શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 મે 2017 (15:53 IST)

મોદી સાથે મંત્રીઓની બેઠક થઇ પણ પરિણામ શૂન્ય, કેન્દ્રમાં ગુજરાતના ૪૬ પ્રશ્નો ઉકેલાયાજ નથી

લોકસભાની ચૂંટણી વખતે કેન્દ્રની ગુજરાતને થપ્પડ એમ કહીને ભાજપે યુપીએ સરકારને ભાંડવામાં કોઇ કમી રાખી ન હતી .એટલું જ નહી , આ વાતને ચૂંટણી મુદ્દો બનાવી ખૂબ ચગાવ્યો પણ હતો .  હવે ગુજરાતના ભાજપના સાંસદો રાજ્યના પ્રશ્નોના મુદ્દે સંસદમાં એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી . ગુજરાતના અનેક પ્રશ્નો પડતર રહ્યાં છે તે મુદ્દે કાગારોળ મચાવનાર ભાજપ હવે કેન્દ્રમાં બિરાજમાન છે તેમ છતાંયે ગુજરાતના ૪૬ પ્રશ્નો વણઉકેલાયેલાં રહ્યાં છે.

યુપીએ સરકાર વખતે ગુજરાતના વણઉકેલાયેલા પ્રશ્નોની યાદી ઘણી લાંબી હતી. જોકે, હવે ટૂંકી થઇ ગઇ છે. રાજ્ય સરકારે જ કબૂલ્યું છેકે, હજુ ગુજરાતના ૪૬ પ્રશ્નો કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પડયાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના કેટલા પ્રશ્નો ઉકેલાયાં તેનો જવાબ ખુદ સરકાર પાસે ય નથી . ઘણાં એવા પ્રશ્નો પણ છેકે,જેનો ઉકેલ આવે તો ગુજરાતની જનતાને ઘણો ફાયદો પહોંચી શકે છે. રાજ્યના પડતર પ્રશ્નોના મુદ્દે સરકારની એવી દલીલ છે કે, સરકારના જુદા જુદા સબંધિત વિભાગો સમયાંતરે પત્ર મોકલી રજૂઆત કરે છે.

આ ઉપરાંત મંત્રી, અધિકારીઓ દિલ્હી જઇને સબંધિત મંત્રાલયના મંત્રી,અધિકારી સાથે બેઠક યોજીને પણ પ્રશ્ન ઉકેલવા પ્રયાસો કરે છે. બીજી તરફ, મોદી સરકારના ત્રણ વર્ષના શાસન બાદ પણ હજુયે ગુજરાતના પ્રશ્નો પડતર રહ્યાં છે. વાસ્તવમાં પડતર પ્રશ્નો અંગે ગુજરાત સરકાર અને ભાજપ માટે ઇધર કુંઆ, ઉધર ખાઇ જેવી દશા થઇ છે કેમ કે, મોદી સરકાર સામે બાંયો ચડાવી શકાય તેમ નથી અને પ્રજાને સાચુ કહી શકાય તેવી સ્થિતી છે. અત્યારે તો કેન્દ્રમાં ગુજરાતનુ કઇ ઉપજતુ નથી તેવુ ચિત્ર ખડુ થયું છે.