બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 માર્ચ 2018 (15:17 IST)

ગુજરાતમાં 2 વર્ષમાં 40,940 અકસ્માતોમાં 15,425ના મોત થયાં

વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ 2016 અને 2017માં 40,940 અકસ્માતોના ગુનાઓ નોંધાયા છે. આ અકસ્માતોમાં કુલ 15,425 લોકોના મોત થયા છે. 8 માર્ચના રોજ વિધાનસભામાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક–2018 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિન સરકારી વિધેયક પરની ચર્ચામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ 2.30 કરોડ જેટલા વાહનો નોંધાયેલા છે.

તેમાં પ્રતિ વર્ષ 7 થી 8 ટકાનો વધારો થઇ રહ્યો છે. રાજ્યની વસ્તીમાં છેલ્લા દસકામાં 97 લાખનો વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના કારણોના વિશ્લેષણના આધારે અકસ્માતના સંભવિત વિસ્તારો (બ્લેક સ્પોટ) આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 2014 થી 2016 દરમિયાન કુલ 83 બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટેકનિકલ એરર દૂર કરી ત્યાં માર્ગ સલામતીના સઘન તકેદારીના પગલા લઇ 63 જેટલા બ્લેક સ્પોટ ઠીક કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પોટ ઉપર અકસ્માતોની સંખ્યા 683થી ઘટીને 85 થઇ હતી. આમ અકસ્માતોની સંખ્યામાં 598 જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી અટકે તે માટે ટ્રાફિક નિયમન તંત્રને સુસજ્જ બનાવવા વર્ષ 2018-19ના બજેટમાં માર્ગ સુરક્ષા નિધિ માટે રૂ.200 કરોડની જોગવાઇ કરી છે. જેમાં માનદ વેતનથી ફરજો બજાવતા ટ્રાફિક બ્રિગેડનું મહેકમ 7,247 વધારીને 10 હજાર કરવા તથા તેમાં 33 ટકા લેખે મહિલા ટ્રાફિક બ્રિગેડની પણ માનદ વેતનથી સેવા લેવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડનું માનદ વેતન રૂ.200થી વધારીને રૂ. 300 કરવામાં આવશે.