શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (15:11 IST)

ગુજરાતમાં મિલકત જાહેર ન કરનારા સરકારી બાબુઓનો પગાર અટકાવાયો

પોતાની મિલકત ન દર્શાવનારા સરકારી બાબુઓ સામે ગુજરાત સરકારનું કડક વલણ જોવામાં આવી રહ્યું છે. ગુજરાતના 1000 જેટલા સરકારી અધિકારીઓનો પગાર અટકાવી દેવાયો છે, જેમણે પોતાની મિલકતની વિગતો દર્શાવી નથી. ગુજરાતના ઈતિહાસની આ પહેલી ઘટના કહી શકાય, જેમાં પહેલીવાર મહેસૂલ, શિક્ષણ, પોલીસ તેમજ અન્ય વિભાગના 1000થી વધુ ક્લાસ 1-2ના અધિકારીઓનો પગાર અટકાવી દેવાયો છે. આ અધિકારીઓ સરકારની સૂચનાને અભરાઈએ ચઢાવી દેતા હતા,

જેથી તેમની સામે સરકારે ગંભીર પગલા લીધા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે. જેમાં રાજ્ય સરકારમાં કામ કરતા ક્લાસ 1 અને ક્લાસ-2ના અધિકારીઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકત સરકાર સામે રજૂ કરે. જેમાં સરકારનો હેતુ એ હોય છે કે, જો કોઈ અધિકારી પાસે આવક કરતા વધુ મિલકત હોય તો તેની સામે પગલા લઈ શકાય. આ બે ક્લાસના અધિકારીઓ સામાન્ય લોકો કે કંપનીઓ પાસેથી ગિફ્ટ પણ લઈ શક્તા નથી. અને જો કોઈ ગિફ્ટ આપે તો તે માટે નક્કી કરાયેલા વિભાગની પરમિશન લેવાની હોય છે. આ તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તે જાણવા માટે તમામ કર્મચારીઓને તેમની મિલકતની માહિતી માંગતો પરિપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સરકાર દ્વારા પરિપત્ર મોકલીને જાન્યુઆરી સુધી કર્મચારીઓને પોતાની મિલકતની માહિતી આપવા જણાવ્યું હતું. તેમ છતાં કેટલાક અધિકારીઓએ આ પરિપત્રને ગણકાર્યો ન હતો અને હજી સુધી આ માહિતી સરકારને મોકલી ન હતી.