શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:51 IST)

મહેસાણામાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખને તમાચા પડ્યાં, હૂમલાખોર પણ ધોવાયો

ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલ પર સોમવારે બપોરે પાસના એક કાર્યકરે હુમલો કરી દેતાં અફડા-તફડી મચી ગઈ હતી અને આ સમયે જ પથ્થરમારો પણ થયો હતો. ભાજપના કાર્યકરોએ હુમલાવર યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. જો કે, પોલીસે આ યુવકને પકડી લેતાં પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી.

યુવા મોરચાના પ્રમુખનો સન્માન સમારંભ અને બાઈક રેલી બપોરે 4-45 કલાકે હાઈવે પર ચાઈનાગાર્ડનથી શરૂ થઈ હતી. આ રેલી મોઢેરા ચોકડીએ પહોંચી ત્યારે ઋત્વિજ પટેલ સહિત ભાજપના અન્ય કાર્યકરો જીપમાંથી ઉતરી સરદાર પટેલની પ્રતિમાને માલ્યારોપણ કરવા જઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક ત્યાં ઊભેલા જોટાણાના પાસના કાર્યકર ભીખા પટેલે લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો પણ ઋત્વિજ પટેલને ગાલની જગ્યાએ ખભાના પાછળના ભાગે હળવેથી વાગ્યો હતો. ઘટનાથી ભાજપના કાર્યકરોમાં હડકંપ મચી ગયો હતો. 

ભાજપના કાર્યકરોએ યુવકને પકડીને ફટકાર્યો હતો પણ એલસીબી પીઆઈ અને અન્ય પોલીસકર્મીઓ યુવકને બચાવીને પોલીસ હેડ ક્વાર્ટર લઈ ગયા હતા. આ દરમિયાન મોઢેરા ચોકડીએ આવેલા જયંત પ્લાઝા શોપિંગ સેન્ટર તરફથી પથ્થરમારો પણ થયો હતો. ચાર-પાંચ પથ્થર જ આવતાં પરિસ્થિતિ ઝડપથી થાળે પડી ગઈ હતી. આ સિવાય શિલ્પા ચોકડીએ પણ પાસના કાર્યકરોએ કાળા કપડાં પહેરી બેનરો સાથે ભાજપના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો.
મહેસાણામાં યુવા ભાજપ પ્રમુખની નીકળેલ રેલીને પગલે વિસનગર એસપીજી પ્રમુખ સહિત બેને  પોલીસને નજર કેદ રાખવામાં આવ્યા હતા.મહેસાણામાં પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલની રેલી નીકળી હતી જે રેલી દરમિયાન એસપીજી તથા પાસ દ્વારા વિરોધ કરવાની જાહેરાત કરાઇ હતી જેના પગલે વિસનગર એસપીજી પ્રમુખ જીગર પટેલ તેમજ તાલુકા પાટીદાર સમાજના સહકન્વીનર રાજુ પટેલને સોમવારના રોજ વિસનગરમાં પોલીસ દ્વારા મોડી સાંજ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા.