શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2017 (13:10 IST)

સૌરાષ્ટ્ર પંથકમાં કરા સાથે ધોધમાર પોણો ઇંચ વરસાદ

મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું.  જામકંડોરણા અને ગોંડલ પંથકમાં બપોર પછી કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કોલીથડ ગામમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.  ગોંડલ તાલુકાના કોલીથડ, વેજાગામ અને વાછરા ગામમાં તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. બાદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધી કલાકમાં જ પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ જામકંડોરણા તાલુકાના ચીત્રાવડબરડીયા ગામે પણ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાં રાહત મેળવી હોય તેવો અહેસાસ થયો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તોફાની પવન વચ્ચે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. તાલુકાના કોલીથડ, વેજાગામ, વાછરા સહિતના ગ્રામ્ય પંથકમાં 15 મિનિટમાં પોણો ઈંચ પાણી વરસી ગયું હતું. જ્યારે જામકંડોરણાના રાજપરા, ચિત્રાવડ અને મોરીદડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ઝાપટાં વરસી ગયા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ, ઈંગોરાળા, નાના વિસાવદર અને સાવરકુંડલા પંથકના જાબાળ, આમરડી, થોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ માવઠું વરસી ગયું હતું.  અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણ પલ્ટો થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ભાડ, નાનુડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ખાંભા અને આંબરડી જેવા વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતાં.  અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં જિલ્લામાં ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળતા જિલ્લાવાસીઓ ખુશ થયા હતા. જોકે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં.