શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 માર્ચ 2017 (16:14 IST)

ગુજરાત સરકારનું માસિક 2750 કરોડ દેવાનું વ્યાજ 1,611 કરોડ થશે,પ્રજા માથે રોજનું રૂ. 142 કરોડનું દેવું

ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાના માથે દિન પ્રતિ દિન દેવાનું ભારણ વધતું જાય છે. ગુજરાત સરકાર એક બાજુ બજેટમાં પૂરાંત બતાવે છે, તો બીજી બાજુ દેવાનો ભાર વધતો બતાવે છે. ગુજરાત સરકારના માથે વર્ષ 2017-18માં 33,678 કરોડ દેવું પહોંચી જશે. રોજનું દેવું 90 કરોડ અને તેનું વ્યાજ 52 કરોડ મળીને કુલ રોજનું દેવું 142 કરોડ રૂપિયા ચૂકવવું પડશે.

જ્યારે ગુજરાત સરકારના માથે માસિક દેવું 2750 કરોડ અને તેનું વ્યાજ 1,611 કરોડ મળીને કુલ માસિક દેવું 4361 કરોડ થશે.  ગુજરાત સરકારે વર્ષ 2017-18નું 1,72,179 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં કુલ બજેટમાંથી 20% રકમ એટલે કે 33,678 કરોડ જાહેર દેવાથી મેળવશે. ગુજરાતમાં 2010-11માં જાહેર દેવું 16,681 કરોડ હતું. જે માત્ર પાંચ વર્ષના ગાળામાં 2017-18માં 33,678 કરોડ સુધી પહોંચ્યું છે. ગુજરાત સરકારના દેવામાં એક બાજુ વધારો થાય છે, તો બીજી બાજુ વિકાસલક્ષી કામોમાં થતાં ખર્ચની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવે છે. 2017-18માં માત્ર 60.5% બજેટ વિકાસલક્ષી કામો પાછળ ખર્ચાશે. અગાઉ નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન 2013-14માં વિકાસલક્ષી કામો પાછળ 67% ખર્ચ થયો હતો. આનંદીબેનના શાસનમાં 2015-16માં 70.42% ખર્ચ થયો હતો. જ્યારે રૂપાણીના શાસનમાં વિકાસના કામો પાછળ માત્ર 60% જ ખર્ચ કરવાનું આયોજન છે.ગુજરાત સરકારના કુલ બજેટમાંથી 131521 કરોડ મહેસૂલી આવકમાંથી તથા 33974 કરોડ મૂડીની આવકમાંથી મેળવશે. જેની સામે મહેસૂલી ખર્ચ 125455 કરોડ અને મૂડી ખર્ચ 45376 કરોડ થશે. ગુજરાત સરકારે આવકમાં કરવેરા અને ટેક્સથી 53603 કરોડ એટલે કે 31.33% મેળવાશે. વેચાણવેરા અને ટેક્સ સિવાયની અન્ય વેરાની આવક રૂપિયા 22950 કરોડ એટલે કે 13.4% એમાંથી મેળવશે. કેન્દ્રની ગ્રાન્ટ પેટે 15671 કરોડ (9.16%) તથા કેન્દ્ર સરકારના કરવેરાના હિસાબ પેટે 36,558 કરોડ (21.37%) મળશે.ગુજરાત સરકારના વર્તમાન બજેટમાં સામાજિક સેવાઓ એટલે કે શિક્ષણ, આરોગ્ય, પાણી, પોષણ અને સામાજિક સુરક્ષાના વિકાસ માટેના ખર્ચમાં માત્ર 5.86%નો વધારો કરાયો છે. પાયાની જરૂરિયાત એવા શિક્ષણ માટે 3.73%, આરોગ્ય માટે 6.98%, પાણી માટે 8.78%, પછાત વર્ગોના કલ્યાણ માટે 2.59% અને પોષણ સેવા માટે માત્ર 5%નો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસ માટે અગાઉના નરેન્દ્ર મોદીના 13 વર્ષના શાસન દરમિયાન જે ખર્ચ કરવામાં આવતો હતો તેમાં ઘરખમ ઘટાડો કરી દેવામાં આવ્યો છે.