ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2017 (15:07 IST)

ગુજરાતી અર્પણ દોશી બ્રિટનમાં સૌથી નાની વયનો ડોક્ટર બનશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો અર્પણ દોષી ટૂંક સમયમાં જ ઉત્તર-પૂર્વ બ્રિટનની એક હોસ્પિટલમાં કામ કરતો બ્રિટનનો સૌથી યુવા ડૉકટર બની જશે. અર્પણ દોષીએ ગયા સોમવારે 21 વર્ષ 335 દિવસની ઉંમરે યુનિવર્સિટી ઓફ શેફીલ્ડમાંથી બેચલર ઓફ મેડિસીન અને બેચલર ઓફ સર્જરીમાં ગ્રેજ્યુએશન કર્યું. હવે તે આગામી મહિને જુનિયર ડૉકટર તરીકે કામ કરવાનું શરૂ કરી દેશે. 

બ્રિટનના અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં દોષીએ જણાવ્યું કે મને ખબર નહોતી કે હું યોગ્યતા પ્રાપ્ત કરનાર સૌથી યુવાન વ્યક્તિ છું, મારા મિત્રે ઇન્ટરનેટ પર આ માહિતી જોઇ. મારા માતા-પિતાને પણ આ અંગે ખબર નથી. પરંતુ મને ખબર છે કે તેઓ ગૌરવ અનુભવશે. અર્પણનું સપનું હાર્ટ સર્જન બનવાનું છે પરંતુ આ એકદમ પ્રતિસ્પર્ધાત્મક ક્ષેત્ર છે.  ગાંધીનગરમાં 13 વર્ષ સુધી અર્પણે સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેના મિકેનિકલ એન્જિનિયર પિતા ભરતભાઇને વિદેશમાં નોકરી મળતા તેમનો આખો પરિવાર ગુજરાતથી ફ્રાન્સ ગયો હતો. તેના પિતાને પરમાણું પ્રોજેક્ટમાં નોકરી મળી હતી. ત્યારબાદ તેણે સ્થાનિક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. 16 વર્ષની ઉંમરે તેણે ઈન્ટરનેશનલ લેવલની એક્ઝામ પાસ કરી દીધી હતી. આ એક્ઝામ ફ્રાન્સમાં જ લેવામાં આવી હતી, જેમાં તેણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઈકોનોમિક્સ, મેથ્સ, ઈંગ્લિશ અને હિન્દીની પરીક્ષા પાસ કરવી પડી હતી. યૂનિવર્સિટીની એન્ટ્રેન્સ એક્ઝામમાં તેણે 45માંથી 41 માર્ક્સ મેળવ્યા હતા ત્યારબાદ શીફેલ્ડ યૂનિવર્સિટીએ 13 હજાર પાઉન્ડની સ્કોલરશિપ આપવામાં આવી હતી.