શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (12:03 IST)

વડોદરા: પારૂલ યુનિ.માં અફઘાની-ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, 9ની અટકાયત

વાઘોડીયાના લીમડા સ્થિત પારુલ યુનિ.ની હોસ્ટેલમાં રહેતા અફઘાનીસ્તાન અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે રાતે મારામારી થઇ હતી. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા ૫ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. ઘટના પગલે ડીવાયએસપી, વાઘોડીયા પોલીસ, એસઓજીની ટીમ સહિતનો કાફલો પારુલ યુનિ. દોડી ગયો હતો. પારુલ યુનિ.ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. યુનિ. કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને ભારતના વિદ્યાર્થીઓની હોસ્ટેલ બિલ્ડીંગ નજીક છે.

 રાતના સમયગાળામાં અફઘાનીસ્તાન અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હતી. વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે થયેલી સામાન્ય તકરાર બાદ થયેલી ઉગ્ર બોલાચાલીમાં વાત વણસી હતી. બંને દેશના વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે લાકડી અને પથ્થરોથી મારામારી થતાં લગભગ પાંચ જેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ થઇ હતી. અફઘાનીસ્તાનના વિદ્યાર્થીઓને અન્ય વિદેશી વિદ્યાર્થીઓઓ પણ સપોર્ટ કર્યો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે. ભારતીય વિદ્યાર્થીને માથા અને અફઘાનીસ્તાનના વિદ્યાર્થીને નાકમાં લોહી નિકળતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓને અન્ય વિદેશી વિદ્યાર્થીઓઓ પણ સપોર્ટ કર્યો હોવાની ચર્ચા પણ રાતે ત્યાં ચાલતી હતી. આ સંદર્ભે વાઘોડીયા પોલીસે મોડીરાતે બંને પક્ષે ફરીયાદ લઇ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર મામલામાં 10 લોકોની અટકાયત કરાઈ છે. આ ઘર્ષણમાં યુગાન્ડાના 2 અને 12 ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. બંને પક્ષના વિદ્યાર્થીઓએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે. અફઘાનિસ્તાન, યુગાન્ડાના 50 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ. ભારતીય વિદ્યાર્થી હિતેશ પટેલને માથામાં ગંભીર ઈજા પહોંચી છે અને હાલ સારવાર અર્થે ખસેડાયો છે. વિદ્યાર્થીઓ દ્ગારા વાહનોમાં તોડફોડ કરાઈ છે. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા પારૂલ યુનિવર્સિટીમાં રજાઓ પડવાની આશંકા છે. તો બીજીબાજુ પારૂલ યુનિ.માં મીડિયાકર્મીઓને જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.અફઘાનીસ્તાન અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ રેક્ટર્સ પણ ત્યાં દોડી ગયાં હતાં. આ સમગ્ર મામલે સમાધાન કરવા મોડી રાત સુધી પ્રયાસ કરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.