બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 એપ્રિલ 2017 (12:55 IST)

પીએમ મોદીએ સુરતમાં 500 કરોડના ખર્ચે બનેલી હાઈટેક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ

સુરતના કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કરોડથી વધુ ખર્ચે ઈન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આજે (સોમવાર) પીએમ મોદીના હસ્તે આ હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી છએ. 59 મીટરની હાઈટ સાથે 13 માળ અને હેલિપેડ ધરાવતી કિરણ હોસ્પિટલ આગામી સમયમાં સુરતની ઓળખ બનીને રહેશે. સુરતમાં પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવેલી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અતિ અદ્યતન હોસ્પિટલને આજે પીએમ મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાઈટેક સાધનો અને સુવિધાઓ સાથે સુરતના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રૂપિયા 500 કરોડથી વધુના ખર્ચે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે.  કિરણ હોસ્પિટલ 17 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવી છે. જેમાં આશરે 10 લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે. 59 મીટર ઉંચા બિલ્ડીંગમાં 13 માળ છે. જ્યારે 22 લિફ્ટ મૂકવામાં આવી છે. બે એસ્કેલેટર છે જેથી ઓપીડીમાં આવતા દર્દીઓને ચડવા-ઉતરવામાં તકલીફ નહીં પડે. હોસ્પિટલમાં પાર્કિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુલ 533 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં બેડની સંખ્યા વધારીને 750 જેટલી કરી શકાશે. હોસ્પિટલમાં 113 બેડ આઈસીયુમાં છે. જ્યારે 33 જેટલા બેડ મેડિકલ વિભાગમાં બનાવવામાં આવ્યા છે. એક ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 11 બેડ રાખવામાં આવ્યા છે. જ્યારે 28 બેડ ઓપરેશન થિએટરમાં બનાવવામાં આવ્યા છે. 66 જેટલી વિવિધ રોગોની ઓપીડી તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાંતથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું નિદાન સાથે અદ્યતન સારવાર સગવડ આપવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીને ઈન્ફેક્શન ન થાય અને દર્દીને મળવા આવેલા સગાસંબંધીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદીએ શું કહ્યું
વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆતમાં જણાવ્યું હતું કે, હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં તેની દુવિધા હતી. પરંતુ દેશને પણ જાણ થવી જોઈએ કે કેવું કામ થયું છે એટલે હિન્દીમાં બોલું છું. દાતાઓને સૌ કોઈએ બિરદાવ્યાં પણ હું નહીં બિરદાવું કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. કંઈક વધતું ત્યારે ખેડૂતો ખાતા હતાં. ચોર ખાય મોર ખાય અને અતિથી ખાય વધે તો ખેડૂ ખાય તેમ વડાપ્રધાને ખેડૂતોના સંસ્કારોને યાદ કર્યા હતાં.આપવાના સંસ્કારો સાથે આવ્યાં છે. હું આ સંસ્કારો સાથે મોટો થયો છું. મોદીએ પોતાના સંબોધમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રથી આવીને અહીં સૌ કોઈ મોટા થયા છે. ત્યારે તેમના માટે 500 કરોડ એ કોઈ મોટી વાત નથી. પાંચેક હજાર કરોડનું કંઈક કરવું જોઈએ. આ તકે તેમણે જણાવ્યું કે, પદથી નહીં પ્રેમથી મોટા થવાય છે જે સુરતમાં તેમને ખૂબ મળે છે. સાંજે બાજરાની રોટલી અને ખીચડી માટે ફોન આવ્યો હતો. અને સવારે સૌરાષ્ટ્રમાં જે મોટી ભાખરી બને તે આવી હતી. સુરતની સ્વચ્છતા વિષે મોદીએ કહ્યું કે, સ્વચ્છતા એ આદત હોવી જોઈએ. બાળકોને જમતા અગાઉ હાથ ધોવડાવવાથી અનેક રોગો દૂર જતાં રહે છે. ત્યારે સુરત તો સ્વચ્છતાનું પર્યાય છે. રોડ શોમાં પણ સ્વચ્છતા દેખાતી હતી. દિલ્હીથી તેમની સાથે આવેલા ઓફિસર પણ સુરતની સ્વચ્છતા જોઈને દંગ રહી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. અને સ્વચ્છતાં દેશભરમાં આદત બને તે માટે તેમણે ભાર મુક્યો હતો. મોદીએ હોસ્પિટલમાં 10 મિનિટ કરતાં વધુ સમય સુધી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ મોદીએ હોસ્પિટલના સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મોદીએ હોસ્પિટલની હાઈ ટેક હોવા અંગેની ખાસિયતો જાણી હતી. બાદમાં તેમણે વિઝીટર બુકમાં શુભેચ્છા સંદેશો લખ્યો હતો અને સભા સ્થળે પહોંચ્યા હતાં.