ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:04 IST)

ગુજરાતમાં વરસાદને કારણે 29 સ્થળે ટ્રેક ધોવાયા, કચ્છનો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ

ગુજરાતમાં વરસાદને કારણે  29 સ્થળે ટ્રેક ધોવાયા, કચ્છનો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ 

રાજ્યમાં ભારે વરસાદને કારણે 29 જગ્યાએ રેલવે ટ્રેકની નીચેથી માટી ધોવાઇ જવાને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. સૌથી વધારે અસર ધ્રાંગધ્રા - સામખિયાળી - ગાંધીધામ રેલવે ટ્રેક પર થઇ હતી. કારણ કે આ રેલ્વે લાઇન પર આવેલ મચ્છુ ડેમ સહિતના અન્ય ડેમોમાંથી વધારે પાણી છોડાતા 10 મીટરથી લઇને 200 મીટર સુધીના ટ્રેકો ધોવાઇ જવાની સમસ્યા જોવા મળી હતી. ટ્રેક ધોવવાને કારણે દાદર- ભુજ એક્સપ્રેસને સામખિયાળી સ્ટેશને રોકી દેવાઇ હતી, જેના 244 મુસાફરોને પાંચ બસોથી ગાંધીધામ પંહોચાડવામાં આવ્યા હતા. 
આ ઉપરાંત પાલનપુર - ભુજને પણ આડેસર સ્ટેશને રોકી દેવાઇ હતી. ભચાઉ-સામખિયાળી વચ્ચે આવેલા વોંધ ગામ નજીક ભારે વરસાદની સાથે દરિયાની ખાડીના પાણી રેલવેટ્રેક પર ફરી વળતાં કચ્છનો રેલ વ્યવહાર સંપૂર્ણ ખોરવાઇ ગયો છે. શનિવારે હળવદ-ધાંગધ્રા પછી ભચાઉ અને ગાંધીધામ વિસ્તારમાં ભારે વરસાદથી બપોર બાદ મોટાભાગની ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવાઇ હતી. વોંધ પાસેની ખારી તરીકે ઓળખાતા પાણીના વહેણ રેલવેટ્રેક પર ફરી વળતાં રેલવેટ્રેક ધોવાઇ જતાં રેલ યાતાયાત બંધ કરી દેવાયો હતો. 
હજુ પણ પાણી ઓસર્યા ન હોવાના લીધે સમારકામ આટોપવું શકય ન બનતાં રવિવારે કચ્છથી ઉપડતી કચ્છ, સયાજી, ભુજ-ગાંધીધામ પાલનપુર પેસેન્જર સહીતની ટ્રેનોને કેન્સલ કરી દેવી પડી હતી. આ તરફ શનિવારે મુંબઇથી ભુજ આવવા નિકળેલી કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરીને અમદાવાદ સુધી ટુંકાવી દેવાઇ હતી. ભચાઉ વિસ્તારમાં ભારે વરસાદના પગલે આ ટ્રેક નીચેના પુલિયામાંથી પાણી દરિયાની ખાડીમાં વહી જાય છે. 
આ પાણીના વહેણ પાસેના પુલિયામાંથી ચોબારી, કડોલ, મનફરા, આધોઇ, લાખાવટ, વામકા જેવા ગામના પાણી એક સાથે થઇ ખારી વાટે નિકળે છે. રેલવે ટ્રેકના સમારકામની કામગીરી રેલવેના પીડબ્લયુડી વિભાગના 150થી 200 જેટલા મજુર અને ટેકનીકલ ટીમે યુધ્ધના ધોરણે આરંભી દીધી છે. ગાંધીધામ રેલવે પીડબ્લયુડી વિભાગના સાકીદ બિહારીએ જણાવ્યુંકે અપલાઇન કરતા ડાઉનલાઇનમાં વધુ ધોવાણ થયું છે. 
અપલાઇનની ચકાસણી કરી મરંમત કાર્ય ચાલુ કરી દેવાયું છે. પણ ડાઉન લાઇનમાં થોડો સમય લાગી શકે તેવો આશાવાદ દર્શાવ્યો હતો. ખારીના આ વહેણમાંથી હજુ પણ જોશભેર પાણી વહેતા હોવાનું સ્થાનિકે મુલાકાત સમયે જોવા મળ્યું હતું. એઆરએમ આદેશ પઠાનિયાએ કહ્યું કે ટ્રેકનું સમારાકામ હાથ ધરાયું છે. આ સમારકામ પૂર્ણ થતા તો હજુ સમય લાગે તેમ છે. પણ આજે એટલે કે સોમવારની સવાર સુધી રેલવે યાતાયાત ચાલુ કરી દેવાની અમારી ધારણા છે. હાલ તે જ પ્રકારે જોશભેર કામગીરી ચાલી રહી છે.
વરસાદને કારણે એસટી વિભાગે 151 રૂટ પર 749 ટ્રિપો રદ્દ કરી હતી. રદ થયેલી ટ્રિપને કારણે એસ.ટી વિભાગે એક દિવસમાં 7.25 લાખની આવક ગુમાવી હતી. જેમાં સૌથી વધારે અમદાવાદ ડેપોની 28 રૂટ પર 170 ટ્રિપ, વડોદરામાં 2 રૂટ પર 60 ટ્રિપ, કચ્છમાં 35 રૂટ પર 35 ટ્રિપ, રાજકોટમાં 23 રૂટ પર 79 ટ્રિપો રદ કરાઇ હતી. માત્ર અમદાવાદ ડેપોએ એક દિવસમાં રૂ. 97 હજારની આવક ગુમાવી હતી.