શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (17:20 IST)

લ્યો બોલો ! તલાલામાં એક ATMમાંથી નિકળે છે દૂધ

તમે રૂપિયા આપતા ATM જોયા હશે, પણ તમને કોઈ કહે છે દૂધ આપતું ATM મશીન હોય છે તો તમે વિશ્વાસ નહિ કરી શકો. તાલાલાના 11 પાસ ખેડુત યુવક પોતાના ગામમાં દૂધનું એટીએએમ મૂક્યું છે. આ મશીનમાં જેટલા રૂપિયા નાંખો એટલા રૂપિયાનું દૂધ મળે છે. ગાય લખેલી સ્વીચ પર દબાવો તો ગાયનુ અને ભેંસ લખેલી સ્વીચ દબાવો તો ભેંસનું દૂધ આવે છે. આમ, મશીનમાં દૂધ મેળવવાનું કુતૂહલ ગ્રામવાસીઓમાં એટલું છે કે, આ ATM પર લોકોની લાંબી લાઈન લાગે છે. સમસ્યાથી જ ઉકેલ મળે છે એ બાબતને સાર્થક કરતું આ ઉદાહરણ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલ ખીરધાર ગામમાં નિલેશ નામનો યુવક રહે છે. ખેડૂતપુત્ર નિલેશ ધોરણ-11 સુધી જ ભણેલો છે. તાજેતરની નોટબંધીની ઘટના બાદ તેણે ચારેબાજુ ATM શબ્દ સાંભળ્યો હતો. તેથી તેણે ઈન્ટરનેટની મદદથી કેનેડાથી સોફ્ટવેર મંગાવ્યું.

આ મશીન તેમાં નાંખો એટલા રૂપિયાનું દૂધ ફટાફટ ગ્રાહકોને આપે છે. આ ATMમાં સેટિંગ કરાયેલુ છે. જેમાં એક સ્વીચ પર ગાય અને બીજી પર ભેંસ લખેલું છે. જે બટન સિલેક્ટ કરો તે પ્રમાણે દૂધ આવે છે. લોકો અંદર રૂપિયા નાંખે એટલે તેટલા રૂપિયાનુ દૂધ અંદરથી આવે છે. 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનું દૂધ મશીનમાથી આવે છે. આ ATMનો ફાયદો એ છે કે, સવારે ATM મશીનને લોક કરી નિલેશ દિવસ ભર બીજા કામો કરે છે. ફક્ત સવારે તેમાં દુઘના કેરબા મૂકે છે. જેમાંથી એકમાં ગાયનું દુધ ભરે છે, અને બીજામાં ભેંસનું દુધ ભરે છે. સાંજે મશીન ખોલે એટલે દૂધ આપોઆપ વેચાયેલું હોય અને મશીનમાં રૂપિયા પડેલા હોય છે. આ વિશે નિલેશ કહે છે કે, હું તાલાલાથી 8 કિમી દૂર ખીરધાર ગામે ખેતી કરું છું. મને નવો બિઝનેસ કરવાનો હતો. હાલ સર્વત્ર એટીએમ જ ચર્ચામાં છે એટલે મેં દૂધનું ATM શરૂ કરવાનું વિચાર્યું. હાલ લોકોને મશીનમાં રૂપિયા નાખવા પડે છે. પણ આગામી સમયમાં લોકો કાર્ડથી પણ દૂધ કરી શકે તેવો પ્રયાસ કરી રહ્યો છું.