે રાજ્યની ૩૧ જીલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં ફરી એક વાર પ્રમુખ સહિતના હોદ્દા માટ ચૂંટણી યોજાનાર છે. પંચાયતોમાં સત્તા મેળવવા ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે.નવાઇની વાત તો છેકે,લોકસભા-વિધાનસભાની ચૂંટણીની જેમ પંચાયતોની ચૂંટણીમાં ય હોર્સટ્રેડિંગ થઇ રહ્યુ છે. જીલ્લા પંચાયતોમાં એક ડેલિગેટનો ભાવ રૃા.૧ કરોડ બોલાયો છે. હાલમાં ૨૩ જીલ્લા પંચાયતો પર કોંગ્રેસનો કબજો છે જયારે ૮ જીલ્લા પંચાયતો ભાજપ હસ્તક છે. આ સંજોગોમાં કોંગ્રેેેસે એવો આક્ષેપ કર્યો છેકે,સત્તા હાંસલ કરવા ભાજપે શામ,દામ દંડભેદની નીતિ અખત્યાર કરીને પંચાયતો તોડવા પ્રયાસો કર્યા છે. આજે જીલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ,ઉપપ્રમુખના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભાજપ-કોંગ્રેસે નિરીક્ષકો મોકલીને ચૂંટાયેલા સભ્યોને પક્ષના આદેશ મુજબ બુધવારે ચૂંટણી પ્રક્રિયામાં ફરજિયાતપણે હાજર રહવા સૂચના આપી છે. પ્રમુખપદ મેળવવા ભાજપ-કોંગ્રેસમાં ય ભારે ખેંચતાણ જામી છે જેના પગલે સભ્યોમાં રિસામણાં-મનામણાંનો દોર શરુ થયો છે. પંચાયતના એક એક સભ્ય પર નજર રાખવામાં આવી રહી છે. આજે રાત્રે ઘણાં સભ્યો પલટો કરી શકે જેના લીધે આવતીકાલે ઘણી પંચાયતોમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઇ પણ શકે છે. આ કારણોસર જીલ્લા મથકોથી માંડીને ગામડાઓમાં રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. કોંગ્રેસે તો સભ્યો ભાજપની રાજકીય લોભલાલચમાં ન આવે તે માટે ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે.બંન્ને પક્ષે રાજકીય કાવાદાવા શરુ થયા છે.બુધવારે ચૂંટણી યોજાનાર છે જેના પગલે મંગળવારે કતલની રાત છે.ચૂંટણીની રાત્રે જ સભ્યો ભૂગર્ભમાં ઉતરી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.તાલુકા પંચાયતોમાં લાખો રુપિયાની ઓફર કરવામાં આવી છે.જીલ્લા પંચાયતમાં એક ડેલિગેટનો ભાવ રૃા.૧ કરોડ સુધી બોલાયો છે જેના પગલે જીલ્લા પંચાયતો અકબંધ રાખવી ખાસ કરીને કોંગ્રેસ માટે અઘરુ બન્યુ છે. ભાજપ-કોંગ્રેસે પંચાયતો પર સત્તા હાંસલ કરવાના દાવા કર્યા છે.જોકે,બુધવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.કઇ પંચાયત પર કોણે કબજો કર્યો છે.