ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (14:09 IST)

વડોદરાના રસ્તા પર ચાલુ કાર સળગી ઉઠતાં પાંચ લોકોનો બચાવ

શહેરના ફતેગંજ બ્રિજ નીચે આજે સવારે એકાએક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. સમયસૂચકતા વાપરી કારમાં બેઠેલા પાંચ લોકો કારમાથી નીચે ઉતરી ગયા હતા. જો કે ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં રહેતા મુળુભાઇ મછાર પ્લમ્બિંગનો વ્યવસાય કરે છે.

આજે સવારે નવ વાગ્યાની આસપાસ તેઓે તેમના 4 કારીગરો સાથે મંજુસર જીઆઇડીસી જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ફતેગંજ બ્રિજ નીચે પહોંચ્યા તે સમયે કાર અચાનક જ ધૂમાડો નીકળવા લાગ્યો હતો. જેથી મુળુભાઇ મછાર કારીગરો સાથે નીચે ઉતરી ગયા હતા. અને બોનેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારનું બોનેટ ખુલ્યુ ન હતુ. અને થોડીવારમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી. જેથી રોડ બંધ કરાવી દીધો હતો. અને ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી. જો કે ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ મારૂતી ઝેન કાર બળીને ખાખ થઇ ગઇ હતી. વડોદરા ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યુ હતુ કે, કારમાં પૂરતુ મેઇન્ટન્સ અને તકેદારીનો અભાવને કારણે આગ લાગી હોવાનું જણાય છે, જોકે કોઇ નિષ્ણાંત પાસે કારના મેઇન્ટન્સનું કામ કરાવ્યુ ન હોય તો પણ આગ લાગી શકે છે.