ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , ગુરુવાર, 18 જુલાઈ 2019 (09:04 IST)

છેલ્લા એક વર્ષમાં ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી મળી : નીતિન પટેલ

રાજ્ય સરકાર રોજગારી આપવામાં ઉણી ઉતારતી હોવાના સતત આક્ષેપોનો નક્કર જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે. 
 
અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર  સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત ૬૦,૦૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે  ૩૭,૫૩૫ અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે ૧૧,૬૦૦ અને ૧૧,૩૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા ૧,૫૩,૦૦૦ કરતા પણ વધુ ભરતીના આયોજન સ્વરૂપે ૧૦ વર્ષ માટે ભરતી કેલેન્ડર બનાવી રાજ્ય સરકારની કચેરીમાં કર્મચારીઓની ભરતી હાથ ધરવામાં આવશે.
 
તેમણે ઉમેર્યુ કે, નવી મંજુર થયેલી જગ્યાઓ તથા વિવિધ કારણોસર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જે જગ્યાઓ પાછળના વર્ષમાં ભરવાનું આયોજન હતું તે આગળના વર્ષમાં ભરવા માટે ફ્રન્ટ લોડિંગ અર્થે રચવામાં આવેલી સ્થાયી સમિતિની મંજૂરી પણ આપવામાં આવી છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ ૧૫ થી વધુ સેવાઓ માટે ૧૬,૫૦૦ જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. વળી, ભરતી કેલેન્ડરમાં સામેલ તથા જે જગ્યાઓ માટે રાજ્યસરકારની મંજૂરીની આવશ્યકતા નથી તેવી જગ્યાઓ મળીને સીધી ભરતીથી રાજ્ય સરકાર દ્વારા ૨૧ વિવિધ વિભાગોમાં  ૨૦૧૪ થી અત્યાર સુધીમાં ૧,૧૮,૪૭૮ કરતા પણ વધુ જગ્યાઓ ભરવામાં આવી છે. 
 
આ પૈકી વર્ષ ૨૦૧૪ માં ૨૦,૨૩૯ ૨૦૧૫ માં ૨૪૪૨૦, ૨૦૧૬ માં ૧૦,૬૦૪ ૨૦૧૭ માં ૪૭,૮૮૬, ૨૦૧૮ માં ૧૫૩૨૯ જગ્યાઓ ભરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૭૮૪૨, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફત ૯૫૩૮, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૪૦૦૭, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ૯૭૧૩ અને માધ્યમિક શિક્ષણ પસંદગી સમિતિ મારફત ૬૪૩૫ એમ મળીને કુલ-૩૭,૫૩૫ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા જુદા-જુદા તબક્કે પ્રગતિ હેઠળ છે.
 
રોજગારી ઉપરાંત ઉચ્ચક નાણાકીય સહાય અંતર્ગત ચાલુ નોકરીમાં અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ શરતોને આધીન વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓના આશ્રિતોને રૂ.૪ લાખથી રૂ.૮ લાખ ચુકવવાની જોગવાઈઓ છે. આ બાબત ફિક્સ પગારના પાંચ વર્ષીય કરાર આધારિત સેવાના કર્મચારીઓના કિસ્સામાં પણ વિવિધ ઠરાવોથી લાગુ પડે છે. 
 
વિજય રૂપાણીના હસ્તકના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા "સ્વાતંત્ર્ય સેનાની પેંશન યોજના" અંતર્ગત રાજ્યના ૨૮૮ થી વધુ સ્વાતાંત્ર્ય સેનાનીઓને રૂ.૧૦,૦૦૦ માસિક પેન્શન તથા તેમના આશ્રિતોને રૂ.૭૦૦૦ લેખે માસિક પેન્શન ચુકવવામાં આવે છે. ૨૦૧૯-૨૦ ના અંદાજપત્રમાં આ માટે રૂ.૨૯૦ લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે.
 
સામાન્ય વહીવટ વિભાગ કેન્દ્રીય લોકસેવા આયોગ દ્વારા લેવાતી અખિલ ભારતીય મુલકી સેવા અને તેની સંલગ્ન પરીક્ષા માટેના વર્ગો '"સ્પીપા" દ્વારા હાથ ધરાય છે. આ માટેના તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવનારાઓને પ્રવેશ બાદ વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.૨૦૦૦ પ્રોત્સાહન પેટે, પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા સ્વપ્રયત્ને/તાલીમાર્થી તરીકે પાસ કરનારને યુવકને રૂ.૨૫૦૦૦ અને યુવતીને રૂ.૩૦૦૦૦ પ્રોત્સાહન રૂપે બંને પરીક્ષા વખતે અને આખરી પસંદગી થાય ત્યારે ગુજરાત ડોમિસાઈલના યુવકને રૂ.૫૧૦૦૦ અને યુવતીને રૂ.૬૧૦૦૦ પ્રોત્સાહન પેટે આપવામાં આવે છે. આ વિભાગ બિનનિવાસી ગુજરાતીઓને ''ગુજરાત કાર્ડ'' આપવાની સાથે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી તથા બિનનિવાસી ગુજરાતીઓ માટે ''ગુજરાત પરિભ્રમણ યોજના'' હેઠળ પ્રવાસોનું પણ દેશભરમાં આયોજન કરે છે.