બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2017 (12:52 IST)

દેહવ્યાપાર કરનાર સ્ત્રી પાસે જવા માત્રથી અનૈતિક દેહવ્યાપારનો ગુનો બનતો નથી: હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે અનૈતિક દેહવ્યાપાર અંગે ફરિયાદ રદ કરવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યુ છે કે રૃપલલના પાસે જવા માત્રથી અનૈતિક દેહવ્યાપારનો ગુનો બનતો નથી. સુરતમાં રૃપલલના પાસે ગયેલા આરોપીએ તેની સામેની અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધક ધારા હેઠળની ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. કોર્ટે સુપ્રીમકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇને આરોપી સામેનો અનૈતિક દેહવ્યાપારનો ગુનો રદ કરવા આદેશ કર્યો છે.

કોર્ટે તેના અવલોકનમાં ઠેરવ્યુ છે કે રૃપલલના પાસે જવા માત્રથી અનૈતિક દેહવ્યાપારનો ગુનો બનતો નથી. જો કે તેની સામે અન્ય ગુના યથાવત રાખ્યા છે. સરકાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે દેશભરમાં અતિ ચર્ચાસ્પદ ‘નિર્ભયા કાંડ’ બાદ જસ્ટીસ જે.એસ.વર્માએ કરેલી ભલામણો મુજબ પણ અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધક ધારામાં કલમ-૩૭૦-એ નો સમાવેશ કરવામાં આવ્યો છે , તેથી આરોપીને ‘ગ્રાહક’ ગણીને ગુનો નોંધવો જોઇએ. હાઈકોર્ટે આરોપી પર નોંધાયેલા આઈપીસીની કલમ ૩૭૦-એ હેઠળના ગુનાને રદ કર્યો નહોતો પરંતુ આ અંગે પોલીસને વધુ તપાસ સુચવી હતી. આ આખા કેસની રસપ્રદ વિગતો મુજબ, સુરતના કોડેદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશને જાન્યુઆરીમાં તાતાથૈયા પાર્ક-૧માંથી સેક્સ રેકેટ ઝડપ્યુ હતું. જેમાં વિનોદ ઉર્ફે વિજય પટેલની રેડના સ્થળેથી જ ધરપકડ કરાઇ હતી. સુરત પોલીસે તેની સામે અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધક ધારા, ૧૯૫૬ની કલમ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૦ હેઠળ ગુનો નોધ્યો હતો.

પોતાની પર લાગેલા તમામ ગુના રદ કરવા કરેલી અરજીમાં એવી રજુઆત કરાઇ હતી કે તેના અસીલે રૃપલલનાને એડવાન્સ નાણા ચુકવ્યા હતા,જયારે રેડ પડી ત્યારે તે રૃપલલનાની આવવાની રાહ જોતો હતો. તેણે રૃપલલનાનું શોષણ કર્યુ હોય કે તેને ગોંધી રાખી હોય તેવું નહોતુ તેથી તેની સામે આ ગુનો નોંધી શકાય નહી. રૃપલલના પોતાની મરજીથી દેહવ્યાપાર કરતી હોય તેને કોઇ જગ્યાએ ફરજીયાત લઇ જવામાં આવતી ન હોય ત્યારે ગ્રાહક પકડાય તો તેની સામે અનૈતિક દેહવ્યાપાર (પ્રતિરોધક) ધારાની જોગવાઈઓ હેઠળનો ગુનો બનતો નથી.