શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:19 IST)

વેસ્ટમાંથી બેસ્ટ કરી ધંધો કરવાનો અનોખો કિમિયો, જૂની ST બસ બનશે મોબાઈલ ટોઈલેટ

રાજ્યભરમાં એસટી નિગમની જૂની ભંગાર થયેલી બસો હવે મોબાઈલ ટોઈલેટમાં ફેરવાશે. એસટી નિગમે નવતર અભિગમ હાથ ધરીને જૂની બસમાંથી બનાવેલાં મોબાઈલ ટોઈલેટ એસટીના પિકઅપ સ્ટેન્ડ સામે મૂકવાનો નિર્ણય લીધો છે. રાજ્યના વાહનવ્યવહાર નિગમ દ્વારા બસોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો એક પ્રયોગ હાથ ધરાયો છે. હાઈવેના એસટી પિકઅપ સ્ટેન્ડ તેમજ શહેરમાં આવેલા કન્ટ્રોલ પોઈન્ટ સહિતનાં સ્થળોએ એસટીમાં પ્રવાસ કરવા રાહ જોઈ રહેલા મુસાફરોને કયારેક લાંબા સમયનું વેઈટિંગ થતાં આસપાસ કે દૂરના પે અેન્ડ યુઝ ટોઈલેટ શોધવા જવું પડે છે. મુસાફરોને આ પ્રકારની સગવડ કન્ટ્રોલ પોઈન્ટ કે પિકઅપ સ્ટેન્ડ પાસે મળી રહે તે માટે આ સુવિધા આપવામાં આવશે. એસટી વિભાગના એમ.ડી. વિજય નહેરાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મુસાફરોની સુવિધા અર્થે જૂની બસને રિનોવેટ કરી બે મોબાઈલ ટોઈલેટ વાન પ્રાયોગિક ધોરણે બનાવાઈ છે. આ અંગેનો રિપોર્ટ અમે રાજ્ય સરકારને આપી દીધો છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે એટલે આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે. ભંગાર બસોમાંથી સારી કં‌િડશનની બસોમાંથી જુદા જુદા સ્પેરપાર્ટ્સ કાઢી લઈને તેમાં મોબાઈલ ટોઈલેટની ડિઝાઈન મુજબનાં સાધનો ફિટ કરીને મોબાઈલ ટોઈલેટનાં સેમ્પલ બનાવાયાં છે.જૂની એસટીમાંથી ઊભી કરવામાં આવેલી ટોઈલેટ વાનમાં પુરુષો અને મહિલાઓ માટેનાં અલગ અલગ ટોઈલેટ બનાવાયાં છે તેમાં લાઈટ-પંખા ઉપરાંત વોશબેસિનની સુવિધા ઊભી કરાઈ છે. બસ ઉપર  પાણીની ટાંકી મૂકવામાં આવી છે. મોબાઈલ ટોઈલેટ વાન સરકારી કે ધાર્મિક પ્રસંગોએ પણ ભાડે આપવામાં આવશે.