મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:34 IST)

વિકાસની મજાક ઉડાવનારી કૉંગ્રેસને પ્રજા માફ નહીં કરે: વિજય રૂપાણી

કૉંગ્રેસ માટે વિકાસ એ મજાક છે, જ્યારે અમારા માટે વિકાસ એ મિજાજ છે. વિકાસ હવે જોશીલો, વેગીલો અને ઝંઝાવાદી બન્યો છે અને ભ્રષ્ટાચાર સદંતર નાબૂદ થયો છે. જેને કારણે કૉંગ્રેસ રઘવાઇ બની છે. વિકાસની મજાક ઉડાવનાર કૉંગ્રેસને ગુજરાતની જનતા માફ નહીં કરે એવું ગૌરવ યાત્રામાં અનેક સ્થળોએ પ્રજાજનોને સંબોધતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કૉંગ્રેસ પરિવારવાદમાં માને છે. જ્યારે ભાજપ રાષ્ટ્રવાદમાં માને છે. કૉંગ્રેસે જે સાઇઠ વર્ષમાં ન કર્યું તે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ત્રણ વર્ષમાં કરી બતાવ્યું છે. ઘરનું ઘરના નામે ગુજરાતની જનતાને ભોળવીને ફોમ ભરાવનારી કૉંગ્રેસ કયા મોઢે વિકાસની વાતો કરે છે? તેવો વેધક પ્રશ્ર્ન પણ તેમણે કર્યો હતો. દરમિયાન જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાના ભાજપના શાસનમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાર્થક કરીને ભાજપાએ હંમેશાં સર્વસમાવેશક સર્વલાભદાયી સમરસ સામાજિક સંવાદિતાની રાજનીતિ કરી છે. યેનકેન પ્રકારેણ ગુજરાતના સમાજ જીવનને ડહોળવાના કૉંગ્રેસના મલિન ઇરાદાને ગુજરાતની જનતા આગામી સમયમાં જડબાતોડ જવાબ આપશે. વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગના આયોગ અને પાટીદારો સામે પોલીસ કેસ પાછા ખેંચવાના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, બિનઅનામત વર્ગ માટે આયોગ તથા નિગમની રચના કરીને તથા તેને માટે ૨૦૦ કરોડ રૂપિયાની તુરંત જોગવાઇ કરીને ભાજપ સરકારે સમાજના તમામ વર્ગને સાથે રાખીને સમરસતાના વાતાવરણમાં વિકાસ માટે ઉઠાવેલા આ પ્રશંસનીય નિર્ણયને ગુજરાતની શાણી તથા સમજુ પ્રજા અવશ્ય વધાવી લેશે. પાટીદાર આંદોલન દરમ્યાન પોલીસ દમન અંગે તપાસ માટે જસ્ટિસ પુંજના વડપણ હેઠળ પંચની રચનાની જાહેરાતને પણ વધાવતા તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં બિનઅનામત વર્ગની ૫૮ જ્ઞાતિના પરિવારો, વિદ્યાર્થી, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ, શ્રમિકો સૌને માટે શૈક્ષણિક તથા અર્થોપાર્જન માટેની તકોના દ્વારા ઉપરોક્ત નિર્ણયોને લીધે ઊઘડી જશે.