૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ૧૨.૭ ટકાનો ઘટાડો

accident in gujarat
Last Updated: શનિવાર, 7 જુલાઈ 2018 (15:50 IST)

 
ગાંધીનગર, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી કાઉન્સીલ અને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરીટીની આ પ્રથમ મિટીંગમાં મંત્રીએ માર્ગ સલામતી સાથે સંકળાયેલ તમામ વિભાગોને અને પ્રત્યેક નાગરિકને ખભેખભા મિલાવી રાજ્યમાં થતા માર્ગ અકસ્માતો ઘટાડવા પરીણામલક્ષી કાર્ય કરવા જણાવ્યું હતું. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા સત્રમાં આ ઓથોરીટીની રચના માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. રોડ સેફ્ટી ક્ષેત્રે જવાબદાર તમામ સરકારી વિભાગો એન.જી.ઓ., સ્વૈચ્છિક વ્યક્તિઓ/સંસ્થાઓ, કોર્પોરેટ સેકટરના અસરકારક સંકલન માટે અને રોડ સેફટી માટે અસરકારક દિશા નિર્દેશ આપી શકાય તેના માટે ગુજરાત રાજય રોડ સેફટી ઓથોરીટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારના તમામ વિભાગો દ્વારા થતા કાર્યોની સમિક્ષા માટે રાજય માર્ગ સલામતી પરિષદની રચના થયેલ છે. માર્ગ ઉપર થતા અકસ્માતો માટે ઘણી જ ગંભીર છે તેમ જણાવી મંત્રી  ફળદુએ ઉમેર્યું હતું કે, સૌએ સાથે મળીને પરસ્પરના અસરકારક સંકલનથી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પોતપોતાના સતાક્ષેત્રમાં આવતા કાર્યો કરવાના હોય છે.

આ બેઠકમાં ગુજરાત રાજયમાં છેલ્લાં ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતો ઘટતા રહ્યાં છે તેની નોંધ લેતા મંત્રીએ જણાવ્યું હતુ કે, વર્ષ-૨૦૧૬ની સરખામણીએ વર્ષ-૨૦૧૭માં માર્ગ અકસ્માતોમાં ૧૨.૭ ટકા ઘટાડો થયેલો છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતુ કે, અકસ્માતોમાં ઘટાડો થયો તે સારી વાત છે પરંતુ તે અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. મંત્રીએ તમામ અધિકારીઓને આહવાન કરી રોડ સેફટી માટે આયોજનબદ્ધ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢી માટે આપણે ઘણું બધું કાર્ય કરવાનું છે. ગુજરાત રાજય રોડ સેફટી ઓથોરીટીના કારણે ગુજરાતમાં રોડ સેફ્ટી ક્ષેત્રે ઉમદા કાર્યો થઈ શકશે. પરિણામે અનેક વ્યક્તિઓના જાનમાલની રક્ષા થઈ શકશે, એમ પણ મંત્રીએ જણાવ્યું હતુ. 

બેઠકમાં CCTV કેમેરા, રિફલેકટર, ખાનગી ટ્રાવેલ કંપનીઓની આધુનિક બસોની હેડલાઈટમાં રહેલી લાઈટોથી અંજાઈ જવાને કારણે બનતા અકસ્માતો, અંધારામાં વાહનનો પાછળનો ભાગ દેખાય તે માટે રેફલેકટર, રેડિયમ સ્ટ્રીપ લગાડવા બાબતે, ઓવર સ્પીડીંગ અટકાવવા બાબતે, પાર્કિંગ પોલિસી બાબતે, રોડ પરના બ્લેક સ્પોટ નિવારણ બાબતે, ટ્રોમા સેન્ટર, એક્પ્રેસ-વે પર ૧૦૮ સેવાના બોર્ડ લગાવવા માટે, સ્પીડ બ્રેકર બાબતે, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી સાથે વધુમાં વધુ સાંકળવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રાજયકક્ષાના મંત્રી  ઈશ્વર પટેલે માર્ગ સલામતી તેમજ લેન ડ્રાઈવિંગ પર ભાર મૂક્યો હતો.  


આ પણ વાંચો :