મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2017 (15:13 IST)

રવિવારે ગાંધીનગરમાં યોજાનાર કેજરીવાલના કાર્યક્રમને હજુ સુધી તંત્રની મંજૂરી મળી નથી

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવાની છે ત્યારે ગુજરાતના કાર્યકરોના ઉત્સાહ ઉભો કરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી રવિવારે ગાંધીનગરમાં સમગ્ર રાજ્યમાંથી આવનાર બુથ લેવલના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે. જો કે પંદર દિવસ અગાઉ આ કાર્યક્રમ માટે મંજુરી માંગવામાં આવી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ મંજુરી આપવામાં આવી નથી.

જેમાં સમગ્ર રાજ્યમાંથી વીસ હજારથી વધુ બુથ લેવલના કાર્યકરો હાજરી આપવાના છે. હાલ આ કાર્યક્રમને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૃ કરવામાં આવી છે. આવનાર કાર્યકરો માટે બેઠક વ્યવસ્થા અને પાર્કીંગ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે કામગીરી કરાઈ રહી છે પરંતુ મહત્વની બાબત એ છે કે હજુ સુધી આ કાર્યક્રમને વહીવટી તંત્ર દ્વારા કોઈ જ મંજુરી આપવામાં આવી નથી. પાર્ટી દ્વારા પંદર દિવસ અગાઉ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી મંજુરી માંગવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ મંજુરી આપવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે પણ હજુ સુધી મંજુરીનો સત્તાવાર પત્ર પાર્ટીને સોંપવામાં આવ્યો નથી. નોંધવું રહેશે કે હાલમાં ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહયું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો આગળ ધરીને ઘણાં કાર્યક્રમોને મંજુરી આપવામાં આવી નથી ત્યારે કેજરીવાલના કાર્યક્રમને મંજુરી આપવામાં આવે છે કે નહીં તે જોવું જ રહયું. જો કે આ વખતે આમ આદમી પાર્ટી લડી લેવાના પણ મુડમાં છે. તંત્ર મંજુરી નહીં આપે તો કોર્ટમાં જવાની પણ તૈયારી રાખવામાં આવી છે. તો કેજરીવાલના સંભવિત આ કાર્યક્રમને લઈ પોલીસની સાથે આઈબી પણ કામે લાગી ગઈ છે અને સરકાર માટે જરૃરી વિગતો મેળવવાનું શરૃ કરી દીધું છે.