શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2017 (14:32 IST)

Rath Yatra Surat - સુરતમાં ભગવાન જગન્નાથને પહેરાવાશે બે લાખના વાઘા

સુરતમાં ઈસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નિકળીને ભાવિકોને   દર્શન આપશે. ત્યારે ભગવાન માટે ખાસ રથયાત્રા માટે વૃંદાવનથી વાઘા મંગાવવામાં આવ્યા છે. આ વાઘા બનાવવા માટે 8 જેટલા લોકોએ છ મહિના મહેનત કરી હતી. વાઘામાં એમ્બ્રોઈડરીની સાથે જરદોશી વર્ક અને લેસની પટ્ટી મુકવામાં આવી છે. જે રથયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથની મૂર્તિઓ દ્વારા તેમની લીલાનું ભાવિકોને દર્શન કરાવવામાં આવશે.

સાથે સાથે રથ પરથી 1 હજાર કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. અને રથની બહાર લાપસીનો પ્રસાદ વહેંચવામાં આવશે.  આ વખતે ભગવાન જગન્નાથનો રથ ખાસ તેમના સિંહાસનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે. આ રથની ઉંચાઈ 21 ફૂટ અને પહોળાઈ 16 ફૂટ રાખવામાં આવી છે.  દરવર્ષની જેમ આ વર્ષે પણ ઈસ્કોન મંદિર દ્વારા નીકળનારી ભગવાન જગન્નાથની યાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થનાર છે. જેમાં 15 હજારથી વધુ દેશ વિદેશના ભાવિકો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. યાત્રા પૂર્ણ થયા બાદ ઈસ્કોન મંદિર ખાતે 50 હજાર ભાવિકો માટે પ્રસાદીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રસોડાની પણ વ્યવસ્થા મંદિર પરિસર ખાતે કરવામાં આવી રહી છે. ત્યારે ભાવિકો રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળીને ભાવિકોને આશિર્વાદ ઝડપતી આપે તેવી રાહ જોઈને બેઠા છે. બીજી તરફ મંદિર દ્વારા પણ આ 22મી રથયાત્રામાં કોઈ કચાશ ન રહી જાય તે પ્રકારની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.